એલર્ટ / ગુજરાતમાં આતંકી હુમલાના ભયને લઈને પોલીસ વડાનો અધિકારીઓને આદેશ, હથિયારો ચકાસીને સાથે રાખવા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • IBએ ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો
  • પોલીસ પેટ્રોલિંગ વાહનોમાં પણ હથિયાર સાથે રાખવાનો આદેશ 
  • જો હથિયારમાં ખામી હોય તો હેડ ક્વાર્ટરમાં બદલાવી લેવા

Divyabhaskar.com

Aug 13, 2019, 03:19 PM IST

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અને 15મી ઓગસ્ટને અનુલક્ષીને દેશભરના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે. IBને મહત્વના ઈનપુટ મળ્યા છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. આ સંદર્ભે IBએ ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આ આતંકી હુમલાના ઈનપુટને પગલે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ તમામ પોલીસ અધિકારીઓને ચકાસણી કરીને હથિયાર સાથે રાખવાનો આદેશ કર્યો છે. તેની સાથે સાથે પોલીસ પેટ્રોલિંગ વાહનોમાં પણ હથિયાર સાથે રાખવાનો આદેશ આપી કહ્યું કે, જો હથિયારમાં ખામી હોય તો હેડ ક્વાર્ટરમાં બદલાવી લેવા.

યાત્રાધામો અને બોર્ડર પર પેટ્રોલિંગ વધાર્યું
ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આગામી સ્વાતંત્ર્યદિન તથા પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામ અને બૉર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ
ગુજરાતમાં પણ કોઇપણ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે. તેમજ જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ કચ્છ-ભુજ બોર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપી દરિયાઇ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસ.ટી બસ સ્ટોપ પર ચેકિંગ
કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી 70 વર્ષ જૂની 370ની કલમ હટાવી હોવાથી આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે. જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જે પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી