ગુજરાત / ખેતીની જમીન પર બોજો હશે તો પણ બિનખેતીની મંજૂરી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સરકારે ઓનલાઇન NAના નિયમો સરળ કર્યા 
  • બેન્ક કે સહકારી મંડળનીનું લેણું બાકી હશે તો NAની મંજૂરી અપાશે, સંસ્થાને જાણ કરાશે
  • NAના ઇન્ટિમેશન લેટરની સાથે પ્રોવિઝનલ મંજૂરી ઇ-મેલથી અપાશે

Divyabhaskar.com

Nov 08, 2019, 12:58 AM IST
ગાંધીનગર: રાજ્યમાં ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરતી વખતે તે જમીનમાં કોઇપણ સંસ્થાનું લેણું બાકી હોય એટલે કે જમીન ઉપર બોજો હોય તો તે ચૂકતે કર્યા વિના બિનખેતીની મંજૂરી અપાતી ન હતી. હવે ઓનલાઇન એનએની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે સરકારે બોજો હોય તેવી ખેતીની જમીન પણ બિનખેતી કરવાનો નિર્ણય લીધો છે. જો કે, સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે સરકારનું લેણું બાકી હશે તેવી જમીન લેણું ચૂકતે કર્યા વિના બિનખેતી થઇ શકશે નહીં. માત્ર બેન્કો કે સહકારી મંડળીઓના લેણાનો બોજો હોય તેવી જમીનોને જ આ નિયમ લાગુ પડશે.
બિનખેતીના હુકમમાં પણ બોજાની નોંધ થશે
મહેસૂલમંત્રી કૌશિક પટેલે કહ્યું કે આવી પરવાનગીથી મિલકતનું હસ્તાંતરણ થતું નહીં હોઇ અને માત્ર ઉપયોગનો હેતુ કે સત્તાનો પ્રકાર જ બદલાતો હોવાથી તેમજ કોઇ નિયમોનો ભંગ થતો નહીં હોવાથી બેન્ક કે મંડળીનો બાકી બોજો હોય તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા કિસ્સામાં બિનખેતીના હુકમમાં પણ બોજાની નોંધ થશે. ઉપરાંત તે બેન્ક કે મંડળીને પણ જાણ કરાશે. બોજા સાથે બિનખેતી થયેલી જમીનનું વેચાણ કે તબદીલી નોંધ ન થાય તે માટે બોજાની નોંધ હક્કપત્રક અને પ્રોપર્ટીકાર્ડમાં પણ થશે.
નાણા ભરવાના ઇ-મેલની સાથે જ પ્રોવિઝનલ બિનખેતીનો હુકમ પણ મોકલાશે
અન્ય એક સુધારા મુજબ હવે ઓનલાઇન બિનખેતીની અરજીનો સૈદ્ધાંતિક સ્વીકાર થયા બાદ નાણા ભરવાની જાણ ઇ-મેલથી કરવામાં આવે છે. જેનું પેમેન્ટ થયા બાદ ટ્રેઝરી કચેરીમાંથી ખરાઇનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતીનો હુકમ અપાય છે. તેના બદલે નાણા ભરવાના ઇ-મેલની સાથે જ પ્રોવિઝનલ બિનખેતીનો હુકમ પણ મોકલાશે.
જિલ્લા કલેક્ટર ખેડૂતની ઓનલાઇન ખરાઇ કરી શકશે
ખેતીની જમીન ખરીદવાના કિસ્સામાં ખરીદનાર ખેડૂત છે કે નહીં તેની ખરાઇ કલેક્ટરે કરવાની હોય છે. ઘણી વખત અરજદાર અન્ય જિલ્લાનો ખેડૂત પણ હોય છે. જેથી ત્યાંથી વિગત મંગાવવામાં વિલંબ થાય છે તે નિવારવા માટે સરકારે અરજીની સાથે જ વેબ પોર્ટલ ઉપર અરજદારે ધારણ કરેલી જમીનની વિગતો દાખલ કરવાની વ્યવસ્થા ગોઠવી છે. જેથી વેબ પોર્ટલ પરથી જ કલેક્ટર ખેડૂત તરીકેની વિગતોની ખરાઇ કરી શકશે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી