- દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ડોમેસ્ટિક ટુરિઝમ પર અસર દેખાઈ
- બેંગકોકનું ભાડું 8 હજારથી વધી 20 હજાર થયું
Divyabhaskar.com
Aug 14, 2019, 02:14 AM ISTઅમદાવાદ: ઓગસ્ટ મહિનામાં હવે પછી આવતી રજા દરમિયાન ફરવાના શોખીન ગુજરાતીઓએ 3થી 4 દિવસ માટે ફરવાનું પ્લાનિંગ બનાવી લીધું છે. જો કે આ વખતે દેશના અનેક ભાગોમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે ડોમેસ્ટિક ટૂરિઝમને ફટકો પડે તેવી શક્યતા છે. જો કે નજીકના દુબઈ, થાઈલેન્ડ, સિંગાપોર, ભૂટાન, કોલંબો જેવા ઈન્ટરનેશનલ સ્થળોની ડિમાન્ડ વધી છે. જ્યારે ડોમેસ્ટિક રાજસ્થાનના વિવિધ સ્થળોની સાથે ગોવા જનારા લોકોની સંખ્યા પણ સવિશેષ છે. એજરીતે યુવાનોમાં હવે એડવેન્ચર ટૂરિઝમની ડિમાન્ડ વધી રહી છે.
ગુજરાતીઓ 3 રાત અને 4 દિવસના ટૂર પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે
ટૂર ઓપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનુજ પાઠકે જણાવ્યું કે, ઓગસ્ટમાં કર્મચારીઓ ઓફિસમાં એકાદ દિવસની રજા રાખે તો તેમને મિનિ વેકેશન મળી રહે તેમ છે. આ સ્થિતિમાં ગુજરાતીઓ 3 રાત અને 4 દિવસના ટૂર પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે. ડોમેસ્ટિક સેક્ટરમાં ગોવા, ઉદયપુર, કુંભલગઢ, નાથદ્વારા, દીવ, સોમનાથ, ગીર, સાપુતારા, પોળો જેવા સેક્ટરની ડિમાન્ડ છે. જ્યારે ઈન્ટરનેશનલ સેક્ટરમાં દુબઈ, થાઈલેન્ડમાં ફુકેત, બેંગકોક અને પતાયા, સિંગાપોર, ભૂટાન, માલદીવ, કોલંબો જેવા સ્થળોની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. અન્ય એક ટૂર ઓપરેટર મનીષ શર્માએ જણાવ્યું કે, દેશના અનેક ભાગોમાં થઈ રહેલા વરસાદને પગલે દક્ષિણ ભારત સહિત અનેક ડેસ્ટિનેશન પર ટૂરિઝમને ફટકો પડ્યો છે. જો કે ઇન્ટરનેશનલ સેક્ટરની ડિમાન્ડ વધુ છે અને મોટાભાગના ડેસ્ટિનેશન્સ હાઉસફુલ થઈ ગયા છે.
30% ગુજરાતી રાજસ્થાન જાય છે
રાજસ્થાનમાં ફરવા જતાં દેશભરના ટુરિસ્ટમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ 30થી 35 ટકા છે. રાજસ્થાન ટૂરિઝમના એડિશનલ ડાયરેક્ટર સંજય પાન્ડેએ જણાવ્યું કે, આબુ ખાતે 80 ટકા, નાથદ્વારા ખાતે 50 ટકા, ઉદયપુર ખાતે 35 ટકાથી વધુ ગુજરાતીઓ ફરવા આવે છે. જેસલમેર, રણથંભોરમાં ગુજરાતી ટુરિસ્ટ આવે છે.
એડવેન્ચર ટૂરની માંગમાં વધારો
રાજ્યના યુવાનોમાં એડવેન્ચર ટૂરિઝમની ડિમાન્ડ વધી રહી છે. 20 ટકા જેટલા યુવાનોમાં બાઈક સફારી, જીપ સફારી, પેરા સેલિંગ, પેરા ગ્લાઈડિંગ, વોટર સ્પોર્ટ્સ, ટ્રેકિંગ વગેરેની ડિમાન્ડ વધી રહી છે. આગામી ત્રણ વર્ષમાં એડવેન્ચર ટૂરિઝમ ક્ષેત્રે જતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
બેંગકોકનું ભાડું 8 હજારથી વધી 20 હજાર થયું
સ્થળ | રેગ્યુલર ભાડું | વધેલું ભાડું (રૂ.માં) |
દુબઈ | 7500-10000 | 20000-22000 |
કોલંબો | 6000-8000 | 20000-22000 |
માલદીવ | 7000-8000 | 17000-18000 |
સિંગાપોર | 9000-10000 | 25000-28000 |
બેંગકોક | 7000-8000 | 18000-20000 |