ભાસ્કર નોલેજ / એક્સિડન્ટ થયો હોય તેવી વ્યક્તિનો મોબાઈલ પેટર્ન કે નંબરથી લોક હોય તો મદદ કેવી રીતે કરવી?

How to help if the person having an accident is locked in a mobile pattern or number?

  • અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે મૃત્યુ પામનારા બંને ભાઈના ફોન પેટર્ન લોક હોવાથી જલ્દી ન ખૂલ્યા
  • લોક મોબાઈલના ઈમરજન્સી આઈકોનને પ્રેસ કે સ્વાઈપ કરીને અંદર ઈમરજન્સી નંબર સેવ કરી શકાય
  • સ્માર્ટફોન દીઠ સિસ્ટમ ભલે અલગ હોય, ઈમરજન્સી બટન દરેક પેટર્ન-નંબર લોક ફોનમાં હોય જ છે

Divyabhaskar.com

Nov 21, 2019, 03:47 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં ગુરુવારે સવારે ટ્રાફિકથી ભરચક રહેતા પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સાથેના વધુ એક ગોઝારા અકસ્માતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી સાઈડથી એક બાઈક પર આવી રહેલા બે સગા ભાઈ નયન રામ અને જયેશ રામનું બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ તુરત સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને બંને ભાઈઓના મોબાઈલ ફોનમાંથી તેમના કોઈ સ્વજનનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ બંને ભાઈના ફોન પેટર્ન લોક ધરાવતા હોવાથી કઈ પેટર્ન વડે લોક ખોલવું તે મૂંઝવણનો પ્રશ્ન બની ગયો હતો. અત્યારે આધુનિક મોબાઈલ સ્માર્ટ ફોનમાં પેટર્ન, નંબર, ફેસ રીડ, આઈ રેટિના રીડ વગેરે અવનવી પદ્ધતિઓ વડે મોબાઈલ લોક કરવામાં આવે છે જેના કારણે આવી મુશ્કેલીની સ્થિતિમાં વધુ તકલીફ સર્જાય છે.

કેટલાક મેઈલ આઈડી મોબાઈલમાં એટેચ કરવા પર ફરજિયાત લોક માગે છે

સ્માર્ટ ફોનના ઉપયોગમાં જેટલી સવલત હોય છે તેટલી જ જટિલતાઓ પણ હોય છે. કોઈ વ્યક્તિ પોતાના સ્માર્ટ મોબાઈલ ફોન સાથે જેવું ચોક્કસ મેઈલ આઈડીને એટેચ કરે એટલે તુરત તેમાં પેટર્ન અથવા નંબર વડે મોબાઈલને લોક કરવાનું ફરજિયાતપણે કહેવામાં આવે છે. આ રીતે મોબાઈલને લોક કરવાથી ફોનના માલિક અથવા તો ઉપયોગકર્તા સિવાયની વ્યક્તિ માટે તે લોકને ખોલવું લગભગ અશક્ય બની જાય છે. હવે આ સંજોગોમાં મોબાઈલ માલિક મૂર્છિત થાય કે તેને અકસ્માત થાય તો તેના ફોનની અંદરના લોકને ખોલવું કેવી રીતે તે એક પેચીદો પ્રશ્ન બની જાય છે.

ઈમરજન્સી બટનમાં ભાગ્યે જ કોઈ સ્વજનના નંબર સેવ કરે છે

દરેક સ્માર્ટફોનમાં પેટર્ન અથવા નંબર અથવા અન્ય કોઈ સિસ્ટમથી ફોન લોક કરાય તો તે સંજોગોમાં ફોન લોક હોય તો પણ ઈમરજન્સી સંજોગો માટે કોઈ કોન્ટેક્ટ નંબર સેવ કરી શકાય છે. આ માટે ફોન લોક હોય ત્યારે ઈમરજન્સી બટનને પુશ અથવા સ્વાઈપ (દરેક ફોનમાં જુદી-જુદી સિસ્ટમ હોય છે) કરીને તેમાં ચારથી પાંચ નંબર સેવ કરી શકાય છે. આમ કરવાથી કોઈ ઈમરજન્સી પરિસ્થિતિમાં અજાણી વ્યક્તિ પણ ફોન લોક હોય તો તે સ્થિતિમાં ઈમરજન્સી બટનને પુશ કે સ્વાઈપ કરે તો તેમાં સેવ કરાયેલા નામ અને નંબર ડિસ્પ્લે થાય છે અને તેની પર ક્લિક કરીને જે-તે વ્યક્તિનો ફોન પર સંપર્ક પણ કરી શકાય છે.

નામ કે પેટનેમને બદલે નંબરને રિલેશન તરીકે સેવ કરવો

મોટાભાગે લોકો પોતાના મોબાઈલ ફોનમાં પતિ-પત્ની અથવા માતા-પિતા કે ભાઈ-બહેનના નંબર તેમના નામ અથવા પેટનેમ જેમકે 'માય લવ', 'જાનુ', 'માય ડિયર' જેવા પેટનેમથી સેવ કરતા હોય છે. ઈમરજન્સીમાં કોઈ અજાણી વ્યક્તિ ભોગ બનનારના મોબાઈલનું લોક ખોલી નાંખે તો પણ અંદરથી આવા સગા-સંબંધી કે સ્વજનના નંબર મેળવી શકાતા નથી. આ સંજોગોમાં પોતાના સ્વજનના નંબર મોબાઈલમાં તેમના નામ કે પેટનેમને બદલે રિલેશનના આધારે સેવ કરાય જેમ કે, 'મધર', 'વાઈફ', 'ફાધર', 'બ્રધર' વગેરે તો ઈમરજન્સીમાં તેમની સહેલાઈથી ઓળખ કરીને કોઈ પણ અજાણી વ્યક્તિ મદદ માટે તેમને કોલ કરી શકે છે.

પર્સ કે વોલેટમાં ઈમરજન્સી નંબર કાગળ પર લખીને મૂકી રાખવા

એક તબક્કે મોબાઈલમાં કોઈ પણ કારણથી લોક ન જ ખૂલે અને ઈમરજન્સીમાં પણ નંબર સેવ કરીને રાખ્યા ન હોય તો તે સ્થિતિમાં સ્વજનોનો સંપર્ક કરવાનું મદદકર્તા માટે મુશ્કેલ બની જાય છે. આ સંજોગોમાં જો પર્સ કે વોલેટમાં એક ચબરખીમાં ઈમરજન્સી નંબર તરીકે માતા-પિતા કે સ્વજન-મિત્રોના નંબર સુવાચ્ય રીતે લખેલા હોય તો કોઈ પણ વ્યક્તિ તેમનો સંપર્ક કરી શકે છે.

X
How to help if the person having an accident is locked in a mobile pattern or number?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી