વાયુ વાવાઝોડું / અમદાવાદ, મહેસાણા, પાટણ સહિત રાજયના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

In Ahmedabad, dust winds flutter with strong winds
In Ahmedabad, dust winds flutter with strong winds

  • ડાકોર,બાયડ,મહેસાણા સહિત રાજયના અનેક વિસ્તારોમાં વરસાદ 
  • રાણીપ,એસ.જી હાઇવે, સાબરમતી, ગોતામાં વરસાદ પડ્યો 
  • મહેસાણામાં પ્રથમ વરસાદે જ વીજળી ડુલ થઈ ગઈ

Divyabhaskar.com

Jun 13, 2019, 01:46 AM IST

અમદાવાદ : ‘વાયુ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. ધૂળની ડમરીઓ એટલી ઉડી રહી છે કે સામે કંઈ દેખાતું નથી. તો આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. જુહાપુરા, નરોડા, ઓઢવ, રાણીપ, સાબરમતી, ગોતા, ચાંદખેડા, એરપોર્ટ રોડ પર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં શહેરીજનોને ગરમીમાં રાહત થઈ છે. જ્યારે બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિમંતનગર, શામળાજી, મહેસાણા અને પાટણ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

થોડીવાર માટે અમદાવાદ ફાયરબ્રિગેડનો ઇમરજન્સી નંબર બંધ થયો
સામાન્ય વરસાદ પડતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડનો ઇમરજન્સી નંબર 07922148466/67 બંધ થયો હતો, જો કે બાદમાં ફરી નંબર શરૂ થઈ ગયો હતો. આ અંગે ફાયર બ્રિગેડે જણાવ્યું કે લાઈન બગડી ગઈ હતી અને લાઈન બગડવા મામલે BSNLને જાણ કરી હતી. ત્યાર બાદ ફરી લાઈન શરૂ થઈ ગઈ હતી. ઉપરાંત અમદાવાદમાં બે જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ બની. વસ્ત્રાપુર મેનેજમેન્ટ એનકલેવ પાસે એક ગાડી પર ઝાડ પડ્યું જ્યારે અમરાઇવાડી ગુલાબનગર વિસ્તારમાં પણ એક ઝાડ પડ્યું. બંને જગ્યાએ ફાયરની ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે.

જામનગર શહેરમાં 1 ઇંચ જ્યારે ધ્રોલ-જોડિયામાં ઝાપટાં પડ્યાં
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લાના કાંઠાં વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડવા લાગ્યાં છે. જાફરાબાદ તથા આસપાસના ગામોમાં ભારે પવન સાથે અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જાફરાબાદ ઉપરાંત આજે ખાંભા-અમરેલી પંથકમાં પણ હળવો વરસાદ પડયો હતો. જામનગર શહેરમાં એક ઇંચ અને ધ્રોલ તથા જોડીયા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. પરિણામે સરેરાશ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સુરેન્દ્રનગરના હળવદ અને પાટડી તાલુકામાં વરસાદ પડ્યો હતો.

હાઇવે પર વૃક્ષો તૂટી પડતાં બે કલાક સુધી ચકકાજામ રહ્યો
ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં 50થી વધુ ગામોમાં વીજળી ગૂલ થઇ ગઇ છે. સાગબારા હાઇવે પર વૃક્ષો તૂટી પડતાં બે કલાક સુધી ચકકાજામ રહ્યો હતો. બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિમંતનગર, શામળાજી, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. પ્રથમ વરસાદે મહેસાણામાં વીજળી ડૂલ થઈ જતાં શહેરમાં અંધારાપટ છવાઈ ગયું છે.

200 જેટલાં ગામડાંમાં અંધારપટ છવાયો
ગોધરામાં સાંજના વરસાદી છાંટા પડ્યા હતા. છોટા ઉદેપુરમાં મંગળવારની રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતાં જેથી 200 જેટલાં ગામડાંમાં અંધારપટ છવાયો હતો. કેળની ખેતરોમાં વિનાશ વેરાયો હતો. જ્યારે મકાનના છાપરાં ઊડી ગયાં હતાં. બોડેલીનાં ફેરકૂવા ગામે ઝાડ નીચે ભેંસ અને ગાય દબાઈ જતાં મોત નીપજ્યું હતું. વડોદરામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદનું આગમન થયું છે.

ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ
ભરૂચ શહેરમાં સાંજે 6 થી 8 વાગ્યાના બે કલાકના સમયમાં 1 મીમી જયારે નેત્રંગમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં 6 મીમી વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ મંગળવારની રાત્રે વાવાઝોડાં સાથે ત્રાટકેલા વરસાદે ભારે ડાંગ અને નીઝરના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું ખેરગામ અને ઉનાઈ સહિતના વિસ્તારોમાં બુધવારે પણ ઝાપટાં પડ્યાં હતાં.

X
In Ahmedabad, dust winds flutter with strong winds
In Ahmedabad, dust winds flutter with strong winds

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી