સાયક્લોન / ગુજરાત પરથી ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું: રૂપાણી, CMએ સહકાર બદલ લોકોનો આભાર માન્યો

  • વાવાઝોડું ઉત્તર સૌરાષ્ટ્ર થઈ પસાર થવાની શક્યતાઓ
  • ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર-અમરેલીમાં 10 ઈંચથી વધુ વરસાદની આગાહી 

Divyabhaskar.com

Jun 13, 2019, 08:15 PM IST

અમદાવાદઃ ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત પરથી ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જોકે 24 કલાક સુધી તંત્ર એલર્ટ પર છે. તમામ અસરગ્રસ્ત જિલ્લામાં તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે સંકટ ઉભુ થાય એ માટે તંત્ર સજ્જ છે. આવતીકાલે પણ 10 જિલ્લાની શાળાઓ બંધ રહેશે. આ સાથે જ તેમણે લોકોનો સહકાર આપવા બદલ આભાર માન્યો છે.

‘જો ભારે વરસાદ થાય તો તેના માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી’
રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાને આજે મારી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને કેન્દ્ર તરફથી દરેક મદદની તૈયારી બતાવી હતી. તેમણે વાવાઝોડા અંગે વિગતો મેળવી છે. વાવાઝોડાના કારણે જે ગામોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે તે પૂર્વરત થઈ રહ્યા છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં જો ભારે વરસાદ થાય તો તેના માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વરસાદ ખેંચાવા અંગે તેમણે જણાવ્યું કે 31 જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણીની કોઇ તકલીફ નથી.


'વાયુ' વાવાઝોડાનો વ્યાપ 900 કિ.મી., ઝડપ પ્રતિ કલાક 140 કિ.મી., વેરાવળથી 100 કિ.મી.દૂર
રાજ્યમાં 'વાયુ' વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે. જેને લઈ મહેસૂલ સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે બપોર સુધીમાં આ વાવાઝોડું ઉત્તર સૌરાષ્ટ્ર થઈ પસાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે આ વાવાઝોડાનો વ્યાપ 900 કિ.મી.નો છે. જ્યારે વાવાઝોડાની સ્પીડ પ્રતિ કલાક 140 કિ.મી.ની યથાવત રહેશે. પરિણામે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 10 ઈંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી 100 કિલોમીટર દૂર છે અને દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 140 કિ.મી.ની ઝડપથી આગળ વધી રહ્યું છે.

આધુનિક ટેકનોલોજી સાથે તંત્ર સજ્જ
આ ઉપરાંત વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેનું સંકલન ખોરવાઈ ન જાય તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં સેટેલાઇટ ફોન, હેમ રેડિયો સર્વિસ, વી.સેટ, વાયરલેસ, અને લેન્ડલાઈન સિસ્ટમ કર્યાન્વિત કરી હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ સ્થળાંતર કરેલા નાગરિકો માટે 10 લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટથી અંદાજે એક લાખ ફૂડ પેકેટ ગીર સોમનાથ માટે મોકલી આપ્યા છે.

NDRFની 47 SDRFની 45, SRPની 13, અને આર્મીની 11 ટીમો તૈનાત
આ સિવાય આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે સરકારના વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બાદ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ગઈકાલથી 1316 પોલીસ સ્ટાફ અને NDRFના જવાનો દ્વારા દરિયાઈ પટ્ટી ઉપર સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કર્યું હતું અને આ કાર્યવાહી હજુ પણ યથાવત છે. બીજી તરફ પ્રભાવિત જિલ્લાઓ માટે NDRFની 47 SDRFની 45, SRPની 13, અને આર્મીની 11 ટીમો હાલ પેટ્રોલિંગ કરી રહી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી