દિલ્હીના ગુજરાત ભવનમાં સરકારી બાબુ માટે રૂ.350, જનતા માટે 5 હજાર ભાડું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીના ગુજરાત ભવનની ફાઇલ તસવીર - Divya Bhaskar
દિલ્હીના ગુજરાત ભવનની ફાઇલ તસવીર
  • મંત્રીઓએ પણ અધિકારીઓ કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડશે
  • રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ના. મુખ્યમંત્રી માટે કોઇ ચાર્જ નહીં

ગાંધીનગર: થોડા દિવસ પહેલાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું તેમાં રોકાણ માટેના ચાર્જનું લિસ્ટ ગુજરાત સરકારે બહાર પાડ્યું છે. ગુજરાતના બાબુઓએ ભેગા થઇને પોતાના માટે સૌથી ઓછો ચાર્જ નક્કી કર્યો છે. ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ન્યાયમૂર્તિઓ સહિતના લોકોએ પણ આ અધિકારીઓ કરતાં વધુ ચાર્જ ભોગવવો પડશે. સરકારી પ્રતિનિધિ ન હોય તેવા સામાન્ય લોકોને અહીં રોકાવવા માટે 24 કલાકના રૂ. 5 હજાર ચૂકવવા પડશે. જ્યારે સચિવ કે તેથી વધુ ઊંચા હોદ્દાના અધિકારીઓ માટે આ જ ચાર્જ સરકારી મુલાકાત દરમિયાન રૂ. 350 અને વ્યક્તિગત મુલાકાત માટે રૂ. 500 નક્કી કરાયા છે. આ ભવનમાં તમામ કેટેગરીના અતિથિઓમાં સૌથી વધુ 58 સ્યૂટ રૂમ અધિકારીઓએ પોતાના માટે અનામત રાખી દીધાં છે.

રાજ્યપાલ, મુખ્યમંત્રી પ્રેસિડેન્શિયલ સ્યૂટ મળશે
ગુજરાત સરકારે દિલ્હીમાં રાજ્યના વીવીઆઇપી લોકો માટે આ ભવ્ય અતિથિ ગૃહ બનાવ્યું છે, જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી માટે કોઇપણ પ્રકારનો ચાર્જ નહીં લેવાનું નક્કી કરાયું છે અને તેમને પ્રેસિડેન્શિયલ સ્યૂટ મળશે.જ્યારે વિધાનસભાના અધ્યક્ષ, મંત્રીઓ, વિપક્ષના નેતા, લોકાયુક્ત અને સુપ્રીમ તથા હાઇર્કોટના વર્તમાન કે નિવૃત્ત ન્યાયમૂર્તિઓ માટે સરકારી હેતુ માટે 24 કલાકનું ભાડું રૂ. 400 જ્યારે વ્યક્તિગત હેતુ માટે 1000 રૂપિયા નક્કી કર્યું છે. તેમના માટે 11 સ્યૂટ રૂમ ફાળવાયા છે.

દરેક રૂમનું ભાડું 24 કલાકનો એક દિવસ એ પ્રમાણે લેવાશે
સરકારી પ્રતિનિધિ ન હોય તેવા લોકોને જો ગરવી ગુજરાત ભવનમાં રોકાવવું હશે તો તેમણે વીઆઈપી અથવા વરિષ્ઠ સરકારી અધિકારીની ભલામણ કરતો પત્ર રિસેપ્શન સેન્ટર પર રજૂ કરવો પડશે. દરેક રૂમનું ભાડું 24 કલાકનો એક દિવસ એ પ્રમાણે લેવાશે. 24 કલાક કરતાં વધુ રોકાણ માટે એક આખા દિવસનો ચાર્જ અતિથિઓએ ચૂકવવાનો રહેશે. આ ઉપરાંત આ ગરવી ગુજરાત ભવનમાં કોઈપણ વ્યક્તિ દારૂ કે માંસનું સેવન નહીં કરી શકે. આ સિવાય જો કોઈને અહીં ફંક્શન યોજવું હોય તો 200 વ્યક્તિની ક્ષમતા ધરાવતા હોલનો ઉપયોગ કરી શકશે. આ હોલનું અડધા દિવસનું ભાડું 15 હજાર જ્યારે આખા દિવસનું ભાડું 25 હજાર નક્કી કરાયું છે.  
ગરવી ગુજરાત ભવનનો એક દિવસનો ચાર્જ

અતિથિનો હોદ્દો સરકારી હેતુ બિન સરકારી
રાજ્યપાલ, મુખ્યમંત્રી, ના. મુખ્યમંત્રી વિના મૂલ્યે વિના મૂલ્યે
વિધાનસભા અધ્યક્ષ, લોકાયુક્ત, મંત્રીઓ, વિરોધપક્ષના નેતા,
ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ
400 1000
સ્ટેટ ગેસ્ટ વિના મૂલ્યે 5000
દિલ્હીમાં આવાસ ન ફાળવાયા હોય તેવાં સાંસદો અને ધારાસભ્યો 1000 3000
સચિવ, તેથી ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ 350 500
ભૂ.મંત્રીઓ, સાંસદો, રાજ્ય સરકારના સંયુક્ત સચિવ
કે તેથી ઉચ્ચ હોદ્દે નિવૃત્ત અધિકારીઓ, નિવૃત્ત કેન્દ્રીય સચિવો
1000 3000
સરકારી હોદ્દો ન ધરાવતા લોકો માટે ------ 5000