• Gujarati News
  • National
  • Gujarat Binsachivalay Exam Controversy, SIT Deadline Today But Decision May Come On 17th December

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થશે, ગેરરીતિની થઈ હોવાની વાત SIT એ સ્વીકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે કરેલા આંદોલન દરમિયાન પરીક્ષાર્થીઓ - Divya Bhaskar
બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે કરેલા આંદોલન દરમિયાન પરીક્ષાર્થીઓ
  • આજે મળેલી બેઠકમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો
  • SIT રિપોર્ટના આધારે પરીક્ષા રદ્દ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી પર છોડવામાં આવ્યો
  • પરીક્ષા રદ કરવા અંગે સોમવારે મોટી જાહેરાત થઈ શકે છે

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનું સરકારની તપાસ સમિતિએ સ્વીકાર્યું છે અને આ પરીક્ષા રદ્દ જાહેર થઇ શકે છે. ભરતી પરીક્ષામાં બેઠેલાં  ઉમેદવારોએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાનું એસઆઇટીની તપાસમાં ખૂલ્યું છે. પેપરમાં ગેરરીતિના આક્ષેપો બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે તપાસ ટીમ રચી હતી તેને દસ દિવસમાં પોતાનો અહેવાલ તૈયાર કરવાનો હતો તેની મુદ્દત શનિવારે પૂર્ણ થઇ છે. એસઆઇટીએ શનિવારે જ આ મુજબનો અહેવાલ તૈયાર કરી દીધો છે.

સરકાર ઉચિત નિર્ણય લેશે
આ સાથે જ ટૂંક સમયમાં સરકારે રચેલી ખાસ તપાસ ટીમ(એસઆઇટી) મુખ્યમંત્રીને પરિક્ષામાં વિવિધ કેન્દ્રો પર ગેરરીતિ થઇ હોવાનો અહેવાલ આપી પરીક્ષા રદ્દ કરવાની ભલામણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તરત જ આ મુદ્દે કાર્યવાહી કરશે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે હજુ મને એસઆઇટીએ પોતાનો તપાસ અહેવાલ સોંપ્યો નથી, પણ જેવો અહેવાલ મળશે કે તરત જ સરકાર તેનો અભ્યાસ કરી ઉચિત નિર્ણય લેશે.

એસઆઇટીએ વાત સ્વીકારી
આ દરમિયાન એસઆઇટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લીપ ચકાસી હતી અને તેની ખરાઇ માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વિડીયો ફૂટેજની ક્લીપ સાચી હોવાનું માલૂમ થયું છે. તે સિવાય વિદ્યાર્થીઓએ સરકારને અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વ્હોટ્સએપ્પ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું. એસઆઇટીએ આ બાબતની ખરાઇ કરતા તે પણ સાચી હોવાનું ફલિત થયું છે.

SITએ મુખ્યમંત્રીને ભલામણ કરી
એસઆઇટીના એક સભ્યના જણાવ્યા અનુસાર પેપર શરુ થયાની છઠ્ઠી મિનિટે જ આમ થયું હોવાથી તે ગેરરીતિનો કિસ્સો ગણાશે, પરંતુ પેપર ફૂટી ગયું તેમ નહીં કહેવાય. પરીક્ષા શરુ થયાના પહેલા જો આ રીતે પેપર અનધિકૃત વ્યક્તિના હાથમાં આવી ગયું હોય કે પરીક્ષા કેન્દ્ર બહાર પહોંચ્યું હોય તેવા કિસ્સામાં જ તેને પેપર લીક થયું કહેવાય તેવો પરીક્ષાનો નિયમ છે. આથી એસઆઇટીએ તમામ કિસ્સાને ગેરરીતિ તરીકે નોંધીને જ મુખ્યમંત્રીને ભલામણ કરી છે.

આ અગાઉ લાયકાતના મુદ્દે પરીક્ષા મોકૂફ રખાઇ હતી
આ અગાઉ આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત ધોરણ-12ને બદલે સ્નાતકની કરવા સરકારે પરીક્ષા મોકૂફ કરી નવી તારીખો જાહેર કરી હતી. પરંતુ તેમાં પણ પરિક્ષાર્થીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કરતાં સરકારે તે જાહેરાત પણ રદ્દ કરી ભરતી માટે ધોરણ-12 પાસની લાયકાત યથાવત્ રાખી હતી.

કોંગ્રેસ પરિક્ષાકેન્દ્રો પરની ગેરરીતિના ફૂટેજ બહાર લાવી હતી
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ત્રીજી ડિસેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ભરતી પરિક્ષામાં થયેલી ગેરરીતિના વિડીયો ફૂટેજ જાહેર કર્યાં હતાં. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારમાં રહેલાં કેટલાંક લોકોના મેળાપીપણાથી જ પરિક્ષામાં બેફામ ગેરરીતિઓ થઇ હતી.

શું છે કિસ્સો?
બિનસચિવાલય ક્લાર્કની ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 17 નવેમ્બરે યોજાયેલી ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પરથી સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ્દ કરવાની માગ થઇ. તેની સામે ચોથી ડિસેમ્બરે સરકારે તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ સોંપી હતી.

5 ડિસેમ્બરે SITની રચના થઈ હતી
આ પહેલા 4 ડિસેમ્બરના રોજ પરીક્ષાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું. જેને પગલે રાજ્ય સરકારે 5 ડિસેમ્બરના રોજ SITની રચના કરી 10 દિવસમાં રિપોર્ટ આપવાની જાહેરાત કરી હતી. આ મામલે આજે DivyaBhaskar દ્વારા આંદોલનની આગેવાની લેનારા યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે રચેલી SIT સમક્ષ ઉમેદવારો વતી ચારેય આગેવાનોની બે વખત બેઠક મળી હતી. જેમાં આંદોલનકારીઓએ પેપરલીકના તેમજ ગેરરીતિના પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમજ પુરાવારૂપે આપેલા મોબાઈલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...