અમદાવાદ / કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ તૂટતા 2નાં મોત, 29 ઘાયલ, 6 દિવસ પહેલાં ખામી સર્જાઈ હતી, ઘટનાનો લાઇવ વીડિયો

  • સ્ટાન્ડર્ડ કંપનીના બદલે એસેમ્બલ્ડ રાઈડને મંજૂરી
  • રાઈડ એસેમ્બલ્ડ હોવાથી વીમો પણ મળ્યો નહતો
  • મેઈન્ટેનન્સ માટે  ઘરનાભૂવા અને ઘરનાડાકલાં જેવો ઘાટ હતો

Divyabhaskar.com

Jul 15, 2019, 11:25 AM IST

અમદાવાદઃ રવિવારે કાંકરિયામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ અચાનક તૂટી પડતાં બે વ્યક્તિના મોત થયા છે જ્યારે 29ને ઇજા થઈ છે. આ ડિસ્કવરી રાઇડનું 6 દિવસ પહેલાં જ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, રાઇડના નટ બોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ અપાયો હતો, પણ તેમ છતાં બેદરકારી રાખવામાં આવતા રાઇડ તૂટી પડી હતી. 30 ફૂટ ઊંચેથી રાઇડ નીચે પટકાઈ હતી. રવિવારે ગૌરી વ્રતનો પહેલો દિવસ અને ગોરોનો ત્રીજો દિવસ હોવાથી કાંકરિયામાં મોટી સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે ફરવા આવ્યા હતા. સાંજે 5.30 વાગ્યે એડવેન્ચર એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઇડ (ઝૂલા રાઇડ) એકાએક 30 ફૂટની ઊંચાઈએથી તૂટીને ધડાકા સાથે નીચે પડી હતી, જેમાં રાઈડમાં બેઠેલી 31 વ્યક્તિ પૈકી મનાલી રાજવાડી અને મોહંમદ જાવેદ મોમીનના સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 29 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ક્ષણભર પહેલા જ રાઇડમાં બેસીને ખુશી આનંદની ચિચિયારીઓ પાડી રહેલા લોકોની ચિચિયારીઓ એકાએક હૃદયદ્રાવક રૂદનમાં ફેરવાઈ જતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ચાર લોકોની ધરપકડ કરવામાં આવી
કાંકરિયા ગેટ નંબર-5ના એડવેન્ચર પાર્કમાં આવેલી ડિસ્કવરી રાઇડમાં સાંજે 5.30 વાગ્યે 31 લોકો બેઠા હતા. રાઇડ શરૂ થઈ અને ઝૂલી રહી હતી ત્યારે એમએસની પાઇપ અને દોરડું તૂટી જતા રાઇડ ધડાકા સાથે નીચે પડી હતી, જેથી રાઈડમાં બેઠેલા પૈકી મનાલી રજવાડી અને મોહંમદ જાવેદ મોમીનના સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં કાંકરિયામાં હાજર તમામ લોકો, સ્થાનિક રહીશો, ફાયર બ્રિગેડની ટીમ, પોલીસની ટીમો, 108ની ટીમો દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે ઈજાગ્રસ્ત પૈકી 15 ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું હોસ્પિટલ સત્તાવાળાએ જણાવ્યું હતું. રાઈડમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાઇડ તૂટી પડી હોવાનું એફએસએલ તેમજ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું. આ દુર્ઘટનાના કારણે કાંકરિયા, બાલવાટિકા અને એડવેન્ચર પાર્કની તમામ રાઇડ બંધ કરી દેવાઈ હતી. જ્યારે રાઇડના માલિક પિતા-પુત્ર -રાઇડચાલક સહિત 4 વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. દરમિયાનમાં મણિનગર પોલીસે સંચાલકો સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે.

મારી સામે મેં બે લોકોને મરતા જોયા, મને પણ કરોડરજ્જુમાં વાગ્યું છે, એક્સ રે કઢાવ્યો છે
હું મારા ભાઇ - ભાભી અને તેમના બાળકો સાથે બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાંકરિયા પહોંચ્યા હતા. કાંકરિયાનાં આકર્ષણ સમાન ડિસ્કવરી રાઇડમાં બેસવા માટે અમે 3.30 વાગ્યાની આસપાસ લાઇનમાં ઊભા રહ્યા. લોકોની સંખ્યા વધારે હોવાથી અમારે એક કલાક જેટલા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. 4.30 વાગ્યાની આસપાસ અમારો રાઇડમાં બેસવા માટેનો વારો આવ્યો. અમે રાઇડમાં બેઠાને થોડો સમય થતાં જ અચાનક રાઇડ તૂટી પડી. મારી સાથે મારા મોટાભાઇ અને તેમના બાળકો પણ હતા. રાઇડ તૂટતા લોકોની ચીસાચીસો વચ્ચે અચનાક માહોલ બદલાઇ ગયો. લોકો રડી રહ્યાં હતા, બે લોકો તો સ્થળ પર જ મૃત્ય પામ્યા હતા. મને પણ કરોડરજ્જુમાં નુકસાન થયું છે. એક્સ રે કરાવ્યો છે, ત્યારબાદ ખબર પડશે કે મને શું થયું છે.

રાઇડના માલિક, પિતા-પુત્ર અને સંચાલક સહિત 4ની ધરપકડ
દુર્ઘટના બાદ મોડી સાંજે ઘનશ્યામ કાનજીભાઈ પટેલ, તેમના પુત્ર ભાવેશ, રાઇડના ચાલક કિશન મોહંતી અને સંચાલક તુષારની પોલીસે ધરપકડ કરી છે. આ દુર્ઘટના થઈ ત્યારે આ ચારેય સ્થળ પર જ હાજર હતા. એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલક ઘનશ્યામ પટેલ 1994-95થી એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ સિવાય તેમની પાસે જલધારા અને વસ્ત્રાપુર લેકની રાઇડનો પણ કોન્ટ્રાક્ટ છે. 2015માં તે આ ડિસ્કવરી રાઇડ લાવ્યા હતા. આ રાઈડ સેકન્ડ હેન્ડ ખરીદાઈ હોવાની પણ શક્યતા છે.

90થી 100 ટન વજનની આ રાઈડ એસેમ્બલ હતી, જર્મન પાર્ટ્સ હતા
ઝૂલા રાઈડનું વજન 90 થી 100 ટન છે. આ રાઈડ એસેમ્બલ છે, પરંતુ તેના સ્પેર પાર્ટ્સ જર્મનીથી મંગાવવાયા હતા ઝૂલા રાઇડ ઝૂલતી ઝૂલતી 60 ફૂટ ઊંચી જાય છે અને તે જ રીતે નીચે આવે છે, પરંતુ રવિવારે રાઇડમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાઇડ 30 ફૂટ ઊંચેથી તૂટીને પટકાઈ હતી. દર સોમવારે દરેક રાઈડનું ઇન્સ્પેક્શન કરીને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. છ દિવસ પહેલાં આ રાઈડને ખામી છતાં ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું હતું.

મૃતકોની યાદી
મનાલી વી. રજવાડી (ઉં.વ. 24), રહે. સીટીએમ હીરાબાગ
મોહમ્મદ ઝાયેદ (ઉં.વ. 22) રહે. ક્લીફટન ટાવર, દાણીલીમડા

ઇજાગ્રસ્તાની યાદી તૈયબ બાનું (ઉ.વ. 18)
- રાકેશ (ઉ.વ. 26)
- અંકિત મકવાણા (ઉ.વ. 26)
- વિશાલ (ઉ.વ. 23)
- હરીશબાનુ પાટીલ (ઉ.વ. 29)
- ટ્વિંકલ (ઉ.વ. 25)
- ડેન્ઝીલા (ઉ.વ. 17)
- ટ્વિંકલ બસોદિયા (ઉ.વ. 22)
- સાગર (ઉ.વ. 27)
- સોહેલ (ઉ.વ. 27)
- બિજલ (ઉ.વ. 23)
- જાગૃતિ (ઉ.વ. 23)
- અશ્વિન (ઉ.વ. 23)
- શાહી શીફા (ઉ.વ. 17)
- નસરાબાનું (ઉ.વ. 16)
- લલિતા સોનુ (ઉ.વ. 24)
- રૂપાંગી સોમાણી (ઉ.વ. 20)
- ફલકનાઝ (ઉ.વ. 16)
- હરીશ (ઉ.વ. 29)
- તીર્થ (ઉ.વ. 15)
- યુસુફ યાકુબઅલી (ઉ.વ. 24)
- હીના પંચાલ (ઉ.વ. 21)
- સંદીપ લાંબા (ઉ.વ. 25)
- લક્ષ્મી સંદીપ (ઉ.વ. 22)
- મુજમ્મીલ વાજીબ (ઉ.વ. 24)
- રૂદ્ર (બાળક)
- કવિતા (ઉ.વ. 24)
- આસીફખાન (ઉ.વ. 22)
- સૌમિલ (ઉ.વ. 27)

ક્રિમિનલ નેગ્લીજન્સી હે઼ઠળ કાર્યવાહી કરો
મેયર બિજલબેન પટેલે જણાવ્યું હતું કે, ઘટનાં અંગે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ આ ઘટના પર વિરોધ પક્ષે રાજકારણ ન કરવું જોઇએ.
કોંગ્રેસનાં નેતા બદરુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાઇડ સંચાલકો વિરુદ્ધ ક્રિમિનલ નેગ્લીજન્સી હે઼ઠળ કેસ દાખલ કરી કાર્યવાહી કરવી જોઇએ. પીડિતોને 10 લાખનું વળતર આપવું જોઇએ.

રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ
રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા પણ થયા હતા. ઘટનાનાં પગલે કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

એફએસએલને ઘટનાં સ્થળે બોલાવાઇ
વિજય નહેરાએ જણાવ્યુ હતું કે, પોલીસે સંચાલકો સામે એફઆઇઆર દાખલ કરવાની કાર્યવાહી કરી છે. એફએસએલને પણ ઘટનાં સ્થળે બોલાવાઇ છે. આ દુર્ઘટનામાં રાઇડનો બેઝ પણ બેસી ગયો હતો.
ફાયર બ્રિગેડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ રાઇડ 65 ફૂટ ઉંચી હતી. જે બંને તરફ 30-30 ફૂટ ઝૂલતી હતી. આ રાઇડનો વચ્ચે જોઇન્ટનો ભાગ તૂટી ગયો છે.

રીવરફ્રન્ટ મેળામાં રાઈડ 50 ફૂટ ઊંચે અટકી હતી

તાજેતરમાં અમદાવાદ રીવરફ્રન્ટ મેળામાં રાઈડ 50 ફૂટ ઊંચે અટકી પડી અને ઉપર અટકી ગયેલી આ રાઈડમાં બાળકો સહિત 28 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી