સાયક્લોન / ગુજરાત પર ત્રાટકનારુ 'વાયુ' વાવાઝોડું પોતે જ હાલ ચકરાવે ચડ્યું

વાવાઝોડાંને પગલે દરિયામાં હાઈ ટાઈડ જોવા મળ્યા હતા
વાવાઝોડાંને પગલે દરિયામાં હાઈ ટાઈડ જોવા મળ્યા હતા

  • વણાકબારા પાસેથી 'વાયુ' વાવાઝોડું જમીનથી પ્રવેશવાનું હતું 
  • 12 જૂને વાવાઝોડાએ દિશા બદલીને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશવાનું હતું

Divyabhaskar.com

Jun 13, 2019, 10:49 AM IST

અમદાવાદઃ ગુજરાત પર ત્રાટકનારુ 'વાયુ' વાવાઝોડું પોતે જ હાલ ચકરાવે ચડ્યું છે અને ગુજરાતને કેટલી અસર કરશે તે અંગે સ્પષ્ટ થઈ શકતું નથી. સૌથી પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે, ગુજરાતના વણાકબારા પાસેથી 'વાયુ' વાવાઝોડું જમીનથી પ્રવેશ કરશે અને ત્યાંથી ધમરોળતું કચ્છ તરફ જશે. ત્યારબાદ ગઈકાલે સાંજે તેનો રૂટ ફંટાયો અને ફરી આગાહી કરાઈ હતી કે ઉનાથી પોરબંદર તરફ અને ત્યાંથી દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોને વાયુ વાવાઝોડું ધમરોળશે. પરંતુ ગઈકાલે રાત્રે ફરી પવનની ગતિ વધવાને કારણે વાયુ વાવાઝોડાનો રૂટ બદલાયો છે અને કહેવાય છે કે હવે તે કાંઠાના વિસ્તારોથી થોડાક અંતરે પસાર થઈને ઓમાન તરફ ફંટાઈ જશે. આમ, છેલ્લા 24 કલાકમાં ખુદ વાયુ વાવાઝોડું જ ચકરાવે ચડ્યું છે.

જમીન
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનને પગલે 11 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયાકાંઠે 110 કિમીની ઝડપે વાવાઝોડું જમીન પર(લેન્ડ ફોલ) ત્રાટકવાનું હતું. વાવાઝોડાના પગલે ગીર સોમનાથનાં 40 ગામોને એલર્ટ કરાયાં હતા. તેની સાથે સાથે સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળનાં 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના આપી હતી. તેમજ દરિયાકાંઠાના 40 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યાં હતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વાવાઝોડું ડાયવર્ટ થવા લાગ્યું હતું.

કાંઠાળ વિસ્તાર
ત્યાર બાદ 12મી જૂને વાવાઝોડાએ દિશા બદલીને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશી માત્ર ગીર સોમનાથ, દ્વારકા, જાફરાબાદ, ઘોઘા, વેરાવળ અને દીવ જેવા કાંઠાળ વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત થવા લાગી હતી. તેમજ રાજ્યના તમામ બંદર પર ભયજનક ગણાતું 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

હવે ઓમાન તરફ ફંટાશે
પરંતુ 13 જૂનની મધરાત્રે ગુજરાતમાં લેન્ડ ફોલ થનારુ સંભવિત 'વાયુ' વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ હોવાના અહેવાલો આવ્યા હતા. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું ડાયવર્ટ થયું હોવાછતાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે. આ દરમિયાન વાવાઝોડું પ્રતિ કલાક 135 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે ફુંકાશે.

X
વાવાઝોડાંને પગલે દરિયામાં હાઈ ટાઈડ જોવા મળ્યા હતાવાવાઝોડાંને પગલે દરિયામાં હાઈ ટાઈડ જોવા મળ્યા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી