અમદાવાદ  / બાળકો પાસે ભીખ મંગાવવા અને ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ, 17 બાળકોને રેસ્ક્યુ કરાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • મહિલા ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાં મકાનમાંથી બાળકો મુક્ત કરાવ્યા
  • મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી

Divyabhaskar.com

Jul 11, 2019, 10:31 PM IST

અમદાવાદ: શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચાર-પાંચ લોકોની ગેંગ આ રેકેટ ચલાવતી હોવાનું પોલીસ માની રહી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું મોટું રેકેટ બહાર આવે શકયતા છે.

8 મહિનાથી લઈ 20 વર્ષ સુધીના 17 બાળકો

શહેરમાં અલગ અલગ જગ્યાએ નાના બાળકો અને સગીર પાસે ચોરીના બનાવો બનતા હોય છે. બે મહિના અગાઉ વટવા પોલીસે ચોરીના ગુનામાં બે સગીરાઓની ધરપકડ કરી હતી. બંને સગીરામાં કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે વટવા વિસ્તારમાં તેઓની પાસે આનંદી સલાટ નામની મહિલા ચોરી અને ભીખ મંગાવે છે. અનેક બાળકોને તે ભીખ માંગવા મોકલે છે અને મજૂરી કરાવે છે. મહિલા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. ગઈકાલે મોડી રાતે મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં 8 મહિનાથી લઈ 20 વર્ષ સુધીના 17 બાળકો મળી આવ્યા હતા. આનંદી સલાટ નામની મહિલાને પોલીસે ઝડપી લીધી હતી.

કામ ન કરે તો માર મારતા

મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મીની જોસેફે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી મહિલા બાળકો પાસે ચોરી અને ભીખ મંગાવતી હતી. 17 બાળકો તેની પાસેથી મળી આવ્યા છે. આ બાળકો તેના અને તેના સંબંધીના હોવાનું તે જણાવી રહી છે પરંતુ હાલ તેની તપાસ ચાલુ છે. તેનો અન્ય એક સાગરીત છે જે તેને મદદ કરતો હતો. આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી એક બાળકીએ જણાવ્યું હતું કે તેની પાસે કામ અને ભીખ મંગાવતા હતા. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા. પોલીસે હાલ આ બાળકો અંગે તપાસ શરૂ કરી છે કે આ બાળકો ગુમ થયેલા બાળકોમાંથી કોઈ છે કે કેમ?

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી