તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gujarat Cricket Association Elections, Parimal Nathwani's Son Dhanraj Vice president

ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી, પરિમલ નથવાણીનો પુત્ર ધનરાજ ઉપપ્રમુખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમિત શાહે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું
  • નવા પ્રમુખના નામની જાહેરાત ના કરવામાં આવી

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં ઉપપ્રમુખ અને બીજા હોદ્દાઓની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કિક્રેટ એસોસિએશનના ઉપપ્રમુખ પદે પરિમલ નથવાણીના પુત્ર  ધનરાજ નથવાણીની વરણી કરવામાં આવી છે. સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી થઇ છે.

ધનરાજ બન્યા ઉપપ્રમુખ
જૂની ટર્મના ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કમિટીના નિયમ અનુસાર ઉપપ્રમુખ પદને છોડી રહ્યા છે. જોકે હવે તેમનું સ્થાન દીકરા ધનરાજે લીધું છે. ધનરાજે ઉપપ્રમુખ બન્યા બાદ જણાવ્યું હતું કે,‘ મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ હું GCAના તમામ સભ્યોનો આભારી છું અને નમ્રતાપૂર્વક આ મોટી જવાબદારી સ્વીકારું છું. વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના નિર્માણના પ્રોજેક્ટની પૂર્ણતા અને તેને વિશ્વભરમાં ક્રિકેટ માટે સૌથી પસંદગીનું સ્ટેડિયમ બનાવવાનું કાર્ય મારા માટે અગ્રતાક્રમે રહેશે. GCAના પ્રેસિડેન્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પરિમલ નથવાણી અને જોઇન્ટ સેક્રેટરી તરીકે જય શાહની ખૂબ જ મહેનત અને લગનથી નવનિર્માણ પામી રહેલા સ્ટેડિયમનું 90 ટકા સુધીનું બાંધકામ પૂર્ણ થઇ ચૂક્યું છે. GCAની સમિતિના સૌ સાથી સભ્યોની મદદ અને સહકારથી આ કાર્ય પૂર્ણ કરવાને હું પ્રાથમિકતા આપીશ.’

પ્રમુખ પદ જાહેર કરવામાં મોડું થવાની શક્યતા
નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનતા તેમની પછી  ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ બનેલા અમિત શાહે જીસીએના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. અમિત શાહના નેતૃત્વમાં જ પરિમલ નથવાણીએ મોટેરા સ્ટેડિયમના નવીનીકરણના પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જે હવે પૂર્ણતાના આરે છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કરવાનું સ્વપ્ન પીએમ મોદીએ જોયું હતું, જે અમિત શાહ અને પરિમલ નથવાણીએ આગળ વધાર્યું હતું.  શનિવારે યોજાયેલી એજીએમ અગાઉથી ચર્ચા હતી કે અમિત શાહના દીકરા જય શાહનું નામ નવા પ્રમુખ તરીકે લગભગ નિશ્ચિત જ છે. જોકે હાલ પ્રમુખ પદ માટે કોઈના પણ નામની જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ક્રિકેટ એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઈલેક્ટોરલ ઓફિસર વરેશ સિન્હાની હાજરીમાં જીસીએના નવા હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જોકે પ્રમુખ પદની નામની જાહેરાત થવામાં હજુ સમય લાગી શકે છે.

પ્રમુખ પદ માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે
‘હાલ પ્રમુખ પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. તેની પ્રક્રિયા ટૂંકસમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ ઈલેક્ટોરલ ઓફિસર વરેશ સિન્હાએ જણાવ્યું હતું. જોકે આ માટે હજુ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.’ - અનિલ પટેલ, જીસીએના નવા જોઈન્ટ સેક્રેટરી