બિટકોઈન બાદ હવે લાઈટકોઈનનો બબલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાઈટકોઈન જાન્યુઆરીના 30.46 ડૉલરથી 360 ટકા વધી 140 ડૉલરે પહોંચ્યો

અમદાવાદ: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઈનની ધૂમ બાદ આ વર્ષે લાઈટકોઈન ધૂમ મચાવી શકે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં લાઈટકોઈનની કિંમતમાં 360 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.

1 જાન્યુઆરી, 19ના રોજ 30.46 ડોલરનો ભાવ 12 જૂને 140 ડોલરે પહોંચી ગયો છે. જે હાલ, 131 ડોલર સાથે રોકાણકારોને ન્યાલ કરી રહ્યો છે. લાઇટકોઇનની 1.82 અબજ ડોલરની માર્કેટકેપ પણ 6.32 અબજ ડોલરની વૃદ્ધિ સાથે આજે 8.19 અબજ ડોલરે પહોંચી છે.

આ સાથે લાઈટકોઈન વિશ્વની સાતમા નંબરની ટોચની ડિજિટલ એસેટ બની છે. મોસાઈક રિસર્ચ લિ.ના આંકડા અનુસાર, લાઈટકોઈનનો પુરવઠો ઘટાડી તેના મૂલ્યને વધારવા સહિત તેનુ સાતત્ય જાળવવા લાઈટકોઈનનું માઈનિંગ 50 ટકા સુધી ઘટાડ્યુ છે.

હાલ માઈનર્સ પ્રતિ બ્લોક 25 નવા લાઈટકોઈન મેળવી રહ્યા છે. જે 6 ઓગસ્ટ સુધી ઘટાડી 12.5 કરવામાં આવશે. 2017ના વર્ષના અંતમાં બિટકોઈને રોકાણકારોને માલામાલ બનાવ્યા હતા. 

વર્ષની શરૂઆતમાં 1000 ડોલરનો પણ આંકડો પાર કરવામાં અસક્ષમ બિટકોઈને પાછળથી ભારે વોલેટિલિટી વચ્ચે જંગી વૃદ્ધિ નોંધાવી 20000 ડોલરની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી હતી.

2017 ક્રિપ્ટો કરન્સી માટે ફળદાયી નિવડ્યુ હતું. લાઈટકોઈને પણ ડિસેમ્બર-17માં 375 ડોલરનુ ટોપ નોંધાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટોકરન્સીનો બબલ જે વાયુ વેગે વધ્યો હતો તે તેટલી જ ઝડપે ફૂટ્યો પણ હતો. હાલ બિટકોઈન 8000 ડોલરની સપાટી જાળવવા મથામણ કરી રહ્યો છે.

ક્રિપ્ટો કરન્સીનું માઈનિંગ ઘટાડી મૂલ્ય વધારવાની ચાલ
ક્રિપ્ટો કરન્સી માઈનિંગ કરતા માઈનર્સ ડિજિટલ કોઈનનું માઈનિંગ અચાનક ઘટાડી દે છે. આમ કરવા પાછળનો ઉદ્દેશ માઈનિંગ ઘટાડી બજારમાં તેની માગ ઉભી કરવાનો છે.

માગ સામે પુરવઠો ઘટતાં કોઈનના ભાવ ઊંચકાય છે. અગાઉ ચાર વર્ષ પહેલા લાઈટકોઈનનું માઈનિંગ ઘટાડાયું હતું ત્યારે તે 60 ટકા વધ્યો હતો.

કોઈનમાર્કેટકેપ.કોમના આંકડા અનુસાર, બિટકોઈનમાં આગામી હાલ્વિંગ (ઘટાડો) મે, 2020માં થશે. ત્યારે પુરવઠામાં ઘટ મુકાતા ભાવ ઉંચકાવવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

શું છે લાઈટ કોઈન?
MIT/X-11 લાઈસન્સ ધરાવતી ઓપન સોર્સ સોફ્ટવેર પ્રોજેક્ટ ક્રિપ્ટો કરન્સી છે.  ડિજિટલ કરન્સી લાઈટ કોઈનની શરૂઆત 2011માં ગુગલના પૂર્વ કર્મચારી ચાર્લી લીએ કરી હતી. બ્લોકચેઈન આધારિત ક્રિપ્ટો કરન્સી 8.4 કરોડ લાઈટ કોઈન કરન્સી રજૂ કરી ચૂકી છે. જે બિટકોઈન યુનિટની તુલનાએ ચારગણી વધુ છે. જે દેશોમાં ક્રિપ્ટોકરન્સી ખાસ કરીને બિટકોઇનનું ચલણ માન્ય છે ત્યાં લાઇટકોઇન કરન્સીનો ઉપયોગ થઇ રહ્યો છે. 

ક્રિપ્ટો કરન્સી રાખનારાને 10 વર્ષની સજા

ભારતની કેન્દ્ર સરકારે હાલમાં જ ક્રિપ્ટો કરન્સી અંગે નોટિફિકેશન જારી કરી પ્રતિબંધ મૂક્યો છે. ગેરકાયદેસર ઠેરવતા ક્રિપ્ટો કરન્સી રાખનારાને 10 વર્ષની જેલની સજા ફટકારવાની જાહેરાત કરી છે. 

અન્ય સમાચારો પણ છે...