દાદી પાસે ભિક્ષાવૃત્તિ કરાવતા દોહીત્રની ધરપકડ, IPS ઓફિસર વૃદ્ધાની મદદે આવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વૃદ્ધા છેલ્લા 10 વર્ષથી વેજલપુર ચાર રસ્તા પાસે ભિક્ષાવૃત્તિ કરતા હતા
  • મોર્નિંગ વોક દરમિયાન IPS ઓફિસરની નજર વૃદ્ધા પર પડી હતી
  • દોહીત્ર દરરોજ 4 વાગે તેની દાદીને ભિક્ષા માગવા માટે મુકી જતો હતો

અમદાવાદ: વેજલપુરના રસ્તા પર છેલ્લા દસ વર્ષ ભિક્ષાવૃત્તિ કરનાર 70 વર્ષિય વૃદ્ધા માટે IPS ઓફિસરે માનવતા બતાવી હતી. વૃદ્ધા દરરોજ ચાર રસ્તા પર બેસીને ભિક્ષા માંગતા હતા. ત્યારે મોર્નિંગ વોક પર નીકળેલા IPS આષિશ ભાટીયાની નજર તેમના પર પડી હતી. વૃદ્ધાને ઠંડીમાં ધ્રુજતા જોઈ IPSએ પોતાના ઉચ્ચ અધિકારીને ફોન કરીને બોલાવ્યા અને 108 મારફતે યોગ્ય સારવાર પણ અપાઇ હતી. વૃદ્ધા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, તેઓ છેલ્લા દસ વર્ષથી ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે. તેમનો દોહીત્ર દરરોજ સવારે 4 વાગે તેમને ચાર રસ્તે મુકી જતો હતો. પોલીસે સિટીઝન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી દોહીત્રની ધરપકડ કરી છે.

વૃદ્ધાને ઠંડીમાં ધ્રુજતા જોઇ 108ને ફોન કરીને બોલાવાઇ અને સારવાર અપાઇ
વેલજપુર પાસે 70 વર્ષિય વૃદ્ધા તારાબેનને તેમની દીકરીનો દીકરો સવારે 4 વાગે રોડ પર ભિક્ષા માગવા માટે મુકી જતો હતો. તેઓ અંદાજે દસ વર્ષથી અહીં ભિક્ષા માંગી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં મોર્નિંગ વોક પર નીકળેલા IPS ઓફિસર આષિશ ભાટીયાની નજર આ વૃદ્ધા પર પડી હતી. તેમણે વૃદ્ધા પાસે જઇ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વૃદ્ધા પોતાનું મોં છુપાવવા લાગ્યા હતા. ત્યારબાદ IPSએ સિનિયર પોલીસ ઓફિસરને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યા હતા. વૃદ્ધાને ઠંડીમાં ધ્રુજતા જોઇ 108ને પણ ફોન કરીને તેમને યોગ્ય સારવાર અપાઇ હતી.

દોહીત્ર ઉપર નિર્ભર રહેવા માંગતા નથી: વૃદ્ધા
વૃદ્ધાએ પોલીસ અધિકારી સાથે વાતચીત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વૃદ્ધાએ જણાવ્યું કે, તે તેમના દોહીત્ર સાથે રહે છે. અને દોહીત્ર ઉપર નિર્ભર રહેવા માંગતા નથી તેથી તેઓ છેલ્લા 10 વર્ષથી દરરોજ ભિક્ષાવૃત્તિ કરીને 200થી 300 રૂપિયા મેળવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. વૃદ્ધાને સવારે 4 વાગે તેમનો દોહીત્ર વેજલપુર મુકી જતો હતો અને સાંજ સમયે પરત લઇ જતો હતો. પોલીસે સમગ્ર વાતચીત કર્યા બાદ દોહીત્રની ધરપકડ કરી હતી.