અમદાવાદ / ગુજરાત ભાજપમાં 46 લાખ નવા સભ્યો ઉમેરાયા, પીએમના જન્મદિને નર્મદા નીરના વધામણા કરશે

મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ
મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ

Divyabhaskar.com

Sep 13, 2019, 06:45 PM IST

અમદાવાદઃ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’માં મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપના વરીષ્ઠ નેતા સુરેન્દ્રકાકા, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ તથા જિલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ- સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપમાં નવા 46 લાખ કરતા પણ વધુ સદસ્યોનો ઉમેરો થયો છે

પીએમ મોદીના જન્મદિન અંતર્ગત સેવા સપ્તાહ કાર્યક્રમ
આજની આ પ્રદેશ બેઠકમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો, ભાજપા સંગઠન પર્વ-સદસ્યતા વૃધ્ધિ અભિયાન, સક્રિય સભ્ય નોંધણી કાર્યક્રમ, કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાની મહત્વતાને જનતા સમક્ષ ઉજાગર કરવા રાષ્ટ્રીય એકતા અભિયાન અને સંપર્ક અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન અંતર્ગત 14 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમબર સુધી ભાજપ દ્વારા યોજાનાર સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતીના કાર્યક્રમો
આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે. ત્યારે આગામી 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે 10.૦૦ કલાકે કેવડિયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે.

જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઉભો કરાશે
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત સરકાર દ્વારા સવારે 10.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમા આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઉભો કરી ‘માં નર્મદા’ના વધામણા કરવાનું આયોજન કરવામાં આવશે, જેમાં મંત્રોચ્ચાર કરી ‘માં નર્મદા’ની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

કોંગ્રેસ સરકારોએ ઇરાદાપૂર્વક સરદાર સરોવર ડેમ યોજના વર્ષો સુધી અટકાવી રાખીઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજકીય વેરભાવના ઉપરાંત ગુજરાત હંમેશા આંખમાં કણાની માફક ખુંચવાના કારણોસર તથા ગુજરાતને સતત અન્યાય કરવાની માનસિકતાને કારણે ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારોએ ઇરાદાપૂર્વક સરદાર સરોવર ડેમ યોજનાને વર્ષો સુધી અટકાવી રાખી હતી, જેનાથી ગુજરાતની જનતાને લાંબા સમય સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ દ્વારા નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની મંજુરી નહી આપવાના કારણે સિંચાઇ અને દૈનિક જરૂરીયાત માટે વપરાશમાં લઇ શકાય તેવું કરોડો લિટર પાણી વહી જતું હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેક સંઘર્ષો અને દ્રઢ નિશ્ચયના કારણે આજે ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સંપૂર્ણપણે ભરાવા જઇ રહ્યો છે. 2014માં પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના 17માં દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી હતી.

નવા સભ્યો ઉમેરાતા રાજ્યના સંગઠનને વધુ મજબૂતી મળીઃ પ્રદેશ પ્રમુખ
જ્યાર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ-સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપમાં નવા 46 લાખ કરતા પણ વધુ નવા સદસ્યોનો ઉમેરો થયો છે અને રાજ્યના સંગઠનને વધુ મજબૂતી મળી છે, જે ગુજરાત ભાજપાના તમામ કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે શકય બન્યું છે તે બદલ હું તમામ કાર્યકરોને હદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આગામી વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, રાષ્ટ્રવાદી રાજનીતિ અને પ્રજાલક્ષી નિર્ણયો લેવાના કારણે લોકમાનસમાં ભાજપા સર્વસ્વીકૃતી પામી રહ્યુ છે. જ્યારે કોંગ્રેસ તેની નકારાત્મક માનસીકતા અને રાષ્ટ્રવિરોધી નિવેદનોને કારણે પ્રજામાં સ્વિકૃતિ મેળવવામાં સતત નિષ્ફળ રહી છે. આગામી સમયમાં યોજાનાર સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓમાં ભાજપા ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.

X
મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇમુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી