અમદાવાદ / નરેન્દ્ર મોદીનું સપનું પાણીમાં, SVP હોસ્પિ.માં છત તૂટે, પાણી ઘુસે પણ પોલ ન ખુલવી જોઈએ, મીડિયા પર પ્રતિબંધ

એસવીપી હોસ્પિટલની તસવીર
એસવીપી હોસ્પિટલની તસવીર

  • 750 કરોડના ખર્ચે બનેલી SVPમાં પોલંપલ
  • 15 દિવસમાં એકવાર છત તૂટી અને બેવાર પાણી ઘુસ્યા
  • આજે દર્દીના સગાઓએ બાઉન્સરો સાથે મારામારી કરી
  • હોસ્પિટલે પેશન્ટ પ્રાઇવસીના નામે મીડિયાને હોસ્પિટલમાં પ્રવેશ ના આપ્યો
  • દર્દીઓને પડતી હાલાકી ખુલ્લી ન પડે તે માટે મીડિયાને પ્રવેશબંધી

Divyabhaskar.com

Aug 16, 2019, 04:24 PM IST

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ નજીક 750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ બનાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૈશ્વિક કક્ષાની હોસ્પિટલ ગણાવી રહી છે, પરંતુ આ હોસ્પિટલમાં પોલંપોલ ચાલી રહી છે. આ પોલંપોલ બહાર ન આવે તે માટે મ્યુનિસિપલના ભાજપના શાસકો અને તંત્રએ હોસ્પિટલમાં મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 7 મહિના પહેલાં 18 જાન્યુઆરીના રોજ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સપના સમાન એસવીપી હોસ્પિટલનુ લોકાર્પણ કર્યું હતું.

દર્દીના સગાની બાઉન્સર સાથે મારામારી, પોલીસ સ્ટે.ની ડાયરીમાં માત્ર નોંધ કરી
આજે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી. દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે બાઉન્સરોએ સંબંધી પાસે પાસ માંગતા દર્દીના સગાએ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં દર્દીના સગા બાઉન્સરને લાકડી મારતા જોવા મળે છે. આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં માત્ર નોંધ કરવામાં આવી છે.

દર્દીઓની હાલાકી છુપાવવા મીડિયા પર પ્રતિબંધ મુક્યો
આ ઘટનાક્રમ વચ્ચે હોસ્પિટલ તંત્રએ પેશન્ટ પ્રાઇવસીના નામે મીડિયાને હોસ્પિટલમાં પ્રવેશ આપવાની ના પાડી દર્દીઓને પડતી હાલાકી ખુલ્લી ન પડે તે માટે ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન અને હોસ્પિટલ તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.

‘અત્યાધુનિક હોસ્પિટલ’માં પોપડા પડ્યા, પાણી ઘુસ્યા
રૂ. 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ હોસ્પિટલ દરેક રીતે અત્યાધુનિક અને શ્રેષ્ઠ હોવાનો દાવો કોર્પેરેશનનો શાસક પક્ષ ભાજપ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કર્યો છે. જો કે આ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં છતના પોપડા ઉખડી જવાની, ડોક્ટરોના રૂમમાં પાણી ભરાવવાની, ઓપરેશન થિયેટરમાં ઉપરના માળેથી નીચે સુધી ઘૂંટણ સુધી પાણી ભરાવવા જેવી ઘટનાઓ બની છે. વરસાદના કારણે ધાબા પરથી 16માં માળે આવેલા રૂમમાં ઘુસેલા પાણી ઉલેચવા પડ્યા હતા. મ્યુનિસિપલ શાસકો અને હોસ્પિટલ તંત્રની જે બેદરકારીઓ થઈ છે અને પોલંપોલ ચાલે છે તેની માહિતી લોકો સુધી ન પહોંચે તે માટે મીડિયાને દૂર રાખવામાં આવે છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ હોસ્પિટલમાં પ્રાઇવસીના નામે પણ મીડિયાને એન્ટ્રી ન આપવા બાબતે જણાવી દીધું હતું.

માં કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી ડિપોઝીટ વસૂલાતા મેયરે સ્પષ્ટતા કરવી પડી
હોસ્પિટલમાં અગાઉ માં કાર્ડ ધરાવતા દર્દીઓ પાસે રૂ. 5000 ડિપોઝીટ પેટે લેવામાં આવતા હતા. માં કાર્ડધારકોને ફ્રીમાં સારવાર હોવા છતાં હોસ્પિટલ તંત્ર પહેલા દર્દીઓ પાસે ડિપોઝીટ જમા કરાવડ્યા બાદ જ સારવાર કરતું હતું. દર્દીઓ આ બાબતે રજૂઆત કરતા હોવા છતાં સારવાર કરવામાં આવતી ન હતી. મીડિયાએ તંત્રની આ પ્રકારની દાદાગીરી બહાર લાવતા છેવટે મેયરે હવેથી ડિપોઝીટ નહિં લેવાય તેવી સ્પષ્ટતા કરવી પડી હતી.

X
એસવીપી હોસ્પિટલની તસવીરએસવીપી હોસ્પિટલની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી