અમદાવાદ / રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ જાહેર, ગુજરાતના 13 પોલીસ અધિકારી-જવાનોને ચંદ્રક એનાયત કરાશે

gujarats 13 police officers-jawans to be awarded police medal by president of india

  • IBના પીઆઈ શૈલેષ રાવલને વિશિષ્ટ સેવા પોલીસ મેડલથી સન્માનિત કરાશે

Divyabhaskar.com

Aug 14, 2019, 10:45 PM IST

અમદાવાદઃ સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 13 પોલીસ અધિકારી અને જવાનોને આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા છે.જેમાં અમદાવાદ ટ્રાફિક-B ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી આકશ મનહરભાઈ પટેલથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રતાપજી સુખાજી ચૌહાણ સહિત 13 પોલીસ કર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આઈબીના પીઆઈ શૈલેષ રાવલને વિશિષ્ટ સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

1-શૈલેષ રાવલ-પીઆઈ, આઈબી, ગાંધીનગર

2-નરેશ કુમાર સુથાર-પીએસઆઈ, વાયરલેસ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર

3-પ્રતાપજી સુખાજી ચૌહાણ-હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

4-ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ-હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

5-આકાશ મનહર ભાઈ પટેલ-એસીપી, અમદાવાદ ટ્રાફિક-B ડિવિઝન

6-પિયુષ પિરોજીયા-ડીવાયએસપી, વેસ્ટર્ન રેલવે-અમદાવાદ

7-શબીર અલી સૈયદ અલી કાઝી, ડીવાયએસપી-એસ.સી/ એસ.ટી સેલ-ગાંધીધામ(કચ્છ)

8-રજનીકાંત લાખાભાઈ સોલંકી,ડીવાયએસપી-પેટલાદ, આણંદ જિલ્લો

9-પ્રતિપાલસિંહ અજીતસિંહ ઝાલા, ડીવાયએસપી-ભાવનગર

10-સત્યપાલસિંઘ તોમર, હેડકોન્સ્ટેબલ-સુરત ક્રાઇમ બ્રાન્ચ

11-લલિત કુમાર રત્નાભાઈ મકવાણા, પીએસઆઇ-એમ.ટી બ્રાન્ચ, વલસાડ

12-ભરતસિંહ જાડેજા, ડીવાયએસપી-આણંદ

13-એમ.એમ.પટેલ, એસીપી-પોલીસ કમિ., અમદાવાદ

ચેતનસિંહ રાઠોડ અને પ્રતાપસિંહ ચૌહાણને પ્રશંસનિય સેવા બદલ આ મેડલ એનાયત કરાશે
સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના 13 પોલીસ અધિકારી અને જવાનોને પોલીસ ચંદ્રક એનાયત કરાશે. જેમાંના ત્રણ પોલીસ અધિકારી અને કર્મચારી અમદાવાદમાં ફરજ બજાવે છે. ટ્રાફિક વિભાગના એસીપી આકાશ પટેલ, ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ રાઠોડ અને પ્રતાપસિંહ ચૌહાણને પ્રશંસનિય સેવા બદલ આ મેડલ એનાયત કરાશે. 15મી ઓગસ્ટે મેડલ મેળવનાર આ પોલીસકર્મચારીઓની કામગીરી વિશે divyabhaskar આપને જણાવી રહ્યું છે.

ચેતનસિંહે અનેક ચોરી, ધાડ, મર્ડર, લૂંટ જેવા ગુનાના ભેદ ઉકેલ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ ચેતનસિંહ રાઠોડ વર્ષ 1999માં કોન્સ્ટેબલ તરીકે પોલીસ ખાતામાં જોડાયા હતા. 20 વર્ષની પોલીસની નોકરીમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. તેઓ સેટેલાઇટ, વેજલપુર, નવરંગપુરા, મહિલા સેલ, ટ્રાફિક શાખા અને હાલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી છે. કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા બાદમાં તેઓને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. ચેતનસિંહે અત્યાર સુધીમાં અનેક ચોરી, ધાડ, મર્ડર, લૂંટ જેવા ગુનાના ભેદ ઉકેલ્યા છે. સેટેલાઇટ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે મહેસાણામાં ગાડીની લૂંટ માટે એક વ્યક્તિનું મર્ડર કરનાર ચકચારી કેસનો ભેદ તેમણે ઉકેલ્યો હતો. વેજલપુર તેઓ ફરજ બજાવતા હતા ત્યારે શહેરમાં ઘરફોડ ચોરીઓના બનાવ વધતા તેઓએ પોતાના નેટવર્ક અને બાતમીદાર મારફતે 18થી વધુ ચોરી કરનાર સ્પાયડરમેનને પણ તેમણે પકડ્યો હતો. તેમણે પકડેલો આરોપી પોશ વિસ્તારના ટાવરોમાં તે સ્પાયડરમેનની જેમ ચઢીને ઘરમાં ઘૂસીને ચોરી કરતો હતો.

ચેતનસિંહની જેમ જ ઉત્કૃષ્ઠ કામગિરી કરનાર અન્ય હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ચૌહાણ વર્ષ 1997માં પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. 23 વર્ષની નોકરીમાં તેઓ ખાડીયા, મણિનગર, કાગડાપીઠ, દાણીલીમડા જેવા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવી ચુક્યા છે. હાલ તેઓ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે જ્યારે કોઇ સોનાના દાગીના લૂંટાય ત્યારે ત્યારે અધિકારીઓ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહને યાદ કરે છે કારણકે ચોર જે બજારમાં આ ચોરીના દાગીના વહેંચે છે ત્યાં તેમનું ખુબ સારૂં બાતમીદારોનું નેટવર્ક છે.

પ્રતાપસિંહ ચૌહાણે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને ડિટેકશનની ધગશ સાથે કામ કરીએ છીએ. ચાર વર્ષ પહેલા દરિયાપુરનો પરેશ ઉર્ફે પરિયો સિનિયર સિટિઝનોને ફ્લેટ બતાવવાની લાલચે લૂંટી લેતો હતો. તે સમયે પરેશની કોઈ ભાળ મળતી ન હતી. માત્ર ફોટો જ હતો. પ્રતાપસિંહે માત્ર તેના એક ફોટા પરથી તેને ઝડપી પાડ્યો હતો.

વર્ષ 2001માં PSI તરીકે પોલીસ ખાતામાં જોડાનાર અને હાલમાં અમદાવાદમાં ટ્રાફિક એસીપી તરીકે જોડાનાર આકાશ પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2001માં સીધી ભરતીમાં PSI તરીકે જોડાયા બાદ મેઘાણીનગર, અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફ PSI તરીકે ફરજ બજાવી હતી. જેમાં ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનાના ભેદ ઉકેલયા હતા. આણંદ જિલ્લામાં પેટલાદ રૂરલમાં તેઓ ફરજ બજાવી ચુક્યા છે. 2010માં PI તરીકે પ્રમોશન મળ્યું હતું. અને CID ક્રાઈમમાં તેઓને પોસ્ટિંગ મળ્યું હતું. 2016માં ACP તરીકે પ્રમોશન મળ્યું હતું અને તેઓને અમદાવાદમાં ટ્રાફિક એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

શૈલેષ દેવીપ્રસાદ રાવલ, પોલીસ કોન્સ્ટેબલ તરીકે જુનાગઢ જિલ્લામાં નિમણુંક થયા બાદ તેઓએ ૧૯૮૨ થી ૧૯૮૫ દરમ્યાન પોલીસ ગાર્ડ,પીકેટ,એસ્કોર્ટ, નાઇટ રાઉન્ડ,બંદોબસ્ત, કોમ્બીંગ જેવી વિવિધ ફરજો બજાવેલ અને ૧૯૮૬ થી ૧૯૯૦ દરમ્યાન તેઓ સી.બી.આઇ. અમદાવાદ ખાતે સંવેદનશીલ ગુન્હાની તપાસમાં અને બેંક ફ્રોડ કેસોની તપાસમાં મદદમાં રહેતા તેમણે મુંબઇ ,દિલ્હી, કોલકતા ખાતે તપાસમાં ભાગ લીધેલ, ૧૯૯૧ થી ૧૯૯૭ દરમ્યાન તેઓ પોલીસ અધિક્ષકની,જુનાગઢની કચેરીમાં રીડર શાખામાં ગુન્હાઓના આંકડાકીય કામગીરી, ભારે ગુન્હાઓના અહેવાલો એ.એ.આર, ક્રાઇમ ઇન ઇન્ડીયા સંબંધે ફરજો બજાવેલ અને કુખ્યાત ગુન્હેગાર રણમલ આહિરને પકડવા સંબંધે ફરજો અદા કરેલી ૧૯૯૮ થી ૨૦૦૭ સુધી તેઓ સ્ટેટ આઇ.બી.ની સરહદી સુરક્ષાની કામગીરીઓ, સંયુક્ત પુછપરછ,ધુસણખોરીના માર્ગો શોધવાની મહત્વની કામગીરીઓ કરેલ અને આ ઉપરાંત સ્ટેટ આઇ.બી.માં સ્ટેટ વોરબુક ૧૯૯૯ તથા પોલીસ વોર ઇન્સ્ટ્રક્શન તૈયાર કરવાની કામગીરીમાં મદદરૂપ થયેલા અને પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે બઢતી પામતા સને ૨૦૦૭ થી ૨૦૧૩ સુધી ગુજરાતના મુખ્યમંત્રીની સુરક્ષામાં પીએસઆઇ વહિવટ તરીકે સક્રિય ફરજો અદા કરી,ઝામર, બી.પી. કાર તથા અન્ય સાધન સામગ્રીની ખરીદ પ્રકિયામાં સારી કામગીરીઓ કરેલી. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મેળવી હાલે કોસ્ટલ સિક્યુરીટી ખાસ કરીને બંદર,એસ.પી.એમ. ,ટાપુઓ, લેન્ડીગ પોઇન્ટની સુરક્ષા સંબંધે ફરજો બજાવે છે અને કોસ્ટલ સિક્યુરીટી સ્કીમ ફેઝ-૩ તૈયાર કરવામાં મદદગાર થયા હતાં

X
gujarats 13 police officers-jawans to be awarded police medal by president of india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી