અમદાવાદ / સરકાર, સંગઠન અને સ્વૈચ્છિક સંસ્થાઓ 'વાયુ' વાવાઝોડા સામે ખડેપગે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ગુજરાત ભાજપે તમામ બેઠકો રદ કરી
  • કોંગ્રેસ અને ભાજપે બચાવ કામગીરી માટે કન્ટ્રોલરૂમ શરૂ કર્યા
  • રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લોકોની મદદ કરવા કોંગ્રેસી કાર્યકરોને અપીલ કરી

Divyabhaskar.com

Jun 12, 2019, 02:45 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં આવનાર 'વાયુ' વાવાઝોડાથી થનાર સંભવિત નુકસાનને પહોંચી વળવાના આગોતરા આયોજનમાં સરકાર, સંગઠન અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ ખડેપગે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સાથે ભાજપ અને કોંગ્રેસ સંગઠન પણ સેવાકાર્યોમાં જોડાશે. આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટ અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ બન્યું છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજની ભાજપની તમામ બેઠકો રદ કરી છે. તેમજ દિલ્હી ખાતે યોજાનાર ભાજપની રાષ્ટ્રીય બેઠકમાં પણ હાજરી આપવાનું મુલતવી રાખ્યું છે. જ્યારે રાજ્યની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ફૂડ પેકેટ તૈયાર કરવા, રાહત સામગ્રી અને બચાવ કામગીરી સંબંધિત તમામ તૈયારીઓ કરી છે. માત્ર એટલું જ નહીં, જરૂર પડ્યે પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરી કરવા વોલેન્ટિયર્સ પણ તૈયાર થઈ ગયા છે.

કોંગ્રેસી કાર્યકરો તમામ ક્ષેત્રોમાં મદદ માટે તૈયાર રહેઃ રાહુલ ગાંધી
તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વાવાઝોડાને લઈ ટ્વિટ કર્યું કે, 'વાયુ' વાવાઝોડું ગુજરાતના તટ પર પહોંચવાનું છે, હું ગુજરાતના તમામ કોંગ્રેસી કાર્યકરોને અપીલ કરું છું કે, તેઓ તેના રસ્તામાં આવતા તમામ ક્ષેત્રોમાં મદદ માટે તૈયાર રહે. હું ચક્રવાતથી પ્રભાવિત થનારા ક્ષેત્રોના તમામ લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરુ છું.

કોંગ્રેસે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો
આ સિવાય ગુજરાત કોંગ્રેસે રાહત કામગીરી માટે પણ પ્રદેશ કાર્યાલય ખાતે 12 અને 13 જૂનના રોજ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમના ટેલિફોન નંબર(079)26585099 અને 26578212 છે.

ભાજપની વિવિધ બેઠકો મોકૂફ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 24થી 48 કલાકમાં વાયુ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે યોજાનાર વિસ્તારકોની બેઠક તેમજ ભાજપ કિસાન મોરચાની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
ભાજપે રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલરૂમ શરૂ કર્યા
તેની સાથે સાથે ભાજપ દ્વારા વાવાઝોડાગ્રસ્ત નાગરિકોની સહાય માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ટેલિફોન નંબર ગાંધીનગર કંટ્રોલરૂમ (ભાજપા પ્રદેશ કાર્યાલય) 079 23276943 અને 07923276944, સૌરાષ્ટ્ર કંટ્રોલરૂમ (રાજકોટ ભાજપ કાર્યાલય)0281 2239685 અને 0281 2237500 છે.

મંત્રીઓ, અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ કામે લાગ્યા

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજકોટ હેડક્વાર્ટ બનાવીને સૌરાષ્ટ્રનાં જિલ્લાના ભાજપ સંગઠન સાથે સંકલન કરશે. વાયુ વાવાઝોડાનો સામનો કરવા અને પૂર્વ તૈયારીનાં ભાગરુપે મુખ્યમંત્રી વિજય રુપાણીની આગેવાનીમાં મંત્રીમંડળનાં તમામ સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ, તમામ વિભાગનું સરકારી તંત્ર કામે લાગ્યું છે.

આ સિવાય જીતુ વાઘાણીએ નુકશાન સંભવિત વિસ્તારમાં લોકોનાં સ્થળાંતર અને ફૂડપેકેટ વગેરેની વ્યવસ્થામાં તમામ કાર્યકરોને જોડાવવાં સૂચનાઓ આપી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી