તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં ફોન પર ઈનામ કે વેરિફિકેશનના નામે થતી મોટાભાગની લાલચનું એપી સેન્ટર એટલે 'જામતારા'

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઝારખંડના નાનકડા અંતરિયાળ શહેરના લવરમૂછિયાઓ દેશ આખામાં સાઈબર છેતરપિંડીનું સૌથી મોટું રેકેટ ચલાવે છે
 • પોલીસ પણ જામતારા જતા પહેલાં બે વાર વિચારે છે, સાઈબર એક્સપર્ટ ન હોવા છતાં છોકરડાઓ ઠગાઈ કરે છે

ચેતન પુરોહિત, અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ એક અઠવાડીયામાં રાજ્યમાં 60થી વધુ સાઈબર ક્રાઈમની ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો મુજબ, કોઈ વ્યક્તિ સાથએ પેટીએમમાંથી બોલું છું તેમ કહી, તો કોઈ સાથે ફેસબુક પર ફોટા જોઈ વસ્તુ ખરીદવાની લાલચ આપવાનું કહી છેતરપિંડી આચરી હોવાના કિસ્સા સામે છે. હવે સવાલ એ થાય છે કે આ બધા ફોન આવે છે ક્યાંથી અને તેમાં ઉપડી જતા નાણાં જાય છે ક્યાં..? તો તમને કહી દઈએ કે સાયબર ચિટિંગના 70-80 ટકા કેસનું ઉદગમ સ્થાન છે ઝારખંડનું જામતારા...

કિસ્સો-1 : અમદાવાદમાં રહેતા અને સરકારી વિભાગમાં નોકરી કરતા એક અધિકારીને બપોરના સમયે એક ફોન આવે છે. ફોન કરનાર પોતાની ઓળખ આ અધિકારીનું જેમાં ખાતું છે તે બેંકના વેરિફિકેશન ડિપાર્ટમેન્ટમાંથી વેરિફિકેશન ઓફિસર તરીકેની આપે છે. પ્રભાવ પાડવા ફોન કરનાર વ્યક્તિ એવું કહે છે કે, જો તમે અત્યારે વેરિફિકેશન નહીં કરાવો તો તમારું ખાતું બ્લોક કરી દેવાશે. ગભરાયેલા અધિકારી સામેવાળી વ્યક્તિને ધડાધડ ડેબિટ કાર્ડનો 16 આંકડાનો નંબર, એક્સપાયરી ડેટ, કાર્ડ પરનું નામ, કાર્ડ પાછળનો 3 આંકડાનો સીવીવી નંબર આપી દે છે. આટલું કર્યા બાદ સામેવાળી વ્યક્તિ આ અધિકારીને કહે છે કે, વેરિફિકેશનનો ઓટીપી તમારા મોબાઈલ નંબર પર મોકલ્યો છે જે મને આપો. આ ઓટીપી આપ્યા બાદ તેમને સાંત્વના અપાઈ કે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે એટલે તમારું કાર્ડ હવે બંધ નહીં કરાય. પરંતુ રાહતનો શ્વાસ લઈને અધિકારી મોબાઈલ ટેબલ પર મૂકે છે ત્યાં જ તેમને એસએમએસ મળે છે કે, તેમના ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપડી ગયા છે. જે નંબર પરથી વેરિફિકેશન માટે કોલ આવ્યો હતો તે ડાયલ કરતાં ફોન સ્વીચઓફ આવતો હતો.

કિસ્સો- 2: સાવરકુંડલા રહેતી 27 વર્ષીય પરિણિતા તેના પતિ સાથે સરકારી નોકરીઓ માટે ફોર્મ ઓનલાઈન જ ભરતી હતી. આ માટે તેઓ ટૂંકા કોર્સ પણ કરતા હતા. એકદિવસ આ પરિણિતા બપોરે કમ્પ્યૂટર પર સર્ફિંગ કરતી હતી ત્યારે સરકારી પરીક્ષામાં પાસ કરાવવાની ગેરન્ટી આપતા ઓનલાઈન કોર્સની જાહેરાત પોપ-અપ થઈ હતી. ફી માત્ર રૂ. 350 હતી અને કોર્સ તથા ફી બંને ઓનલાઈન જ હતા. આ જોઈને પરિણિતાએ ક્લિક કર્યું તો એક વેલકમ મેસેજ સાથે વેબસાઈટ ખૂલી જેમાં પહેલા પેજ પર નામ-સરનામું-અભ્યાસ વગેરે વિગતો લખવાની હતી. નેક્સ્ટ પર ક્લિક કર્યું તો પેમેન્ટની ડિટેઈલ આવી. ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ ઓપ્શન લીધા બાદ બધી ડિટેલ ભરી અને છેલ્લે ઓટીપી નાંખ્યો તો 350ને બદલે રૂ. 3500 ખાતામાંથી કપાયાનો મેસેજ આવ્યો.

કિસ્સો-3: વલસાડમાં રહેતા એક વેપારી મોટાભાગનો વ્યવહાર પેટીએમ દ્વારા કરતા હતા. એક દિવસ સવારના પહોરમાં તેમને 'PAYTM'ના જેવા જ ભળતા નામ 'PYATM' પરથી મેસેજ આવ્યો કે તમારું કેવાયસી પેન્ડિંગ હોવાને કારણે તમારું ખાતું બ્લોક કરી દેવાયું છે. ખાતું અનબ્લોક કરવા 73xx*97xx7 પર ફોન કરવાનું કહ્યું. આ વેપારીઓ હાંફળા-ફાંફળા થઈને આ નંબર પર કોલ કર્યો તો સામેથી પોતે પેટીએમમાંથી બોલતો હોવાની ઓળખ આપી. ઓપરેટરે પેટીએમ ખાતું અનબ્લોક કરવા વેપારી પાસે વેરિફિકેશનના નામે તેમનું આખું નામ, માતાનું નામ, મોબાઈલ નંબર, બેંક ખાતાનો નંબર, કાર્ડ નંબર, સીવીવી વગેરે વિગતો લીધી. પછી વેરિફિકેશન માટે ઓટીપી મોકલવાનું કહી તે ઓટીપી નંબર લીધો. વેપારીને પેલા ઓપરેટરે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયાનું કહ્યું. પેલા વેપારીએ જેવો કોલ મૂક્યો કે તુરત ધડાધડ તેને 3 મેસેજ આવેલા હતા જેમાં પેટીએમના માધ્યમે તેના ખાતામાંથી કુલ રૂ. 60,000 ઉપડી ગયાનું જણાવાયું હતું.

ઠગાઈની જાળ બિછાવનારા મોટાભાગના કોલ જામતારાથી આવે છે
હવે સવાલ એ થાય છે કે આ બધા ફોન આવે છે ક્યાંથી અને તેમાં ઉપડી જતા નાણાં જાય છે ક્યાં..? તો તમને કહી દઈએ કે સાયબર ચિટિંગના 70-80 ટકા કેસનું ઉદગમ સ્થાન છે જામતારા... બિહારમાંથી છૂટા પડેલા અને કુદરતી સંપદાથી ભરપૂર એવા ઝારખંડ રાજ્યનો એક દક્ષિણી જિલ્લો છે જામતારા. એ જ જામતારા જ્યાંથી આ બધા ઠગાઈ માટે જાળ બિછાવતા કોલ આવે છે. અહીં ચિટિંગ માટેનો રીતસર કારોબાર ચાલે છે અને આ કારોબારના ખેલાડીઓ કાંઈ આઈટી એક્સપર્ટ, એન્જિનિયર કે ટેકનોક્રેટ્સ નથી હોતા. આ ઠગાઈનું નેટવર્ક ચલાવવા જાળ બિછાવનારે ટેલિકોલરો મોટાભાગે અભણ કે સાતમું-આઠમું ભણેલા લબરમૂછિયા હોય છે.

ઝારખંડના અંતરિયાળ સ્થળે આવેલા જામતારામાં પોલીસ પણ જતી નથી
કોઈના બેંક એકાઉન્ટમાંથી કે ફોન કરીને નાણાની ઉંઠાતરી થઇ જાય તો ઘણી વખત પોલીસ ફરિયાદ લઇને પણ આરોપીઓને શોધી શકતી નથી. એવું નથી કે પોલીસ તપાસ કરતી નથી. પરંતુ આ ઉંઠાતરી કરનાર ગેંગ એટલી ચાલાક હોય છે કે પોલીસને ખબર પડે તે પહલાં તેણે અન્ય લોકોને ટાર્ગેટ કરીને પોતાનો નંબર બદલી નાખ્યો હોય છે. આ ચિટિંગ કરનારા મોટાભાગે જામતારા ગામમાં રહેતા હોય છે. દુર્ગમ અને અંતરિયાળ હોવાને કારણે આ ઠગોને પકડવા ખુબ જ મુશ્કેલ છે અને એટલે જ પોલીસ પણ અહીં જતા બે વાર વિચાર કરે છે. ગુજરાતમાં થતા સાઇબર ક્રાઇમના મોટા ભાગના ગુનાઓનું સેન્ટર જામતારા જ છે.

ચિટિંગના કોલ કરનારના ઉચ્ચારણ મોટાભાગે બંગાળી ભાષાના હોય છે
જામતારા પશ્ચિમ બંગાળની સરહદથી અત્યંત નજીક આવેલો જિલ્લો છે. આમેય ઝારખંડના અંતરિયાળ જિલ્લામાં બોલચાલની ભાષામાં બંગાળી લઢણ વધુ જોવા મળે છે. ચિટિંગ માટે ફોન કરનારા છોકરાઓ અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં વાત કરતા હોય છે. જો કે, તેમની બોલચાલની લઢણ બંગાળી ભાષાને મળતી આવે છે જેમકે તેઓ 'ર'નો ઉચ્ચાર કરવાને બદલે 'ડ' બોલતા હોય છે.

જામતારાની ચિટિંગ શૈલી પર હવે વેબસિરિઝ પણ બની રહી છે
જાણીતા વીડિયો પ્લેટફોર્મ નેટફ્લિક્સ દ્વારા હવે તો જામતારા અને તેની છેતરપિંડીની શૈલી આધારિત ક્રાઈમ વેબસિરિઝ પણ બનાવવામાં આવી છે. ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ જામતારાથી ચાલતા ચિટિંગ નેટવર્કે હાહાકાર મચાવેલો છે. અહીં બોર્ડર પણ નજીક હોવાથી આરોપી સાઈબર ક્રાઈમ કરીને આસાનીથી બોર્ડર ક્રોસ કરી શકે છે. આ વેબસિરિઝમાં પણ નાના ટાબરિયાઓ અને લવરમૂછિયા છોકરડાઓ જ ચિટિંગનું આખું નેટવર્ક ચલાવતા હોય તેવું દર્શાવાયું છે.

જામતારામાંથી ગુજરાત પોલીસ અત્યારસુધીમાં એકને જ પકડી શકી છે
ગુજરાત પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગના પોલીસ ઇન્સ્પેકટર જાસ્મીન રોજીયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં થતા સાઇબર ક્રાઇમના સેંકડો ગુનાઓનુ એપી સેન્ટર ઝારખંડનુ જામતારા હોવાનુ સામે આવ્યુ છે. અત્યાર સુધી સાયબર ક્રાઇમે જામતારા જઈને એક આરોપીની જ ધરપકડ કરી છે. આ ગામના સગીરો મોટા ભાગે આ પ્રકારના ચિટિંગમાં સંડોવાયેલા હોય છે અને તેઓની સુનિયોજીત ચિટિંગ થીયરીના કારણે આરોપીઓને પકડવામાં ઘણી વખત મુશ્કેલી આવે છે.

સ્ક્રીપ્ટ કંઠસ્થ કરી ઝાડ પર ચઢીને સગીરો રોજના લાખોનું ચિટીંગ કરે છે
જામતારા જવાના ત્રણ રસ્તા છે. બીજા રાજ્યની પોલીસ ત્યા પહોંચે તે પહેલા ગામના લોકોને ઇશારાઓ થઇ જાય છે અને ટપોટપ આ કામગીરી બંધ થઇને ગુનાખોરી સાથે જોડાયેલા લોકો ભૂગર્ભમાં જતા રહે છે. અત્યંત ગરીબ છોકરો પણ સાઇબર એક્સપર્ટને શરમાવે તેવું ચિટિંગ આ ગામમાં થાય છે. દરરોજે સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી આ ગામના સગીરો પોતાના આકાઓ પાસેથી ડેટા મેળવીને તેમને ફોન કરે છે અને તેમને બેંકમાંથી બોલે તેવી વાત સમજાવવા માટે તેઓ સ્ક્રીપ્ટ રટણ કરે છે અને ત્યાર બાદ તેમને ચિટીંગ કરેલી રકમ મળી જાય છે. મોટા ભાગે સગીરો ગામમાં ઝાડ પર ચઢી જાય છે કારણ કે કોઇ વખત ઘરમાં ફોન પર વાત દરમિયાન ટાવર કનેકશનની સમસ્યા થાય છે.

માઇક્રો ચિટિંગ કરે એટલે પોલીસ પણ છેક ત્યાંનો ધક્કો ખાવાનું ટાળે
જામતારાના સગીરો મોટા ભાગે સ્ક્રીપ્ટ પ્રમાણે જ કામ કરતા હોય છે. જાણે આખા ગામના કેટલાક લોકો માત્ર આ રીતે ભેગા થઇને ચિટિંગ કરવા માટે પ્રયાસ કરતું હોય. આ ચિટિંગમાં તેઓ નાની રકમની ઠગાઈ કરતા હોય છે જેથી મોટા ભાગે અન્ય રાજ્યોમાં આ નાણાં ટ્રાન્સફર કરાતા હોવાથી ઘણી વખત પોલીસ પણ નાની રકમ માટે ત્યાં જવાનુ ટાળે છે જ્યારે કેટલાક કિસ્સ્માં નાની રકમનુ ચીટિંગ હોવાથી પોલીસ ફરિયાદ પણ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો