વાવાઝોડું / તાલાલા-સૂત્રપાડામાં ધોધમાર 10 ઇંચ, હીરણ નદીમાં ઘોડાપૂર, એકનું મોત

10 inches in the Talaala-Sutrapada, a horse in the Hiran river, one dead

Divyabhaskar.com

Jun 15, 2019, 02:09 AM IST

રાજકોટ : વાયુ વાવાઝોડું ભલે ફંટાઇ ગયું પરંતુ સૌરાષ્ટ્રની આકરી ગરમીમાં કામચલાઉ રાહત તો ચોકકસ આપી ગયું છે. જૂનાગઢના તાલાલા અને સૂત્રપાડામાં તો 10 ઇંચ સુધી પાણી વરસી પડ્યું હતું અને હીરણ નદીમાં ઘોડાપૂર ઉમટ્યા હતા.

જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડધાથી પોણો ઇંચ પાણી વરસી ગયું હતું. ઉપરાંત રાજકોટના ધોરાજીમાં બે અને અને જામકંડોરણામાં પણ એક ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત ભાવનગરમાં પણ બે દિવસમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

મહુવામાં બે દિવસમાં બે ઇંચ પાણી પડ્યાના અહેવાલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના શહેરોએ માત્ર ઝાપટાંથી સંતોષ માનવો પડ્યો હતો અને કચ્છ કોરુંધાકોડ રહ્યું હતું. જૂનાગઢ તાલુકાનાં નાંદરખી રોડ પર ઝાંઝરડા ગામ નજીક એક ઝાડ ટ્રેકટર પર પડ્યું હતું.

જેને લીધે ટ્રેકટર ચલાવતા ઉમટવાડાનાં જયદીપ ભીમશીભાઇ આહીર (ઉ. 28) નામનાં યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત વિસાવદરના છેલણકા ગામમાં મકાનનું છાપરું પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત બની હતી.

ચારેય જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ ગિર-સોમનાથ જિલ્લામાં સૂત્રપાડામાં10.16 ઇંચ ખાબક્યો હતો. તો ગિર પંથકનાં તાલાલા તાલુકામાં પણ 9.36 ઇંચ જ્યારે વેરાવળમાં 6.32 ઇંચ પાણી પડ્યું હતું.

ગિરમાં પડેલા અનરાધાર વરસાદને પગલે હિરણ નદીમાં પુર આવતાં નદી બે કાંઠે વહેવા લાગી હતી. તો અમરેલી અને પોરબંદર જિલ્લાઓમાં પણ અડધાથી લઇને બે ઇંચ વરસાદ પડ્યો હતો.

ધોરાજીમાં બે ઈંચ વરસાદ વરસી પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. જ્યારે જામકંડોરણા વિસ્તારમાં પણ એક ઈચ વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત મોરબી, વાંકાનેર, જસદણ અને આટકોટમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. જામનગર અને દ્વારકા જિલ્લામાં મોડી રાત્રીના અને શુક્રવારે મેઘાડંબર વચ્ચે જિલ્લામાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં જામજોઘપુર,ધ્રોલમાં પોણો ઇંચ, જામનગર, કાલાવડ,જોડીયામાં ઝાપટા પડયા હતાં. જયારે દ્વારકા જિલ્લામાં છૂટોછવાયા ઝાપટા નોંધાયા હતા.

વાયુની અસર ટળ્યા બાદ ભાવનગર પર વરસાદી મહેર થઇ છે અને છેલ્લા બે દિવસમાં શહેરમાં 72 મીમી એટલે કે ત્રણ ઇંચ જેટલું પાણી વરસી ગયું છે. શહેરમાં વહેલી સવારથી બપોર સુધીમાં 44 મીમી પાણી પડ્યું હતું. ઉપરાંત જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા, વલ્લભીપુર અને સિહોરમાં પણ હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાયાના અહેવાલ છે. મહુવામાં પણ બે દિવસમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું.

ઉ.ગુ.માં 17-18 જૂને વરસાદની આગાહી
વાયુ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર -પશ્ચિમ દિશામાં આગળ વધતાં ગુજરાતથી દૂર જઇ રહ્યું છે. વાવાઝોડુ દૂર થતાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે. રવિવાર સુધીમાં સિસ્ટમ સક્રિય થઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. જેને લઇ 17 અને 18 જૂને ઉત્તર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે.

જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં છૂટાછવાયાં ઝાપટાંની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયાં વાદળોની હાજરી જોવા મળશે. ત્યાર બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે.

X
10 inches in the Talaala-Sutrapada, a horse in the Hiran river, one dead

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી