અમદાવાદ / જાગૃત નાગરિકના કારણે દોઢ વર્ષની બાળકી અપહરણકર્તાના ચુંગાલમાંથી છૂટી, પોલીસે સહીસલામત પરિવારને સોંપી

A 2 year old girl released from kidnapping Trap because of citizens awareness

  • જાગૃત યુવકે ચિલોડા ચાર રસ્તા પર યુવક પાસે બાળકીને રડતા જોઈ શંકા ગઈ હતી
  • અપહરણકર્તાએ ગોળ ગોળ જવાબ આપતા જ નરોડા પોલીસને બોલાવી હતી
  • સાબરમતી પોલીસે ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હોવાથી તે જ બાળકી હોવાનું બહાર આવ્યું

Divyabhaskar.com

Nov 10, 2019, 08:59 PM IST

અનિરુદ્ધસિંહ મકવાણા, અમદાવાદ: શહેરના એક જાગૃત નાગરિકની મદદથી આજે એક દોઢ વર્ષની બાળકીનો અપહરણકર્તાના ચુંગાલમાંથી છુટકારો થયો છે. અપહરણકર્તા બાળકીને લઈ દહેગામ ટોલનાકા પાસે ઉભો હતો ત્યારે બાળકી રડી રહી હતી. જાગૃત યુવકે બાળકી રડી કેમ રહી છે તેમ પૂછતાં અપહરણકર્તા ગોળગોળ જવાબ આપવા લાગ્યો હતો જેથી તાત્કાલિક પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ન્યુ રાણીપમાંથી એક દોઢ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની માહિતી હતી જેથી સાબરમતી પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસની ટીમે તાત્કાલિક આરોપી અને બાળકીનો કબજો લઈ બાળકીને માતા-પિતાને પરત સોંપી દીધી હતી.

પોલીસે બાળકની ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યા હતા
ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકીનું આજે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હોવાની જાણ સાબરમતી પોલીસને થઈ હતી જેથી સાબરમતી પોલીસ તાત્કાલિક કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના ફૂટેજની તપાસ અને બાળકીના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. પોલીસ બાળકીની તપાસ કરી રહી હતી.

પોલીસે અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરી
આ દરમિયાન દહેગામ ટોલનાકા પાસે એક યુવક નાની બાળકીને લઈ ઉભો હતો. બાળકી રડી રહી હતી. રણાસણ ફાટક પાસે રહેતો નરેશ પટેલ નામનો યુવક ત્યાં ઉભો હતો અને તેને બાળકીને રડતા જોઈ હતી. નરેશને શંકાસ્પદ લાગતા યુવક પાસે જઈ બાળકીના રડવાનું કારણ પૂછ્યું હતું. નરેશે પૂછતાં યુવકે મારી બાળકી છે એમ કહ્યું હતું. અને કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા નરેશને અપહરણની શંકા મજબૂત બની હતી. જેથી તેને પોલીસને જાણ કરી હતી. નરોડા પોલીસની પીસીઆર વાન તરત ચિલોડા પહોંચી હતી. પોલીસ પાસે બાળકીનો ફોટો હતો જે જોતા સાબરમતીમાંથી અપહરણ બાળકી જ હોવાનું ધ્યાને આવતા અપહરણકર્તાને બાળકી સાથે નરોડા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા અને સાબરમતી પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેઓએ પોલીસ આરોપી અને બાળકીનો કબજો લઈ લીધો હતો. પોલીસે અપહરણ કરનાર આરોપી સંજય પરમાર (મૂળ. રહે. કપડવંજ)ની ધરપકડ કરી હતી.

હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે: પોલીસ
સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એચ. વાળાએ divyavbhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકીના અપહરણનો મેસેજ મળતા જ તેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. આરોપી સંજય મૂળ કપડવંજનો રહેવાસી છે. ગોતામાં નોકરી કરે છે. આરોપીએ કયા કારણસર અપહરણ કર્યું એ હજી સ્પષ્ટ નથી થયું તેની પૂછપરછ ચાલી રહી છે. બાળકીને સાબરમતી પોલીસે સહીસલામત તેના માતા પિતાને પરત સોંપી છે.

X
A 2 year old girl released from kidnapping Trap because of citizens awareness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી