વાયુ સાયક્લોન / વાવાઝોડું સવારને બદલે બપોરે ત્રાટકશે, વેરાવળને બદલે પોરબંદર તરફ ફંટાયુ

  • હવે વાવાઝોડું 13 જૂનના રોજ સવારને બદલે બપોરે ત્રાટકી શકે છે.
  • સંભવિત વાવાઝોડા સંદર્ભે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટ તંત્ર સજ્જ 
  • ફિશરીઝ, જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, સિંચાઇના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંકલન 

 

Divyabhaskar.com

Jun 13, 2019, 12:33 AM IST

અમદાવાદઃ 'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું 13 જૂનના રોજ સવારને બદલે બપોરે ત્રાટકી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રે 11 વાગ્યાની આસપાસ તેઓ કન્ટ્રોલરૂમની મુલાકાતે આવ્યા હતા. કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યું હતું.

'વાયુ' વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે. જેને લઈ રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત 10 જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં બપોર સુધીમાં 2.15 લાખથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજ્યભરમાં 1,216 જેટલાં આશ્રયસ્થાનો ઉભા કર્યા છે. જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાશે.

કંટ્રોલ રૂમની મુલાકાતે રૂપાણી, અધિકારીઓ સાથે સીએમની સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ તેઓ કન્ટ્રોલરૂમની મુલાકાતે આવ્યા હતા. કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સાથે રૂપાણીએ સમીક્ષા બેઠક કરી છે, જેમાં દરિયાકાંઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરી રહ્યાં છે.

મુખ્ય કન્ટ્રોલ રૂમમાં 14 સીનિયર IAS અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું મોનિટરિંગ
પંકજ કુમાર મુજબ, ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં 14 જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે.

કલેક્ટર, DDO અને પોલીસ દ્વારા પૂર ઝડપે કામગીરી
પંકજ કુમારે વધુમાં કહ્યું કે, રાજ્યના દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને 'વાયુ' વાવાઝોડાની અસર થવાની છે. આ વાવાઝોડું મધરાત્રે દરિયાકાંઠે ટકરાય એવી સંભાવના હોવાથી માટે ત્યાં જાન-માલને નુકસાન ન થાય એ માટે સ્થળાંતર જ એક વિકલ્પ હોવાથી સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી થઈ રહી છે.

NDRFની 47, SDRFની 11 અને આર્મીની 34 ટીમો કાર્યરત
પંકજ કુમારે આગળ કહ્યું કે, રાજ્યમાં ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા તથા રાહત બચાવની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 47 જેટલી એન.ડી.આર.એફ.ની ટીમો ફાળવી દેવાઇ છે. જે 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. આ જ રીતે એસ.ડી.આર.એફ.ની 11 ટીમો અને મરિન પોલીસ પણ સ્ટેન્ડ ટૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત આર્મીની 34 ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી