તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gujarats New Port Policy: Currently Active 32 Captive Jetty Can Handle Third Party Cargo Without Any Restrictions

રાજ્યમાં હાલ કાર્યરત 32 કેપ્ટીવ જેટીઓ કોઇપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યના 1600 કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેક્ટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા નવી પોર્ટ પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્યમાં હાલમાં કાર્યરત 32 કેપ્ટીવ જેટીઓ કોઇપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે. એટલું જ નહીં, વર્તમાન કેપ્ટીવ જેટી પરવાનેદારો કાર્ગો હેન્ડલિંગની સુવિધાઓમાં વધારો કરવા, વિસ્તૃતિકરણ અને મોર્ડનાઇઝેશન માટે વધારાનું રોકાણ કરી શકશે. 

ગ્રુપ કંપની કાર્ગો હેન્ડલ કરવા માટેની છૂટ આપવાની જોગવાઇ 
ઔદ્યોગિક એકમો અને સહભાગીદાર કંપનીઓની સાનૂકુળતા માટે રાજ્ય સરકારે ગ્રુપ કંપની કાર્ગો હેન્ડલ કરવા માટેની છૂટ આપવાની જોગવાઇ પણ આ પોર્ટ પોલિસીમાં રાખી છે. હાલમાં કાર્યરત કેપ્ટીવ જેટી કંપની-ટર્મિનલ કંપનીઓ પોતાની ગ્રુપ કંપનીના કાર્ગો આ પોલિસી અંતર્ગત આવી જેટી પરથી હેન્ડલ કરી શકશે. 
    
વાર્ફેજ ચાર્જિસ બમણા ભરી બીજી કંપનીઓનો કાર્ગો પણ વહન કરી શકાશે
આ પોલિસી મુજબ હયાત કેપ્ટીવ જેટી સાથે થયેલા કરાર અનુસાર કેપ્ટીવ જેટી હોલ્ડરની બધી જ સુવિધાઓ ચાલુ રાખી નવા મૂડીરોકાણ, 50 ટકાથી વધારે થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરવાના દ્વાર પણ ખોલી આપ્યા છે. કેપ્ટીવ જેટી હોલ્ડર આ માટે વાર્ફેજ ચાર્જિસ બમણા ભરીને બીજી કંપનીઓનો કાર્ગો પણ વહન કરી શકશે.
 
નવા સાહસિકોને ઓછામાં ઓછું રૂ. 300 કરોડનું મૂડીરોકાણ કરવું પડશે
આ ઉપરાંત બંદરીય ક્ષેત્રમાં પણ કોઇ પણ ઊદ્યોગ સાહસિક ભાગ લઇ શકે તે માટે આ નવી નીતિમાં જોગવાઇ કરી છે. આ જોગવાઇઓ મુજબ ગુજરાત મેરિટાઇમ બોર્ડ સમયાંતરે EOI (એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ) બહાર પાડશે અને નવા સાહસિકોને ઓછામાં ઓછું રૂ. 300 કરોડનું મૂડીરોકાણ કરવું પડશે અને પાંચ મિલિયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવાની રહેશે. આ નીતિમાં એવું પણ સુચવવામાં આવ્યું છે કે, નવા સાહસિકો દ્વારા પસંદ કરવામાં આવેલ જેટીની જગ્યા હયાત જેટીથી ઓછામાં ઓછી 3 કિ.મી. દૂર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ખાનગી બંદરની પોર્ટ લિમિટની બહાર હોવી જોઇએ. 
રાજ્ય સરકારે દહેજ અને હજીરા બંદરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાને લઇ આ બે સ્થળોએ ખાસ કિસ્સામાં પ્રવર્તમાન જેટીથી ઓછામાં ઓછું 1 કિલો મીટર અંતર હોવું જોઇયે તેવી જોગવાઇ પણ કરી છે. 

નવી પોર્ટ પોલિસીના સંભવિત ફાયદાઓ
- કેપ્ટીવ જેટી પરના નિયંત્રણો દૂર થવાથી તેનો સર્વાંગી વિકાસ થશે 
- કમર્શિયલ પોર્ટ એકટીવીટીઝની ક્ષમતા 79.5 MMTPAથી વધી શકે 
- માળખાગત સુવિધાઓમાં રૂ. 4 હજાર કરોડથી વધુનું રોકાણ શક્ય બનશે 
- રાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનો સંભવિત હિસ્સો 41 %થી વધી 46% થઇ શકે
- રૂ. 70 હજાર કરોડથી વધુનો આર્થિક લાભ થઇ શકે
- સંભવિત રોજગારની 25 હજારથી વધુ તકોનું નિર્માણ થઇ શકે 
- ગુજરાત સરકારની સંભવિત આવક રૂ. 400 કરોડથી વધી શકે