અમદાવાદ / જો નર્મદા બંધ ઓવર ફ્લો થાય તો ગુજરાત-મધ્યપ્રદેશના 250 જેટલા ગામોમાં પાણી ફરી વળે, 5 હજારનું સ્થળાંતર

નર્મદાના કાંઠે આવેલા ગામની સ્થિતિનો ચિતાર આપતી તસવીર
નર્મદાના કાંઠે આવેલા ગામની સ્થિતિનો ચિતાર આપતી તસવીર

  • મધ્યપ્રદેશ સરકારે પોતાનું કામ પૂર્ણ કર્યું નથી અને વિસ્થાપિતોને ખસેડ્યા પણ નથીઃ મુખ્યમંત્રી રૂપાણી
  • 24 દરવાજા 4.1 મીટર ખોલીને 6,88,073 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું
  • ડેમમાં હાલ પાણીનો લાઈવ સ્ટોક 5401.50 mcm(મિલિયન ક્યુબિક મીટર) 
  • 144 ગામના 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

Divyabhaskar.com

Sep 13, 2019, 04:14 PM IST

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીમાં છે, ત્યારે ગુજરાત સરકાર તેની ઉજવણીની તૈયારી કરી રહી છે. જ્યારે નર્મદાના કાંઠે આવેલા મધ્ય પ્રદેશ અને ગુજરાતના 250 જેટલા ગામોમાં નર્મદાના પાણી ઘુસી જવાની ભીતિ સેવાઈ રહી છે, એટલું જ નહીં હાલ નર્મદા ડેમ 137 મીટરની સપાટી વટાવી ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના 40થી વધુ ગામોમાં પાણી ઘુસી રહ્યા છે. તેમજ ભરૂચ-નર્મદા જિલ્લાના 144 ગામોના 5000 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશના પણ 100થી વધુ ગામોમાં પાણી ભરાવા લાગ્યા છે. આમ જો નર્મદા બંધ ઓવર ફ્લો થાય તો ગુજરાત અને મધ્યપ્રદેશના નર્મદા કાંઠાના 250 જેટલા ગામોની સ્થિતિ વણસી શકે છે.

નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો અમારો અધિકારઃ મુખ્યમંત્રી રૂપાણી
નર્મદા ડેમ 138 મીટરની સપાટી સુધી ભરવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો અમારો અધિકાર છે,જ્યારે ડેમમાંથી પાણી છોડવું અમારી મજબૂરી છે. મધ્યપ્રદેશ સરકારે પોતાનું કામ પૂર્ણ કર્યું નથી અને વિસ્થાપિતોને ખસેડ્યા પણ નથી. કોંગ્રેસ પહેલેથી જ નર્મદા ડેમ વિરોધી છે.

નર્મદા ડેમ 94 ટકા જેટલો ભરાયો, 24 દરવાજા ખોલાયા
નર્મદા ડેમમાં હાલ 9,31,759 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 137.58 મીટર સુધી પહોંચી ગઈ છે અને
નર્મદા ડેમ 94 ટકા જેટલો ભરાયો છે. તેમજ 24 દરવાજા 4.1 મીટર ખોલીને 6,88,073 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. પૂનમની ભરતી અને પૂરની અસર ન થાય તે માટે પાણી છોડવામાં ઘટાડો કર્યો છે. હાલ 1,28,573 ક્યુસેક પાણી છોડવાનો ઘટાડો કર્યો છે. ડેમમાં હાલ પાણીનો લાઈવ સ્ટોક 5401.50 mcm(મિલિયન ક્યુબિક મીટર) છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. અને નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંકટ ઉભુ થયું છે. જેથી કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. જેને પગલે લોકો હાલ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ભરૂચ-નર્મદા જિલ્લાના 144 જેટલા ગામો પર સંકટ, મધ્યપ્રદેશના 100 ગામોને અસર
નર્મદા ડેમ ઓવરફ્લોથી 1 મીટર જ દૂર છે. જેની સીધી અસર મધ્ય પ્રદેશ અને ગુજરાતના ગામડાઓ પર પડી રહી છે અને ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના 144 જેટલા ગામો પર સંકટ સર્જાયુ છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓની સ્થિતિ વધારે ખરાબ છે, અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના 100થી વધુ ગામડાઓમાં સરદાર સરોવર બંધનું પાણી ઘુસી ગયું છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ગામોનું પુનર્વસન કામ પણ થયું ન હોવાથી ગ્રામજનો જાય તો પણ ક્યાં જાય તેની સ્થિતિ ઉભી થઈ છે.

મધ્યપ્રદેશના હજારો ગામો પર જોખમ
ગુજરાત સરકાર દ્વારા સરદાર સરોવર બંધની ઉંચાઈ વધાર્યા બાદ જળ સપાટી 138 મીટર સુધી લઈ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને પગલે 192 ગામ અને અને ધર્મપુરી નામના એક નગરના હજારો પરિવાર પર સંકટ તોળાઈ રહ્યું છે. જેમાંથી 100 ગામમાં તો નર્મદા બાંધનું બેક વોટર પણ ભરેલું છે અને આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા બંધની સપાટી 131 મીટરને પાર જતા મધ્યપ્રદેશના ધાર, અલિરાજપુર અને બડવાની ગામમાં પાણી પહોંચવા લાગ્યું હતું.

એક ઈમર્જન્સી અને 23 સર્વિસ દરવાજા ખોલાયા
સરદાર સરોવર નર્મદા ડેમના 30માંથી 23 સર્વિસ દરવાજા છે, જેની સાઇઝ 30 બાય 55 મીટર છે. જ્યારે બીજા 7 દરવાજા ઇમર્જન્સી દરવાજા છે. જે સંકટ સમયે ખોલવામાં આવે છે. જેની સાઇઝ 30 બાય 60 મીટર છે. આ સાત દરવાજા જો વધારે માત્રામાં પાણી આવે અને ડેમને નુકસાન થાય તેવુ હોય તો જ ખોલવામાં આવે છે. પરિસ્થિતિ વિકટ બને વધારે પાણી આવે તો જ ઇમર્જન્સી ગેટ ખોલવામાં આવે છે. જેને પગલે આજે એક ઈમર્જન્સી સહિત કુલ 24 દરવાજા ખોલવામાં આવ્યા છે.

જો ડેમ ઓવર ફ્લો થશે તો 40 હજાર ક્સૂસેક પાણી કેનાલમાં છોડાશે
નર્મદા મુખ્ય કેનાલની 40 હજાર ક્યૂસેકની કેપેસિટી છે, જો ડેમ સંપૂર્ણપણે ભરાઇ જાય તો 40 હજાર ક્સૂસેક પાણી કેનાલમાં છોડવામાં આવશે અને કેનાલ મારફતે સાબરમતી સહિતની નદીઓ, ડેમો અને તળાવોમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમના ઉપરવાસમાં ઇન્દિરાસાગર, મહેશ્વર, ઓમકારેશ્વર, તવા, હોસંગાબાદ અને બડવાણી સહિતના ડેમો આવેલા છે. આ તમામ મહત્તમ સપાટી પર પહોંચી ચૂક્યા છે. દરવાજા કેટલો સમય ખુલ્લા રહે તેનો આધાર મધ્યપ્રદેશમાં પડનારા વરસાદ પર છે. હાલની પરિસ્થિતિમાં ચોમાસાની સિઝન પૂર્ણ થતા સુધી ડેમ ઓવરફ્લો થતો રહેશે.

નર્મદા ડેમની સ્થિતિ અંગે મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશની સરકારને માહિતી આપે છે
નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા બાદ પણ ઓવરફ્લો થતો રહે તો નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા 144 અને મધ્યપ્રદેશના 100 જેટલા ગામો અસરગ્રસ્ત બનશે. ડેમના દરવાજા નાખ્યા બાદ બે વર્ષ વરસાદ ઓછો રહ્યો હતો અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો 9 મિલિયન એકર જેટલું પાણી છોડવાનો નિયમ છે. એ બે વર્ષથી છોડી શક્યા નથી. બે વર્ષથી પાણીની સમસ્યા સર્જાઇ છે. હાલ વરસાદ સારો છે અને ડેમની 138.68 મીટરની સપાટી ભરવામાં આવનાર છે. ડેમની ચકાસણી પણ થાય અને સપાટી પણ ભરાઇ જાય તો વીજળી, સિંચાઇ અને પીવાના પાણીનો ગુજરાતને લાભ મળે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની પુનઃ વસવાટ એજન્સીની બોટો હાલ કિનારાના ગામોને નુકસાન ન થાય તે માટે કેવડિયા ખાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એજન્સી નર્મદા ડેમની સ્થિતિ અંગે માહિતી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરકારને આપે છે. તકેદારીનો મેસેજ આપે છે.

X
નર્મદાના કાંઠે આવેલા ગામની સ્થિતિનો ચિતાર આપતી તસવીરનર્મદાના કાંઠે આવેલા ગામની સ્થિતિનો ચિતાર આપતી તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી