- ભાજપનું સંગઠન પર્વ-2019 અંતર્ગત સદસ્યતા અભિયાન
- લોકગાયિકા ઉર્વશીબેન રાદડીયા સહિત અનેક કલાકારો ભાજપમાં જોડાયા
Divyabhaskar.com
Aug 14, 2019, 10:42 AM ISTઅમદાવાદઃ હાલ દેશભરમાં ભાજપના સંગઠન પર્વ-2019 અંતર્ગત સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સહિત 4૦થી વધુ વિખ્યાત તબીબો ભાજપમાં જોડાયા છે.
લોક સાહિત્યકારો અને લોક ગાયકો પણ ભાજપમાં જોડાયા
આ સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લોકસાહિત્યકાર ઘનશ્યામભાઇ લાખાણી, લોકગાયિકા ઉર્વશીબેન રાદડીયા, કિરણબેન ગજેરા, દેવાંગીબેન પટેલ, હાસ્ય કલાકારો હિતેશભાઇ અંટાળા, સંજયભાઇ સોજીત્રા તથા સ્કાયવિઝન ઇવેન્ટ્સ(યુ.એસ.એ.)ના અલ્પેશભાઇ પટેલને ભાજપાનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને આઈ.કે. જાડેજા સહિત અનેક પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં 70 વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ મોદી-શાહની જોડી લાવીઃ ડૉ.તેજસ પટેલ
આ પ્રસંગે પદ્મશ્રી અને વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સમગ્ર દેશને નેતૃત્વ પુરું પાડ્યું હતું અને દેશને આઝાદી અપાવી હતી. આજે ગુજરાતના પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશને નિર્ણાયક નેતૃત્વ પુરું પાડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં 70 વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝથી અતિ સરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે.
ભાજપનો ખેસ પહેરી હું ગૌરવની લાગણી અનુભવું છું:ડૉ. સુધીર શાહ
જ્યારે પદ્મશ્રી ન્યૂરોલોજીસ્ટ ડૉ. સુધીર શાહે જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિ-શાલિનતા-સાર્વભૌમત્વ-સહિષ્ણુંતાના રક્ષણની વિચારધારા સાથે કાર્ય કરતી ભાજપનો ખેસ પહેરી હું અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. ઘર્મ-આધ્યાત્મ-સંસ્કૃતિની ધરોહર એવો ભારત દેશ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે તે ખૂબજ આનંદ અને ગૌરવની વાત છે.
કેન્દ્ર સરકાર દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છેઃ જીતુ વાઘાણી
આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં ભાજપાના સંગઠન પર્વ-2019 અંતર્ગત સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ તથા અમિત શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસકાર્યોથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્રોના લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે.