અમદાવાદ: આરટીઓમાં બુધવારે 3 કલાક સુધી સર્વરડાઉન થતાં અરજદારો પરેશાન થયા હતાં. લાઇસન્સના કામ માટે આવેલા લોકોને બેસી રહેવું પડ્યું હતું. બફારાથી સિનિયર સિટીઝનોને ગભરામણ થઇ હતી. 1 કલાકમાં જ સર્વર ડાઉન થતાં અરજદારો ચાલ્યા ગયા હતા.
લાઇસન્સ વિભાગમાં એટલી ભીડ હતી કે ધક્કામુક્કી થતાં મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ હતી. કેટલીક મહિલાઓએ અધિકારીઓને મળી રજૂઆત પણ કરી હતી. બપોરે બે વાગ્યા સુધી સર્વર ચાલુ થયું હતું. પરંતુ ધીમીગતિએ સર્વર ચાલતુ હોવાથી પૂરતી કામગીરી થઇ શકી નહતી. સર્વર ઠપ થવાની વારંવાર થવાની સ્થિતિથી દિનપ્રતિદિન લોકોની મુશ્કેલી વધી રહી છે. સિસ્ટમ સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લાઇસન્સ વિભાગમાં હજી પણ પૂરતા એસીની વ્યવસ્થા કરી નહીં હોવાથી ગરમી અને બફારાથી લોકો શેકાઇ ગયા હતાં. સિનિયર સિટીઝનો અને કેટલાક બાળકોને ગરમી-બફરાથી ગભરામણ થઈ ગઈ હતી. કેટલાક અરજદારોએ તો હોબાળો પણ મચાવ્યો હતો.
સર્વરડાઉન છતાં તારીખ ન બદલી આપી
આરટીઓમાં વારંવાર સર્વરડાઉનની ઘટના સર્જાય છે. આવા સમયે લોકોને તારીખ બદલી અપાય છે. પરંતુ બુધવારે સર્વરડાઉનની ઘટના પછી અરજદારો તારીખ બદલવા માટે ગયા હતાં પણ અધિકારીઓએ સાફ ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે લોકોને ત્રણ કલાક સુધી ગરમી અને બફારામાં શેકાવું પડ્યું હતું. પરસેવાથી રેબઝેબ લોકોને ત્રણ કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.