અમદાવાદ / 50 હજાર ફી લેતી બ્રાઇટ સ્કૂલની પરમિટ વગરની 40 બસ જપ્ત

  • સ્કૂલે બસનો ટેક્સ, પેનલ્ટી સહિત 1 કરોડથી વધુ ચૂકવવાના બાકી
  • પરમિટ ન હોવાથી સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે
  • ડિટેઈન કરવામાં આવેલી 40 બસને RTOમાં ખડકી દેવાઈ
  • અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ સામે FRCમાં ફરિયાદ

Divyabhaskar.com

Jun 15, 2019, 01:23 AM IST

અમદાવાદ: વિદ્યાર્થીઓ પાસેથી 50 હજારથી વધુ ફી વસૂલતી ગાંધીનગર પાસેના કરાઈની બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલની 40 બસ આરટીઓમાં રજિસ્ટ્રેશન વગર રોડ દોડતી હતી. આરટીઓને બાતમી મળતા શુક્રવાર સવારે 42માંથી 40 બસ ડિટેઇન કરાઈ છે. વાલીઓ પાસેથી ટ્રાન્સપોર્ટ ફી પડાવી વગર પરમિટે બસો દોડાવાતા હવે સ્કૂલ સંચાલક સામે પણ કાર્યવાહી થશે. છેલ્લા એક વર્ષથી રજિસ્ટ્રેશન વગર દોડતી બસોના ટેક્સ, ડીએ અને પેનલ્ટીની એક કરોડથી વધુ રકમ બસ માલિક પાસેથી વસૂલાશે. હાલ તમામ બસો આરટીઓમાં ખડકી દેવાઇ છે.

બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ ખરીદેલી બસોનું છેલ્લા એક વર્ષથી આરટીઓમાં રજિસ્ટ્રેશન જ કરાવ્યું નહતું. વાહનવ્યવહાર કમિશનરે રાજ્યના વિવિધ આરટીઓને સ્કૂલવર્ધી વાહનો સામે તપાસ કરવા આદેશ આપ્યો હતો.

દરમિયાન સ્કૂલ વાહનોના પૂરતા કાગળો ન હોવા સહિત વધુ વિદ્યાર્થીઓ ભરવા બદલ છેલ્લા બે દિવસમાં 14 કેસ કર્યા છે. 3 પ્રાઇવેટ સર્વિસ વાહન મળી કુલ સાત કેસ કર્યા છે. જ્યારે 14મીએ 5 સ્કૂલ બસ અને એક પ્રાઇવેટ વાહન મળી કુલ સાત કેસ કર્યા છે. જેમાં એક વાહન ડિટેઇન કર્યું છે.

  • રજિસ્ટ્રેશન વગર દોડતાં સ્કૂલ વાહનો સામે તપાસનો આદેશ

બે દિવસમાં 157 કેસ, 2.50 લાખ દંડ
સુભાષબ્રિજ આરટીઓએ છેલ્લા બે દિવસમાં 157 કેસ કર્યા છે. 13 જૂને વધુ વિદ્યાર્થી ભરવાના આઠ મળી કુલ 34 કેસ કરાયા હતા.આમાં 6 સ્કૂલવાન, 20 રિક્ષા અને 8 ખાનગી વાહનનો સમાવેશ થાય છે. 14મીએ સ્કૂલ બસના 87 કેસ કરી 1,84,489, પ્રાઇવેટ સ્કૂલ વાહનના 25 કેસ કરી 25,400, વધુ પેસેન્જરના 3 કેસ કરી 800 ઓટો રિક્ષાના 8 કેસ કરી 7400ની વસૂલાત કરી છે. કુલ 50 વાહનો ડિટેઇન કર્યા છે.

વાહન પર સ્કૂલ બસનું બોર્ડ જરૂરી
સ્કૂલવર્ધી વાહનના ફીટનેસ, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન ટ્રાન્સપોર્ટની નોંધણી છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઇએ. વાહનમાં કેપેસિટી કરતા વધુ વિદ્યાર્થી હોય તો ચાલક વિરુદ્ધ ફરિયાદ કરવી જોઇએ. વાહન પર સ્કૂલ બસ લેખલું છે કે નહીં તેની ખાતરી કરવી. - એસ.પી.મુનિયા, આરટીઓ, સુભાષબ્રિજ

ઇતરપ્રવૃત્તિના નામે વધુ ફી લેતી AISને નોટિસ
ઇતરપ્રવૃત્તિની ફી અંગે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના 88 વાલીએ એફઆરસીમાં સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેને પગલે એફઆરસીએ સ્કૂલને 19 જૂને ઇતરપ્રવૃત્તિની સ્પષ્ટતા સાથે કમિટી સામે હાજર થવાનો આદેશ કર્યો છે. સ્કૂલ સંચાલકો ઇતરપ્રવૃત્તિના નામે ઉઘરાવાતી ફી અંગેની માહિતી સાથે એફઆરસીમાં હાજર રહેશે.

વાલીઓનો આક્ષેપ હતો કે, સ્કૂલ સંચાલકો વાલીસઓ પાસેથી ઇતરપ્રવૃત્તિની અલગ ફી ઉઘરાવે છે. સ્કૂલ સંચાલકો વાલીઓની ફરિયાદ પર કોઇ ધ્યાન આપતા નથી. સ્કૂલે ગયા વર્ષની સરખામણીએ 5 ટકાથી વધારે ફી ઉઘરાવે છે. એફઆરસીએ સ્કૂલને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે, વાલીઓની ફરિયાદને પગલે સ્કૂલ જરૂરી ખુલાસો કરે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી