અમદાવાદ / 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિ.ના 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડ્યું, ઘૂંટણસમા પાણી ભરાયા, ઓપરેશનો અટવાયા

એસવીપી હોસ્પિટલની તસવીર
એસવીપી હોસ્પિટલની તસવીર

  • મેયર કહે છે તપાસનો આદેશ આપ્યો છે પરંતુ કોઈ લેખિત હુકમ નથી કે તપાસ પણ શરૂ થઈ નથી

Divyabhaskar.com

Aug 17, 2019, 02:07 AM IST

અમદાવાદ: 750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ પછી 18મા માળેથી પાણી પહેલા માળે આવેલા 4 ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં આવી ગયું હતું અને ઓપરેશન થિયેટર બંધ રાખવા પડ્યા હતા. દર્દીને અન્ય ઓપરેશન થિયેટરમાં ખસેડાયા હતા. અગાઉ 16મા માળે પણ રેસિડેન્ટ ડોક્ટરોના રૂમમાં પાણી ઘૂસ્યા હતા. મ્યુનિ.એ આ બેદરકારી માટે જવાબદારોને શોધવા માટે કોઇ તપાસ સોંપી કે કેમ? તે બાબતે મોટો વિવાદ ઊભો થયો છે. મેયર બિજલબેન કહે છે કે, તેમણે આ અંગે સબંધિત એન્જિનિયર તેમજ ડીવાયએમસીને તપાસ સોંપી છે. સૂત્રો કહે છે કે, આવા તપાસના કોઇ લેખિત હુકમો થયા નથી સાથે તપાસ પણ શરૂ થઇ નથી. અધિકારીઓનું કહેવું છે કે, 18મા માળે સ્ટોર્મ વોટર લાઈનની વચ્ચેનો બેન્ડ તૂટી જતાં ઓપરેશન થિયેટર સુધી પાણી પહોંચ્યું હતું. દીવાલ તોડીને રિપેરિંગ કરાયું છે અને શનિવારથી ઓપરેશન થિયેટર ચાલુ થશે. જોકે મ્યુનિ.એ હજુ સુધી કોન્ટ્રાક્ટરનો ખુલાસો લીધો નથી.

સર્જરી અન્ય 12 ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવી પડી
એક સપ્તાહ રિપેરિંગ બાદ 4 ઓપરેશન થિયેટર કાર્યરત થઇ જશે. એસવીપીમાં કુલ 32 ઓટી છે. દરેક માળે 4 ઓટી છે, અત્યારે 16 ઓટી ચાલુ છે. જેથી 4 ઓટી બંધ થતાં ઓપરેશનની કામગીરી અન્ય 12 ઓટીમાં શિફ્ટ કરાઈ હતી. માત્ર એક ઓટીમાં જ્યાં રોજના 5 કે 6 ઓપરેશન થતાં હતા ત્યાં આ સપ્તાહમાં 8 કે 9 ઓપરેશન કરવા પડ્યા હતા.

રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરીશું
અમદાવાદના મેયર બિજલબેન પટેલના જણાવ્યા અનુસાર પાણી ભરાયા તે દિવસે જ અમે એસવીપીની વિઝીટ લીઈ ઇજનેર, ડીવાયએમસી, ચેરમેનને ક્ષતિ બાબતે તપાસ કરી તેનો અહેવાલ મને આપવા કહ્યું છે. અહેવાલ બાદ અમે તે જાહેર કરીશું.

ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના જણાવ્યા અનુસાર એસવીપીના ઉદધાટનના 7 મહિનામાં જ તેની ક્ષતિ સામે આવી છે. આ હોસ્પિટલમાં બાંધકામ કરનાર કંપની સામે તપાસ માટે સમિતિ બનાવી ભ્રષ્ટાચાર થયો હોય તો તે બાબતે પણ તપાસ થાય.

11 ઓગસ્ટે 15માં ફ્લોર પર પાણી ભરાયું
હોસ્પિટલના 15માં માળે ફ્લોર પર પાણી ભરતાં દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરતા જણાવાયું હતું કે, માત્ર બારીઓમાંથી પાણી આવ્યું હતું. બીજી તરફ ધાબામાંથી કન્સ્ટ્રક્શન કામની ખામીને કારણે વરસાદી પાણી 15માં માળે ફરી વળતા વહેતા થયેલા વીડિયો બાદ તંત્રએ તબીબોને પણ ધમકાવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.

2 ઓગસ્ટે પીઓપીની છત નીચે પડવાની ઘટના બની હતી
2 ઓગસ્ટના રોજ એસવીપી હોસ્પિટલની બીજા માળે પીઓપીની છત નીચે પડવાની ઘટના બની હતી. તે સમયે પણ કન્સ્ટ્રક્શનમાં રહેલી ક્ષતિઓ બહાર આવી હતી. આ અંગે એસવીપી હોસ્પિટલના સીઈઓ રમ્યકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે પવન હોવાથી બારીઓ ખુલ્લી રહેતા વરસાદી પાણી અંદર આવ્યું હતું. જોકે હવે આવી ઘટના ન બને તે માટે અમે તકેદારી રાખીશું.

X
એસવીપી હોસ્પિટલની તસવીરએસવીપી હોસ્પિટલની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી