અમદાવાદ / CBSEની માન્યતા પ્રક્રિયામાં જ લોલમલોલ, DPSને મંજૂરી આપતા પહેલાં ગુજરાત સરકારના NoCને વેરિફાય જ ન કર્યું

loop hole In the CBSE accreditation process did not verify NoC before allowing DPS east ahmedabad

  • 27 જુલાઈ, 2010ના રોજ DPSએ બોગસ NoC આપ્યું, છતાં CBSEએ કદી ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે ખરાઈ જ ન કરી
  • CBSEએ 2011, 2014 અને 2017માં 3 વાર DPSને એફિલિયેશન આપ્યું, ઈન્સપેક્શન કર્યા પણ NoC વેરિફાય ન કર્યું

Divyabhaskar.com

Dec 02, 2019, 06:16 PM IST

અમદાવાદઃ DPSએ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનું બોગસ NoC બનાવી અને પછી તે એનઓસીને CBSE સમક્ષ રજૂ કરી ધો. 9થી ધો. 12 સુધીની સિનિયર સેકન્ડરી સ્તરની માન્યતા મેળવી હોવાની બાબત હવે નિર્વિવાદપણે પૂરવાર થઈ ચૂકી છે. CBSEએ શનિવારે એક પત્ર જારી કરીને DPSની સિનિયર સેકન્ડરીની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ DPS-ઈસ્ટના સંચાલકો સામે સરકારી દસ્તાવેજો ઉપજાવી ખોટી રીતે માન્યતા મેળવવા બદલ ફોર્જરીના ગુનાની તપાસ શરૂ કરી છે. પરંતુ આ બધામાં સૌથી ઘાતક અને સૌથી નિરાશાજનક બાબત તો એ છે કે એફિલિયેશન લેવા ઈચ્છુક કોઈ પણ શિક્ષણ સંસ્થા દ્વારા જે-તે રાજ્ય સરકારનું NoC રજૂ કરાય તો તેનું ક્રોસ વેરિફિકેશન કરવાની CBSEની એફિલિયેશન પ્રક્રિયામાં કોઈ જોગવાઈ જ નથી. DPSના સંચાલકો આ જ ખામીયુક્ત પ્રક્રિયાનો ગેરલાભ લઈને આટલા વર્ષો સુધી બિન્ધાસ્ત એફિલિયેશન મેળવતા રહ્યા હતા.

DPS એફિલિયેશન માટે 2010માં કરેલી અરજી સાથે બોગસ NoC આપ્યું

DPS ઈસ્ટ સ્કૂલે CBSEની માન્યતા માટે 27 જુલાઈ, 2010ના રોજ તેની સમક્ષ અરજી કરી હતી. આ અરજીની સાથે તેમણે રાજ્ય સરકારનું એનઓસી નં. "MSB-121-1965-CHH" રજૂ કર્યું હતું. એટલું જ નહીં, તત્કાલીન સ્કૂલ પ્રિન્સિપાલ શ્રીમતી અનિતા દુઆએ આ તમામ દસ્તાવેજોને એટેસ્ટ પણ કર્યા હતા. આ અરજી અને NoC આધારે CBSEએ DPS-ઈસ્ટને સેકન્ડરી એજ્યુકેશન માટે 1 એપ્રિલ, 2011ના રોજ માન્યતા આપી હતી.

2012માં CBSEના ઈન્સપેક્શનમાં પણ આ જ એનઓસી સ્કૂલે દેખાડ્યું

CBSEના પત્રમાં ઉલ્લેખિત વિગતો મુજબ DPS ઈસ્ટ દ્વારા એફિલિયેશનનો લેટર મળી જતાં શૈક્ષણિક સત્ર 2011-12થી જ સ્કૂલ શરૂ કરી દેવાઈ હતી. ત્યારબાદ 2012ની સાલમાં 22 જૂનના રોજ CBSEની આઈસી ટીમ દ્વારા DPS-ઈસ્ટમાં ઈન્સપેક્શન હાથ ધરાયું હતું. તે સમયે પણ સ્કૂલે પોતાના તમામ કાયદેસરના દસ્તાવેજમાં રાજ્ય સરકારના આ જ બનાવટી NoC લેટરનો સમાવેશ કર્યો હતો. ઈન્સપેક્શન ટીમે આ લેટર જોયો હતો અને તેની નકલને ફાઈલ પણ કરી હતી.

બોગસ NoCના આધારે જ 2013 અને 2017માં DPSને ફરી માન્યતા મળી

DPS ઈસ્ટ તરફથી 2013માં સિનિયર સેકન્ડરી સ્કૂલ માટે માન્યતા માગતી અરજી CBSE બોર્ડને કરાઈ હતી. તે સમયે અને ત્યારબાદ 2017માં ફરી પાંચ વર્ષ માટે માન્યતાને રિન્યુ કરવા માટે DPS-ઈસ્ટે અરજી કરી હતી. આ બંને પ્રસંગે પણ DPS-ઈસ્ટ દ્વારા ગુજરાત સરકારની બનાવટી NoC જ રજૂ કરવામાં આવી હતી. તે સમયે પણ CBSE બોર્ડની એફિલિયેશન કમિટિ દ્વારા સ્કૂલે રજૂ કરેલા NoCનું રાજ્ય સરકાર સાથે કોઈ ક્રોસ વેરિફિકેશન કરાયું જ નહોતું.

નિત્યાનંદ આશ્રમનો વિવાદ ન થયો હોત તો બોગસ એનઓસી પકડાઈ જ ન હોત

નિત્યાનંદ આશ્રમને DPS સ્કૂલે જમીન લીઝ પર આપી અને તેનો વિવાદ થયો એટલે ગુજરાતનું શિક્ષણ બોર્ડ અને તંત્ર હરકતમાં આવ્યું હતું. શિક્ષણ વિભાગની તપાસમાં DPS-ઈસ્ટ શિક્ષણ સંકુલની જમીનના ટાઈટલ અને માલિકીપણા તેમજ એનએ બાબતે ઘણી બધી ખોટી રજૂઆતોનો ભાંડો ફૂટ્યો હતો. આ તપાસ દરમિયાન જ રાજ્ય સરકારના 2010ના NoC નં. "MSB-121-1965-CHH"ની પણ તપાસ થઈ અને માલૂમ પડ્યું કે આવું કોઈ NoC રાજ્ય સરકારે તો આપ્યું જ નથી. ગુજરાતના શિક્ષણ વિભાગે આ અંગે CBSEને રિપોર્ટ કરતાં ડીપીએસની માન્યતા રદ કરાઈ હતી.

CBSE ચેરપર્સન અનિતા કરવાલને પૂછ્યું તો કહ્યું, મિટિંગમાં છું

આ મામલે CBSEની એફિલિયેશ ન પ્રક્રિયામાં જે-તે રાજ્ય સરકારના NoCની ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા છે કે કેમ તે બાબતે CBSEના ચેરપર્સન અનિતા કરવાલને DivyaBhaskar દ્વારા પ્રશ્ન કરાયો હતો. પરંતુ તેમણે મિટિંગમાં હોવાનું કહ્યું હતું અને આ મામલે સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીને પૂછવા જણાવ્યું હતું. જો કે, CBSEની એફિલિયેશનની સ્ટાન્ડર્ડ પ્રોસિજરમાં પણ NoCની ક્રોસ વેરિફિકેશનની કોઈ જોગવાઈ જ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

X
loop hole In the CBSE accreditation process did not verify NoC before allowing DPS east ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી