અમદાવાદ / નિત્યાનંદ આશ્રમમાં યુવતીને ગોંધી રાખવાનો મામલો, પોલીસે બંગલોમાંથી ત્રણ યુવતીઓને મુક્ત કરાવી

આશ્રમ બહાર ધરણા પર બેઠેલા કરણી સેનાના કાર્યકરો
આશ્રમ બહાર ધરણા પર બેઠેલા કરણી સેનાના કાર્યકરો

 

  • પુષ્પક રેસિડેન્સીમાં આવેલા બંગલામાં ત્રણ યુવતીઓ મળી આવી
  • આ યુવતીઓ નિત્યાનંદ આશ્રમ સાથે સંકળાયેલી અને સેવા કરતી હોવાનું બહાર આવ્યું
  • ગુમ થનાર યુવતીની બહેન અને ભાઈને પણ પુષ્કર રેસિડેન્સી જ રાખવામાં આવ્યા હોવાનો ખુલાસો

Divyabhaskar.com

Nov 17, 2019, 08:10 PM IST

અમદાવાદઃ હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ નામના આશ્રમમાં બેંગાલુરુના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવા મામલે શુક્રવાર રાતથી શરૂ થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ શનિવારે પણ પરિવારને આશ્રમમાં પ્રવેશ અપાયો ન હતો. પરંતુ આ કેસમાં દિવસેને દિવસે નવા વળાંક આવી રહ્યા છે. આજે(રવિવાર) વિવેકાનંદનગરમાં આવેલા પુષ્પક રેસિડેન્સીમાં આવેલા બંગલામાં ત્રણ યુવતીઓ મળી આવી છે. જેને વિવેકાનંદનગર પોલીસે મુક્ત કરાવીને નિવેદન નોંધ્યા છે. આ યુવતીઓ નિત્યાનંદ આશ્રમ સાથે સંકળાયેલી અને સેવા કરતી હોવાનું બહાર આવ્યું છે. આશ્રમ હોવા છતાં શા માટે તેઓ આ મકાનમાં રહેતી હતી તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

ગુમ થનાર યુવતીની બહેન અને ભાઈને પણ આ જ પુષ્કર રેસિડેન્સીના મકાનમાં જ રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જે મકાનમાંથી યુવતીઓ મળી આવી છે તે મકાનમાં નિત્યાનંદની તસવીરો પણ મળી આવી છે.આશ્રમથી 7 કિલોમીટર દૂર આવેલી આ પુષ્કર રેસિડેન્સીમાં મકાનમાં ગુમ યુવતીના ભાઈ બહેનને દિવાળીના દિવસો દરમ્યાન લાવવામાં આવ્યા હતા.

કરણીસેનાએ આશ્રમમાં ઘુસી યુવતીની શોધખોળ કર્યા બાદ ધરણા કર્યા

આ પહેલા બપોરે બાળકોના પરિવારના સમર્થનમાં કરણીસેના ઉતરી આવી હતી. કરણી સેનાએ નિત્યાનંદ આશ્રમમાં હોબાળો કર્યો છે અને કાર્યકરો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ગુમ યુવતીની તપાસ કરી હતી. જેને પગલે Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યકરોને સમજાવી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ કાર્યકરોએ આશ્રમ બહાર ધરણા કર્યા હતા.

આ દરમિયાન પોલીસે અંદર જઈને આશ્રમના દરવાજા બંધ કરાવ્યા હતા. માત્ર એટલું જ નહીં, આશ્રમના સંચાલકોએ મીડિયા સાથે પણ ગેરવર્તુણૂંક કરી હતી. આ મામલે હાલ પોલીસે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીનું મોંઢું જોવા માતા-પિતા 24 કલાક સુધી ટટળ્યા
બેંગાલુરુના જનાર્દન શર્મા નામના વ્યક્તિના 4 સંતાનોએ કર્ણાટકના આશ્રમમાં દીક્ષા લીધી હતી. તે પૈકી 22 વર્ષની યુવતી દોઢ વર્ષથી ગુમ છે. જ્યારે બીજી યુવતીએ વીડિયો પોસ્ટ કરી તેની પર આશ્રમમાં દુષ્કર્મ આચરાયું હોવાનું કહ્યું હતું. આથી પરિવારજનો તેને શોધવા એક સપ્તાહથી અમદાવાદ આવ્યા છે. શુક્રવારે મોડી રાતે ચાઈલ્ડ વેલ્ફેર અને માનવ અધિકારપંચના અધિકારીઓની ટીમ અને વિવેકાનંદનગર પોલીસને સાથે પરિવાર આશ્રમે આવ્યો હતો. પરંતુ આશ્રમ બહાર કલાકો સુધી રાહ જોવડાવતા હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. ત્યાર બાદ શનિવારે પણ પરિવારને આશ્રમમાં પ્રવેશ અપાયો ન હતો.

આશ્રમે યુવતીનું FB લાઈ‌વ કરાવ્યું પણ મળવા ન દીધી
જો કે ગુમ યુવતીએ ફેસબુક લાઈવ કરી પોતે આશ્રમમાં જ રહેવા માગે છે તેવી કેફીયત રજૂ કર્યા પછી પોલીસે પણ યુવતી વયસ્ક હોવાથી આ મામલે કાંઈ થઈ શકે નહીં તેમ કહી મામલાને થાળે પાડ્યો હતો. પરંતુ પરિવારજનોએ યુવતીને મળ્યા વિના નહીં જવાની હઠ પકડી અમદાવાદમાં જ રહેવાનો નિર્ધાર માધ્યમો સમક્ષ વ્યક્ત કર્યો હતો. બીજીબાજુ આશ્રમની જમીન મામલે પણ વિવાદ ઊભો થયો છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમે પણ આશ્રમની મુલાકાત લઈ બાળકોને કરાવાતા અભ્યાસ મામલે તપાસ કરી હતી.

X
આશ્રમ બહાર ધરણા પર બેઠેલા કરણી સેનાના કાર્યકરોઆશ્રમ બહાર ધરણા પર બેઠેલા કરણી સેનાના કાર્યકરો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી