તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lrd Recruitment Controversy: Non reserved Class Movement Still Continue Near The Statue Of Sardar Patel

બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની 2 કલાકની બેઠક બાદ પણ કોઇ નિર્ણય નહીં, આખરી નિર્ણય મુખ્યમંત્રી લેશેઃ DyCM

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનામત પરિપત્ર રદ ન કરવાની માંગ સાથે બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત
  • બિન અનામત વર્ગની મહિલાઓના સરદાર પટેલની પ્રતિમા પાસે ધરણા
  • દિનેશ બાંભણિયાએ કહ્યું - જ્યાંસુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું
  • આવતીકાલે DyCM અને ગૃહમંત્રી મુખ્યમંત્રી સાથે આ મામલે ચર્ચા કરશે

ગાંધીનગરઃ LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલા વિવાદ મુદ્દે આગેવાનો અને સરકારની બેઠક પૂર્ણ થઈ છે. આગેવાનોની સરકાર સાથે બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. તેમાં આજે ગૃહમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આગેવાનોએ આ મામલે જણાવતા કહ્યું કે, ‘સરકારે અમારા તમામ મુદ્દા ગંભીરતાથી સાંભળ્યા છે. આવતીકાલે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ મામલે મુખ્યમંત્રી સાથે વાત કરશે અને ઉકેલ લાવશે, પણ જ્યાર સુધી આ મામલો નિર્ણય સુધી ન પહોંચે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અમે 1-8-18નો પરિપત્ર રદ કરવાની ઉગ્ર માગણી કરી છે.’ ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ‘અમે સતત 2 કલાકથી પણ વધુ સમય સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. છતાં કોઇ તારણ આવ્યું નથી. આવતીકાલે અમે આ બાબતે મુખ્યમંત્રી સાથે વાત કરીશું. આ મામલે મુખ્યમંત્રીનો નિર્ણય જ આખરી નિર્ણય રહેશે.’

હજુ આંદોલન યથાવત રહેશે

LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે સવારે પણ બિન અનામત વર્ગની મહિલાઓ યોગા કર્યા બાદ ઘ-4 પાસે સરદાર પટેલની પ્રતિમા બેસી ગઈ હતી. જેને પગલે રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવા તૈયાર થઈ હતી. જેને પગલે દિનેશ બાંભણિયા, રાજ શેખાવત, રમજૂભા જાડેજા, એ.કે. પટેલ, ભરત રાવલ, અમિત દવે, યગ્નેશ દવે અને પૂર્વિન પટેલ સહિતના આગેવાનો નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ કરી છે.
સરકાર સમય વધારે બગાડી વર્ગવિગ્રહ ફેલાવવાનું કામ કરી રહી છે: પ્રવિણ રામ
બિનઅનામત વર્ગની સરકાર સાથેની બેઠક બાદ આંદોલનકારી પ્રવિણ રામે પ્રતિક્રિયા
 આપતા કહ્યું છે કે, સરકાર સમય બરબાદ કરવાનું કામ કરી રહી છે. સરકાર સમય વધારે બગાડી વર્ગવિગ્રહ ફેલાવવાનું કામ કરી રહી છે. બે કલાક સુધી સરકારે શું કર્યું કે કોઈ રસ્તો નીકળી ના શક્યો એ શંકાસ્પદ છે. સરકારની કોઈ મેલી મુરાદ હોય તેમ લાગી રહ્યું છે. 

મિટિંગ બાદ બાંભણિયા અને યજ્ઞેશ દવે વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો
ગુરુવારે નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા સાથેની બેઠક પૂર્ણ થયા બાદ સચિવાલયમાં જ દિનેશ બાંભણિયા અને બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવે વચ્ચે બોલાચાલી થઇ હતી જેના કારણે મામલો બિચક્યો હતો, જોકે અન્ય આગેવાનોએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. આ અંગે યજ્ઞેશ દવેએ હતું કે, એ અમારી આંતરિક બાબત હતી, પરંતુ હું આંદોલનમાં સાથે જ છું.

1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ ન કરવાની માંગ
ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની 250થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે 66 દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમનાં સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો જોડાયા હતા. 
બુધવારે કેબિનેટ બેઠક મળ્યા પછી પણ સરકારે આ મામલે કોઇ સ્પષ્ટતા ન કરી કે સુધારો શું કરાશે. એક તરફ અનામત કક્ષાની મહિલા ઉમેદવારો આંદોલનનો વાવટો સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી સંકેલવાના મૂડમાં નથી ત્યાં બુધવારે સાંજે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલનનો શંખ ફૂંક્યો હતો. 

ઉમિયા માતા મંદિરે બેઠક મ‌ળી રાજ્યભરમાં આંદોલનની ચીમકી
બુધવારે સાંજે ગાંધીનગરના ઉમિયામાતા મંદિર ખાતે બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના પ્રતિનિધીઓ મળ્યા હતા જેમાં પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત, લોહાણા, બ્રહ્મક્ષત્રિય, સોની અને અન્ય જ્ઞાતિના આગેવાનોએ ભાગ લઇને બિન-અનામત સંકલન સમિતિની રચના કરાઇ હતી. જેમાં સરકાર મહિલા અનામતના ઠરાવમાં સુધારો કરવાનું રદ્દ કરે અને કોઇપણ પગલું ભરતા પહેલા સમિતિની સાથે પરામર્શ કરે તેવો નિર્ણય લેવાયો છે. જો સરકાર આમ ન કરે તો ગુજરાતભરમાં સરકાર સામે બિન-અનામત જ્ઞાતિઓના લોકો આંદોલન કરી રસ્તા પર ઉતરી આવશે તેવી ચીમકી પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આ બેઠક બાદ ઉચ્ચારી છે. 

બિન-અનામત વર્ગની સફળ થયેલી યુવતીઓએ હાઈકોર્ટમાં ઘા
લોકરક્ષક ભરતી બોર્ડમાં પાસ થયેલી બિનઅનામત વર્ગની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે. ઝડપથી તેમને નિમણુંકપત્રો આપવા અને જુનો ઠરાવ રદ નહી કરવા અને મહિલા અનામત આપવા દાદ માગવામાં આવી છે. સુનાવણી આગામી દિવસોમા હાથ ધરાશે. અરજદાર યુવતીઓ તરફથી એડવોકેટ વિશાલ દવેએ એવી દલીલ કરી હતી કે, 2019માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 9713 ખાલી જગ્યા પર હથિયારધારી, બિન હથિયારધારી અને જેલ સિપાઇ માટે પરીક્ષા લીધી હતી. 30મી નવેમ્બરે 2019માં ફાઇનલ લિસ્ટ જાહેર કર્યુ હતુ.પરતું તે પૈકી બિનઅનામત વર્ગની યુવતીઓને તા.1-8.2018ના ઠરાવ મુજબ મહિલા અનામત પણ આપવામાં આવ્યુ નહોતુ. સરકારે હાલ જે જુના ઠરાવમાં સુધારો કરવા નિર્ણય કર્યો છે તે ગેરકાયદે અને અન્યાયી છે. જુના ઠરાવ મુજબ જ બિનઅનામત વર્ગની યુવતીઓને નિમણુંકપત્રો આપવા દાદ માગી છે.

વિવાદ ક્યાંથી શરૂ થયો
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

વિવાદનું મૂળ શું છે
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 65 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો