ગાંધીનગર/ અમદાવાદ: ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત 1 નવેમ્બર, 2019થી ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાદયો અમલી કર્યો હતો. જ્યારે ગુજરાત સરકારે 4 ડિસેમ્બર, 2019ના રોજ કેબિનેટની બેઠકમાં ટુ-વ્હીલર માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું હતું. આ બેઠક બાદ રાજ્યના પરિવહનમંત્રી આર સી ફળદુએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે, કેબિનેટની બેઠક બાદ આજદિન સુધી ગુજરાત સરકારે કેબિનેટના આ નિર્ણયનો કોઈ પરિપત્ર જારી કર્યો નહોતો. હવે આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં ફેરવી તોળતા કહ્યું કે, ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે અને તેઓ મરજિયાત કરવા માગતા નથી તો હાઈકોર્ટે સરકારને એફિડેવિટ ફાઈલ કરીને આ બાબત રજૂ કરવા કહ્યું હતું.
રાજ્ય સરકારે પરિપત્ર ન કર્યો, પ્રેસનોટ દ્વારા જ હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યું
સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી એક પ્રેસ નોટ દ્વારા પહોંચાડાયો હતો.
કેન્દ્રના કાયદાને બદલવા વિધાનસભામાં પસાર કરેલો કાયદો રાષ્ટ્રપતિને મોકલવો પડે
કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ 254 (2) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ અહિંયા ગુજરાત સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરી દીધું હતું.
4 વર્ષ સુધીના બાળકને મુક્તિ, તેથી મોટાને ખોળામાં બેસાડો તો પણ હેલ્મેટ ફરજિયાત
સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ 1988 સેક્શન 129 મુજબ ટુ વ્હિલર ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું હોય છે. જેમાંથી 4 વર્ષ સુધીના બાળકો અને સુખ સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જે નિયમમાં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 1989માં ટુ વ્હિલર પાછળ બેસવાવાળી લેડીસ અને 12 વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવાવાળા બંનેને હેલ્મેટ ફરજિયાત હોઈ છે, ત્યારે ગુજરાતમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?
હેલ્મેટ અને સીટ બેલ્ટ ન બાંધવાથી બે વર્ષમાં મૃત્યુના બનાવ વધ્યા
કેન્દ્ર સરકારના આકડા મુજબ વર્ષ 2018માં ભારતમાં 43614 જેટલા લોકોનું હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવાથી મોત થયું છે. જ્યારે આ આંકડો વર્ષ 2016માં 35975 હતો એટલે 2 વર્ષમાં 9.10% મૃત્યુઆંક વધી ગયો છે.
કેન્દ્રના કાયદાને બદલવાની સત્તા રાજ્ય સરકાર પાસે નહીં
ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ છે.
સુરતના જાગૃત્ત નાગરિકે જાહેરહિતની અરજી કરી છે
હેલ્મેટ મામલે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં વકીલ રોક્યા વગર દલીલ કરવા માટે અરજદારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પિટન્ટ સર્ટિફિકેટ/ સક્ષમતા પ્રમાણ પત્ર પણ આપવામાં આવેલું છે. જેથી અરજદાર જાતે કોર્ટમાં જજ સામે પોતાની વાતો/દલીલો રજુ કરી શકે.
હેલ્મેટ મરજિયાત કરાઈ ત્યારે સરકારે આપેલા તર્ક
સુપ્રીમ કોર્ટની કમિટીએ રોડ સેફ્ટી માટે નક્કી કરેલા નિર્ણયનું પાલન કરવું જોઇએ
અરજદારે એવી દલીલ કરી છે કે રોડ સેફ્ટી મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી કમિટિએ તમામ રાજ્યોમાં નક્કી કરેલા નિયમોને આધિન રાજ્ય સરકારે નાગરિકોના હિતને ધ્યાને લઇને ફરજિયાત હેલ્મેટના કાયદાનું પાલન કરાવવું જોઇએ. ટૂ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બન્ને માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો હોવા છતાં સરકારે તેમાં રાહત આપી છે તે ગેરબંધારણીય છે.
હેલ્મેટ નહીં પહેરનાર માટે નક્કી કરેલા દંડનું પણ કડકપણે પાલન થવું જોઇએ
અરજીમાં એવી રજૂઆત કરી છે કે, રોડ સેફ્ટી માટે બનાવેલી કમિટીએ સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફરજિયાત હેલ્મેટના કાયદાનું યોગ્ય પાલન થતું નથી તેનો અત્યાર સુધી એક્શન ટેકન રિપોર્ટ માગવો જોઇએ.જેટલો દંડની રકમ નક્કી કરવામાં આવી છે.તેના કરતા ઓછો દંડ વસૂલતા રાજ્યો પાસે જવાબ પણ માગવો જોઇએ.
(નોંધઃ 'Divya Bhaskar' સ્પષ્ટપણે માનવું છે કે, ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનારે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત પહેરવું જ જોઈએ. આ માટે સરકારે બનાવેલા કાયદાનું ચુસ્તપણે પાલન થવું ટુ-વ્હીલર પર જતી વ્યક્તિના અમૂલ્ય જીવનને બચાવવા એટલું જ જરૂરી છે. 'Divya Bhaskar' આ સમાચાર લખીને કદી એવું પ્રસ્થાપિત કરવા માગતું નથી કે તેનો એવો કોઈ ઈરાદો નથી કે ટુ-વ્હીલર ચાલક કે પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું જરૂરી નથી.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.