GADના વિવાદાસ્પદ ઠરાવ અને પેપરલીક થવાને કારણે 9 ભરતી પ્રક્રિયા અટકી, બેરોજગારોમાં આક્રોશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક વર્ષથી સરકારી ભરતી પરીક્ષાઓ રાજ્ય સરકાર માટે ‘અગ્નિ પરીક્ષા’ સાબિત થઈ રહી છે. આ ભરતી પરીક્ષાઓ ગેરરીતિથી લઈ અનામત જેવા કોઈને કોઈ કારણોસર રદ થઈ છે અથવા તો સ્થગિત કરવામાં આવી છે. LRD ભરતીમાં મહિલાઓને અન્યાય મુદ્દે અઢી મહિના સુધી આંદોલન કર્યા બાદ ગુજરાત સરકારે 16 ફેબ્રુઆરીએ સામાન્ય વહીવટ વિભાગ-GADના 1 ઓગસ્ટ 2018ના વિવાદાસ્પદ ઠરાવનો અમલ સ્થગિત કર્યો હતો. LRD ભરતીમાં 5227 સુપર ન્યુમરરી જગ્યાઓ ઉભી કરી તમામ વર્ગના મેરિટ ધરાવતા મહિલા ઉમેદવારોઓને સમાવી લેવાના નિર્ણય કર્યાના બે સપ્તાહ પછી પણ પ્રક્રિયા આગળ વધી શકી નથી. હાલ ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોવાથી સચિવાલયમાં રજૂઆત કરવા આવતા યુવાનોને પોલીસ અટકાવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારે હવે GADનો ઠરાવ હાઈકોર્ટમાં ન્યાયાધિન હોવાનું જણાવીને હાથ અધ્ધર કરતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લાખો બેરોજગારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાઇકોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી ભરતી નહીં થાય
ઊલટાનું સરકારે મહિલાઓની જગ્યા વધારવા વિવિધ કેટેગરીમાં કટ ઓફ મેરિટથી નજીકનું મેરિટ ધરાવતા પુરુષ ઉમેદવારો પણ પોતાની જગ્યા વધારવા આંદોલન કરી રહ્યા છે. GADના વિવાદાસ્પદ ઠરાવ સંદર્ભે સરકારે પહેલા આંશિક સુધારો કરવાનું જાહેર કર્યું, પછી હાઈકોર્ટમાં નવા ઠરાવ સંદર્ભે નિવેદન આપ્યું અને છેલ્લે સ્વમેળે તેનો અમલ જ સ્થગિત કરતા GPSC, ગૌણ સેવા-પંચાયત સેવા પંસદગી મંડળ સહિતના સંસ્થાઓએ ભરતી પ્રક્રિયા અટકાવી છે. આ નિર્ણયથી આઠથી વધુ ભરતી પ્રક્રિયા અટકી પડતા લાખો ઉમેદવારોની અકળામણ વધી છે.

રદ થયેલી બિન સચિવાલયની પરીક્ષાની નવી તારીખ પણ જાહેર થઈ નથી
ગૌણ સેવા પસંદગી મંડળમાં બે વર્ષથી ધક્કે ચઢેલી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા બબ્બે વખત રદ કરી હતી. જેમાં પહેલા લાયકાત બદલવા મામલે અને ત્યારપછી લેવાયેલી પરીક્ષામાં પણ પેપરલીક અને ચોરીઓ કારણે પરીક્ષા રદ કર્યા બાદ ગુજરાત સરકાર આ ભરતી માટે નવી પરીક્ષાની તારીખ પણ જાહેર કરતી નથી. 10 લાખથી વધુ યુવા ઉમદેવારો ધરાવતી આ ભરતી સંદર્ભે યુવાનોની માંગણી છે કે GADના ઠરાવમાં જે નિર્ણય આવે તે પણ સરકાર પહેલા પારદર્શકપણે પરીક્ષા તો યોજે, પછી ઈચ્છે ત્યારે મેરિટ તૈયાર કરે. જેથી અમારી મહેનત અને ફોકસ બદલાય નહી. 

આ ભરતી પ્રક્રિયાઓ લટકી પડી
- GPSCની ક્લાસ I-IIમાં ઓક્ટોબર’19માં પ્રિલિમ પછી જાન્યુઆરી’20માં મેરિટ આવ્યા પછી મુખ્ય પરીક્ષા સ્થગિત.
- Dy.SO ઓગસ્ટ’19માં ડિસેમ્બરમાં પ્રિલિમ પરીક્ષા લેવાયા પછી ફેબ્રુઆરી’20માં જાહેર થનારૂં પરિણામ પણ અટક્યું.
- MGVCL સહિતની ચારેય વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયક માટે ડિસેમ્બર’19માં ફોર્મ ભર્યા બાદ પરીક્ષા રદ.
- કૃષિ યુનિવર્સિટીઓએ ક્લાર્કની ભરતી કરી તેમાં GADનો 1 ઓગસ્ટ 2018નો ઠરાવ અમલ કરતા વિવાદ વકર્યો.
- TAT પાસ 7 હજાર શિક્ષકોની ભરતી નવેમ્બર’19માં જાહેર કર્યા પછી ભરતી પ્રક્રિયા શરૂ થતા ઉમેદવારોનું આંદોલન.
- શિક્ષણ વિભાગે દિવાળી પછી 3000 શિક્ષકો ભરતી કરવાની જાહેરાત કર્યા પછી કોઈ જ પ્રક્રિયા ન થઈ.
- GPSCએ 266 આસિ. પ્રોફેસર ક્લાસ-IIની મુખ્ય પરીક્ષા લીધી ઈન્ટરવ્યૂ શરૂ થાય ત્યાં જ પ્રક્રિયા અટકાવી દીધી.
- 1098 જૂનિયર ક્લાર્ક સપ્ટેમ્બર’19, 431 સિનિયર ક્લાર્ક માટે ઓગસ્ટ’19માં પ્રસિદ્ધ ભરતી જાહેરાત લટકી.
- અન્ન નાગરિક પુરવઠા નિગમમાં સિનિયર આસિસ્ટન્ટની ભરતીમાં ફાઈનલ રિઝલ્ટ પણ અટકાવી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...