અમદાવાદ / ભાજપના સભ્યના કોન્ટ્રાક્ટવાળી AMTSમાં પેસેન્જરો પાસેથી પૈસા લઈ ટિકિટ ન આપવાનું કૌભાંડ પકડાયું

  • કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા કંડક્ટરને છૂટો કરી દેવામાં આવ્યો
  • દાગા કંપનીને નોટિસ આપી 10 હજારનો દંડ ટકારવામાં આવ્યો
  • નરોડાથી ખાત્રજ જતી બસમાં પરોઢિયે 5.30 વાગ્યે ચેકિંગ
  • કંડક્ટરે 40 મુસાફરોને ટિકિટ નહોતી આપી

Divyabhaskar.com

Oct 12, 2019, 05:32 AM IST

અમદાવાદ: ભાજપના કોન્ટ્રાક્ટરો દ્વારા એએમટીએસમાં કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવતી બસોમાં પહેલી ટ્રીપમાં જ મુસાફરો પાસે ભાડાના પૈસા લઇને તેમને ટીકીટ નહી આપવાના કૌભાંડને મ્યુનિ.એ ઝડપી લીધું છે. અર્હમ ટ્રાન્સપોર્ટરની બસના કંડક્ટરે સવારે 5.30ની પહેલી બસમાં જ 40 મુસાફરો પાસેથી ભાડાના પૈસા લઇને તેમને ટિકિટઆપી ન હતી. નરોડાથી ખાત્રજ ચોકડી (અરવિંદ પોલીકોટ) જતી આ બસના કંડકટર સામે એએમટીએસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. બસના કોન્ટ્રાક્ટર આનંદ ડાગા સામે મોટી પેનલ્ટી કરવા માટે એએમટીએસ કમિટીને ભલામણ કરાઇ છે.

સવારે 5.30 વાગે નરોડા ટર્મિનસથી ખાત્રજ ચોકડી (અરવિંદ પોલીકોટ) તરફ જતી 66-3 નંબરની બસને સાયન્સ સીટી રોડ નજીક એએમટીએસની વિજીલન્સ ટીમના હરીશ મિશ્રા સહિતની ટીમે તેને અટકાવી હતી. તે સમયે બસમાં 40 મુસાફરો હતાં. આ મુસાફરો પાસેથી કોઇ ટીકીટ મળી ન હતી. કંડક્ટર અનિલખીમજીની પૂછપરછ કરી તેની સામે એએમટીએસે ફરિયાદ નોંધાવી છે. એએમટીએસમાં ખાનગી બસનો કોન્ટ્રાક્ટર ધરાવતા અર્હમ ટ્રાન્સપોર્ટના આનંદ ડાગાની આ બસ હતી. તેઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ કોન્ટ્રાક્ટર પાસેથી આ રૂટ માટે AMTS દૈનિક 4 હજાર વસૂલતી
કોન્ટ્રાક્ટર પર અપાતી બસોમાં તે રૂટની કોન્ટ્રાક્ટ આપતા સમયે એએમટીએસ બસની જે આવક હોય તે આવકને આધારે લઘુત્તમ આવક ગણીને મ્યુનિ. તેમની પાસેથી દૈનિક ચાર્જ લેતી હોય છે. આ 66-3 નંબરના રૂટ માટે દૈનિક રૂ. 4 હજાર જેટલો હિસ્સો કોર્પોરેશનનો હતો. જો તે કરતાં ઓછી રકમ આવે તો કોન્ટ્રાક્ટરને દંડ પણ કરવામાં આવતો. વર્ષે આ રકમમાં 5 ટકા જેટલો વધારો પણ કરવામાં આવતો હતો.

અગાઉ ડાગાને 25 લાખનો દંડ થયેલો છે
એએમટીએસમાં બસ કોન્ટ્રાક્ટ પર ચલાવનાર એજન્સીઓ પાસેથી અત્યાર સુધીમાં મ્યુનિ. 1.25 કરોડ જેટલો દંડ ફટકાર્યો છે. જેમાં માત્ર ડાગાની અર્હમ ટ્રાન્સપોર્ટને જ 25 લાખનો દંડ ફટકાર્યો છે.
10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો
AMTSના ચેરમેન અતુલ ભાવસારે Divyabhaskarને જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા કંડક્ટરને છૂટો કરી દેવામાં આવ્યો છે. દાગા કંપનીને આ મામલે નોટિસ આપી 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઝડપાયેલો કંડક્ટર હવે AMTSના કોન્ટ્રાક્ટની ત્રણ કંપનીમાંથી એકય કંપનીમાં નોકરી નહીં કરી શકે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી