અમદાવાદ / વીમા પોલિસીનું પૂરું વળતર આપવાનું કહી નેનો ફોનથી 5.44 કરોડની છેતરપિંડી કરનાર 19 લોકોની દિલ્હીથી ધરપકડ

19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

  • ક્રાઇમબ્રાન્ચે કોલ સેન્ટર પર દરોડો પાડી 8 યુવતી સહિત 19 લોકોની ધરપકડ કરી
  • સિનિયર સિટીઝનોને જ ટાર્ગેટ કરતા, પકડાય નહીં એટલે વોઇસ ચેન્જર ફોન વાપરતા

Divyabhaskar.com

Oct 13, 2019, 12:03 AM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરના સિનિયર સિટીઝને લીધેલી વીમા પોલિસીને પાકતી મુદ્ત પહેલા રકમ પરત અપાવી દેવાના બહાને કોલ સેન્ટર ચલાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગને સાઈબર ક્રાઈમની ટીમે દિલ્હીથી ઝડપી પાડી હતી. પોલીસે આ કોલ સેન્ટરમાં કામ કરતી 8 યુવતી સહિત 19 લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેન્ગે જુદા જુદા રાજ્યોમાંથી પણ લોકોને પોતાનો શિકાર બનાવી અત્યાર સુધી કુલ 5.44 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

પૈસા નહોતા ભરી શકતા હોવાથી એજન્ટને વાત કરી
આ અંગે નાયબ પોલીસ કમિશનર ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા સીનિયર સિટીઝન નિલેશ ભટ્ટ 2016માં નિવૃત્ત થયા હતા. તેમણે અલગ અલગ વીમા કંપનીની કુલ 11 પોલિસીઓ તથા તેમની પત્ની તથા પુત્રીના નામે રૂ.6.78 લાખની પાંચથી બાર વર્ષની સુધીની પ્રીમિયમ પ્લાનથી પોલિસી લીધી હતી. હવે પૈસા ન ભરી શકતા હોવાથી તેમણે વીમા એજન્ટને વાત કરી હતી.

ચાર્જિસ પેટે અલગ અલગ બેન્કમાં પૈસા ભરાવ્યાં
દરમિયાન જાન્યુ.માં એક અજાણ્યા નંબર પરથી તેમની પર નિહારિકા નામની છોકરીએ ફોન કરી કહ્યું હતું કે, તે ઈરડામાંથી બોલે છે અને તેઓ જે પોલિસીઓ બંધ કરવા માગે છે તે પોલિસીનું કામ એજન્ટ પાસે કરાવશો તો તમને 30થી 40 ટકા રકમ જ પાછી મળશે. જો તમારે પોલિસીની પૂરેપૂરી રકમ લેવી હોય તો અમે ઈરડા દ્વારા પોલિસીની પૂરી રકમ પાછી અપાવી દઈશું. ત્યારબાદ યુવતીએ ઈન્કમટેક્સના તથા બોન્ડના અને અન્ય ચાર્જિસ પેટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 36.59 લાખ ભરાવડાવ્યા અને રકમ પાછી નહીં આપી છેતરપિંડી કરી હતી.
કોલર લોકોને પોતાનું ખોટું નામ જણાવતા અને જો ભોગ બનનાર કોલ રેકોર્ડિંગ કરે તો પોતાનો અવાજ ઓળખી ન શકે તે માટે ઈન્બિલ્ટ વોઈસ ચેન્જરવાળા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા.

ડેસ્ટિની ઈન્ફોપીડિયા લિ.ના નામથી કોલ કરતા
આરોપીઓએ કોલ સેન્ટર ચલાવવા માટે ડેસ્ટિની ઈન્ફોપીડિયા પ્રા.લિ.નામથી કંપની રજિસ્ટર્ડ કરાવી હતી. જેના ઓથા હેઠળ ઈન્સ્યોરન્સ પોલિસી હોલ્ડરને કોલ કરવા માટે ટીમો બનાવી હતી. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુનિલકુમાર ગુપ્તા, વિકાસ કુમાર તથા ભાવના વર્મા ટીમ લીડર મારફતે કોલરને વીમા ધારકોનો ડેટા પૂરો પાડતા હતા. જેના થકી કોલ સેન્ટરમાંથી ફોન કરી લોકો સાથે છેતરપિંડી કરતા હતા.

X
19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી