‘વાયુ’ / પાણી પહેલા પાળ બાંધી, વાવાઝોડા સામે સતત 24 કલાકથી રૂપાણી સરકાર ખડેપગે

  • મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત વહિવટી તંત્રની કામગીરી પર નજર રાખી રહ્યા છે
  • લોકોને સ્થળાંતર કરવાની કામગીરી બપોરે 3 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા સૂચના
  • વડાપ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં

Divyabhaskar.com

Jun 12, 2019, 04:15 PM IST

ગાંધીનગરઃ ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠે ત્રાટકી રહેલા ‘વાયુ’ વાવાઝોડામાં સૌથી ઓછું નુકસાન અને કોઇ જાનહાની ન થાય એ માટે રાજ્ય સરકાર છેલ્લા 24 કલાકથી ખડેપગે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત વહિવટી તંત્રની કામગીરી પર નજર રાખી રહ્યા છે અને જરૂરી સૂચનો આપી રહ્યાં છે. વાવાઝોડામાં પ્રભાવિત થનારા તમામ જિલ્લાઓમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહીને પ્રાથમિકતા આપવાની સૂચના આપવામાં આવી છે અને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની તીવ્રતાને જોતા સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લામાં દરિયાકાંઠાથી 10 કિ.મી.ના વિસ્તારમાં કાચા મકાનો, અર્ધપાકા અને પાકા મકાનો સહિત નિચાણવાળા વિસ્તારના તમામ લોકોને ફરજિયાત સલામત સ્થળે સ્થળાંતર કરવા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. મોટાભાગે બુધવારે એટલે કે આજે મધ્યરાત્રીએ આ ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠે પ્રતિ કલાક 120 કિ.મી.ની ગતિએ ત્રાટકશે. જેની ગતિ 155 કિ.મી. સુધી જવાની સંભાવનાઓ છે.

દરિયામાં મોજા પણ 7થી 8 ફૂટ ઉંચા ઉછળવાની શક્યતા જોતા રાત્રે પણ સંપૂર્ણ સતર્કતાથી કાર્યરત રહેવાની સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપી છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં જરૂર પડ્યે કડક હાથે કામ લઇને પણ સ્થળાંતરણ માટેની ખાસ સૂચનાઓ આપતા કહ્યું છેકે ઓછામાં ઓછું જાન-માલને નુકસાન થાય એ રીતે ઝીરો ટોલરન્સથી આ આપદા સામે કામ કરવાનું છે.

સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળા-કોલેજોમાં રજા રાખવાનો નિર્ણય
સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળા-કોલેજોમાં 12 અને 13 જૂન દરમિયાન રજા રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. આ 10 જિલ્લામાં પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છનો સમાવેશ થાય છે.

રાજ્ય મંત્રીમંડળની કેબીનેટ બેઠક મોકૂફ
સંભવિત વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની કેબીનેટ બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય મંગળવારે મોડી રાત્રે કર્યો હતો. રાજ્યના મંત્રીઓ જિલ્લાઓમાં પહોંચીને તંત્રનું માર્ગદર્શન કરી શકે તે હેતુથી કેબિનેટ મુલત્વી રાખવામાં આવી છે. બધુવારે યોજાનારી રાજ્યના સાંસદોની ગાંધીનગરની બેઠક પણ મુલત્વી રાખવામાં આવી છે.

પ્રવાસીઓને સલામત સ્થળે ખસી જવા અનુરોધ
આ સાથે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ એવી અપીલ કરવામાં આવી છેકે સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર અને સાગરકાંઠાના પ્રવાસનધામોમાં રહેલા પ્રવાસીઓને આ વિસ્તારો છોડી દેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કર્યો છે. આવા પ્રવાસીઓને જરૂર જણાયે ખાસ બસ માટે સંબંધિત જિલ્લાના એસટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા જણાવાયુ છે. આ પ્રવાસીઓની સલામતી અને અન્યત્ર ખસેડવાની સૂચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્રને આપવામાં આવી છે.

વડાપ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં
‘વાયુ’ વાવાઝોડાની અસર પામનારા સૌરાષ્ટ્ર વિસ્તારના હવાઈ મથકો, યાત્રાધામોની બસ સેવા તેમજ દરિયાકાંઠા વિસ્તારના રેલવે સ્ટેશન અને પોર્ટ્સ પર યાતાયાત સેવાઓ અને ઓપરેશન આગોતરી તકેદારીના પગલાંરૂપે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી રૂપાણી અને ના. મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું છેકે, વડાપ્રધાન કાર્યાલય તેમજ ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે અને જરૂરી તમામ મદદ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી