વાયુનું સંકટ ટળ્યું / વાવાઝોડું ઓમાન તરફ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લામાં NDRF,આર્મીની ટુકડીઓ સ્ટેન્ડબાય

Gujrat predicted heavy rains, NDRF in 11 districts, Army troops standby

  • 21 વર્ષ પછી આવેલા વાવાઝોડા સામે ગુજરાતે અભૂતપૂર્વ સંગઠન શક્તિ દર્શાવી હતી
  • વાવાઝોડાની વિકરાળતા સામે ગુજરાતે કરેલી તૈયારી વધારે પ્રચંડ હતી
  • પોલીસે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

Divyabhaskar.com

Jun 14, 2019, 12:59 AM IST

અમદાવાદઃ વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાક કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારે વરસાદની આગાહી કરી હતી. 11 જિલ્લામાં NDRF, આર્મીની ટુકડીઓ સ્ટેન્ડબાય છે. તો 3 લાખ લોકોે રાહત શિબિરમાં છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. કોસ્ટ ગાર્ડે હજુ 50 કલાક સાવચેતીની અપીલ કરી હતી. કુલ 86 ટ્રેન રદ તો 37ના રૂટ ટૂંકાવાયા હતા. સૌરાષ્ટ્રના એરપોર્ટ ગુરવારે પણ બંધ રહ્યા હતા.

રાજ્ય સરકાર: 24 કલાકમાં 3.70 લાખને ખસેડાયા, 700 રાહત શિબિરો ઊભી કરાઈ
રાજ્ય સરકારને ચોક્કસપણે ક્રેડિટ મળવી જોઈએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન ગંભીરતા, જવાબદારી અને લિડરશીપનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. માત્ર 24 કલાકમાં 3 .70 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા નાનુસૂનુ કામ નથી. વાવાઝોડું આવતા પહેલા પોતાના મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દીધા જેથી બચાવ એજન્સીઓ સાથે સંકલન જળવાઈ રહે અને કોઈ પણ સ્થિતિમાં સામાન્ય માણસોમાં ગભરાટ ફેલાય નહીં. મુખ્યમંત્રીએ જાતે પણ મોરચો સંભાળ્યો હતો. રાત્રે 1 વાગ્યા સુધી સતત માહિતી મેળવતા રહ્યા, કન્ટ્રોલ રૂમની મુલાકાતો લીધી અને અધિકારીઓ-મંત્રીઓને અપડેટ કરતા રહ્યા. તેમણે તત્કાળ નિર્ણય લઈને સૌરાષ્ટ્ર જતી તમામ ટ્રેનો, એરપોર્ટ બંધ કરાવ્યા અને 10 હજારથી વધુ પ્રવાસીઓને બહાર કાઢ્યા.

હવામાન વિભાગ: સચોટ આગાહી કરીને અપડેટ આપી જેથી સ્થિતિ નિયંત્રણમાં રહી
સચોટ આગાહીઓ કરી, સતત બુલેટીન બહાર પાડ્યા, તેના કારણે સ્થિતિ સતત નિયંત્રણમાં રહી. સમગ્ર સંકટને ખાળવામાં હવામાન વિભાગની સચોટ આગાહીઓનું મોટું યોગદાન રહ્યું. વાયુ વાવાઝોડાની ગતિનો સાચો અંદાજ આપ્યો, સાચી દિશા પારખી, તેના એરિયા-ઘેરાવાની વિગતો મેળવી તથા સરકાર તથા બચાવ એજન્સીઓને સમયસર તેની જાણકારી આપી. હવામાન વિભાગની આ કામગીરીના લીધે માત્ર સરકાર જ નહીં પણ સ્થાનિક વહીવટીતંત્રને પણ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં મદદ મળી. વાવાઝોડાએ જ્યારે પોતાની દિશા બદલી ત્યારે હવામાન વિભાગે સચોટ રીતે કહ્યું કે તેણે 16 ડિગ્રીનો ટર્ન લીધો છે અને હવે વેરાવળના બદલે પોરબંદર તરફ મૂવ કરી રહ્યું છે.

રાહત અને બચાવ દળ: સૈન્યની ત્રણે પાંખ, NDRF, SDRF અને પોલીસનું સંકલન
સૈન્યની ત્રણે પાંખ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, કોસ્ટ ગાર્ડ સહિતની વિવિધ રાહત અને બચાવ એજન્સીઓ વચ્ચે સુઆયોજિત સંકલન હતું. એરફોર્સે તાબડતોડ સી-71 વિમાન રવાના કરીને એનડીઆરએફના 100 જવાનોને વિશાખાપટનમથી જામનગર ખસેડ્યા હતા. NDRF, SDRFની 55થી વધુ ટીમો અત્યાધુનિક સાધનો સાથે ગણતરીના કલાકોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી. આર્મીની 24થી વધુ ટુકડી તહેનાત હતી.

સામાન્ય માણસો: ફૂડ પેકેટ બનાવવા માટે સ્વૈચ્છિક રીતે જોડાયા, અફવાઓથી દૂર રહ્યા
રાહત સામગ્રી તૈયાર કરવા સ્વૈચ્છિકપણે જોડાયા. અફવાઓથી દૂર રહ્યા. વાવાઝોડા વાયુનો સામનો કરવા માટેની તૈયારીઓમાં રાજ્યના દરેક વર્ગ, જૂથ, સમુદાયના લોકોની મોટી ભૂમિકા રહી હતી. વાવાઝોડાની સંભવિત અસર 6 0 લાખથી વધુ લોકોને થાય એમ હતી. તેમના માટે રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ, જૂથો થકી સામાન્ય માણસો રાહત સામગ્રી એકત્ર કરવામાં જોડાયા હતા. આશરે એક કરોડથી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં મહિલાઓેએ ફૂડ પેકેટ્સ તૈયાર કરવા માટે કલાકો સુધી સ્વૈચ્છિકપણે યોગદાન આપ્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર સંયમ જાળવીને અફવા, ફેક ન્યૂઝ-વીડિયો ફરતા કરવાનું ટાળ્યું હતું.

બન્ને રાજકીય પક્ષ: રાજકારણને કોરાણે મૂકી સેવામાં જોડાયા, કન્ટ્રોલ રૂમ બનાવ્યા
રાજકારણને કોરાણે મૂકી લોકોની સેવામાં જોડાયા, કન્ટ્રોલ રૂમ બનાવ્યા તથા રાહત સામગ્રી એકત્ર કરી રાજ્યના બન્ને મોટા રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે સંભવિત સંકટની આ ઘડીમાં પ્રજાની પડખે રહેવા માટે તત્પરતા દાખવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાની પાર્ટીના તમામ કાર્યકરોને લોકોને મદદ કરવા સૂચના આપી હતી. તો કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ રાજ્યના કોંગ્રેસ કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં જોડાવા હાકલ કરી હતી. હજારો ફૂડ પેકેટ્સ બનાવડાવ્યા હતા.

વીજળી બોર્ડ: હૉસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં એ માટે 164 ઇજનેરોને તહેનાત
રાહત અને બચાવ કામગીરીમાં સૌથી મોટી ચિંતા વીજ પુરવઠો ખોરવાય એની હતી. વાવાઝોડું તીવ્ર વેગથી ત્રાટક્યું હોત તો વીજળીના હજારો પૉલ ઉખડી જવાની આશંકા હતી. પણ સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠાની જવાબદારી સંભાળતા પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડે વીજ વ્યવહાર જળવાઈ રહે એ માટે અભૂતપૂર્વ મિશન હાથ ધર્યું હતું. પીજીવીસીએલની કુલ 634 ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશની વિવિધ હૉસ્પિટલોમાં વીજ પુરવઠો જળવાઈ રહે એ માટે 164 ફીડરો પર ઇજનેરોને જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ 20 હજાર વીજ પૉલ તૈયાર રાખવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ: હૉસ્પિટલોમાં વધારાને બેડ તૈયાર રખાયા, ડૉક્ટરોની ટીમ 24 કલાક તૈયાર રખાઈ
રાહત અને બચાવ કામગીરીમાં આરોગ્ય વિભાગની ભૂમિકા સૌથી મહત્ત્વની હતી. આરોગ્ય વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ સરકારી હૉસ્પિટલોમાં વધારાના બેડની વ્યવસ્થા તાકીદે કરી હતી. સાથે જ ડૉક્ટરો, નર્સોની ટુકડીઓને 24 કલાક ખડેપગે રાખ્યા હતા. માત્ર હૉસ્પિટલો જ નહીં પણ મોબાઇલ યુનિટ મારફતે પણ ડૉક્ટરોની ટીમને તૈયાર રાખવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સક્રિયતાને કારણે 29થી વધુ સગર્ભાઓને સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવી હતી. તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી.

શિક્ષણ વિભાગ: સ્થિતિની ગંભીરતા પારખી સ્કૂલો-કોલેજમાં રજાઓ અપાઈ, શિક્ષકો સ્થળાંતરિત કરાયેલા લોકોની દેખભાળમાં જોડાયા
શિક્ષણ વિભાગે સ્થિતિની ગંભીરતાને પારખીને સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાઓની તમામ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દીધી હતી. તથા શિક્ષકો સહિતના સ્ટાફને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખાયા હતા. સરકારી સ્કૂલો, કોલેજોમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને આશરો આપવા માટે તૈયાર રખાયા હતા. સ્થળાંતર કરાયેલા લોકોની દેખભાળ કરવામાં શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જે લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ્સ બનાવવામાં આવ્યા હતા તેમાં શિક્ષણ વિભાગના મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓનો પણ મોટો ફાળો છે.

X
Gujrat predicted heavy rains, NDRF in 11 districts, Army troops standby
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી