અમદાવાદઃ ઓક્ટોબર 2018થી જાન્યુઆરી 2019 સુધીમાં ત્રણ ત્રણ હત્યાઓ કરનારો ગાંધીનગરનો સિરિયલ કિલર મદન ઉર્ફે મોનિશ માલી હાલ પોલીસના કબ્જામાં છે. 15 સપ્ટેમ્બરના રોજ ઝડપાયેલા સિરિયલ કિલરની સીઆઈડી ક્રાઈમ દ્વારા પૂછપરછ કરવામાં હતી. આ પૂછપરછમાં સિરિયલ કિલરે ત્રણ નહીં પણ ચાર હત્યાઓ કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીને સ્કેચ જાહેર થયા બાદ પકડાવાનો ડર લાગતા પોતાને ઓળખતા એક માત્ર વેપારીની હત્યા કરી હતી.
મૃતક વેપારી વિશાલ પાસે એક વર્ષથી કોઈ કામ નહોતું
આરોપી મદન ઉર્ફે મોનિશ માલીએ પૂછપરછ દરમિયાન ત્રણ હત્યાઓ કરી લૂંટેલા સોનાના દાગીનાઓ વિરાટનગરમાં રહેતા વિશાલ પટેલને વેચ્યા હતા. જેને પગલે સીઆઈડી ક્રાઈમે વિશાલ પટેલ અંગે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન વિશાલ ગણપતભાઈ પટેલ 138 શ્યામ,શ્યામ પાર્ક સોસાયટી, સરદાર ચોકમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ વિશાલ વિરાટ નગરમાં અગાઉ સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી કોઈ જ કામ ધંધો કરતો નહોતો. તેમજ વિશાલ પટેલ 27 જૂન 2019થી ગુમ થયો હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરતા આ કેસના અનેક રહસ્ય બહાર આવવા લાગ્યા.
વિશાલ બહેની ગાડી લઈ ગુમ થયો અને ક્યારેય પાછો ના આવ્યો
વિશાલના ગુમ થવા બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ થઈ હતી. ત્યાર બાદ પોલીસે આ કાગળો મગાવી તેનો સઘન અભ્યાસ શરૂ કર્યો અને જાણવા મળ્યું કે, વિશાલ પટેલ 27 જૂન 2019ના રોજ તેની બહેન સોનલના ઘરે જઈ તેમની ઈકો ગાડી નંબર-GJ-1-KU-2985 લઈ ગુમ થયો છે. ત્યાર બાદ પોલીસની શંકા વધુ ઘેરી બની અને સિરિયલ કિલરની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા આરોપીએ જણાવ્યું કે, તેના વિરૂદ્ધ જાહેર થયેલા ઈનામ તથા સ્કેચ જાહેર થયા હતા. જેથી તેને આ પૃથ્વી પર માત્ર વિશાલ પટેલ જ એક માત્ર ઓળખતો હોવાથી તેનું કામ તમામ કરવાની મનમાં ગાંઠ વાળી.
સિરિયલ કિલરે લોકલ ફોન પરથી વિશાલને ફોન કરી બોલાવ્યો
ત્યાર બાદ સિરિયલ કિલરે વિશાલને કૃષ્ણનગરમાંથી લોકલ ફોન પરથી ફોન કરી કઠવાડા જીઆઈડીસીમાં મળવા બોલાવ્યો અને વિશાલ કંઈ સમજે તે પહેલા તેના માથામાં ગોળી મારી દેતા વિશાલનો દેહ નિશ્ચેતન બની ગયો. ત્યાર બાદ આરોપીએ વિશાલ પટેલની લાશ દાસ્તાન સર્કલ નજીક અવાવરુ ગટરમાં ફેંકી દીધી અને તેની ઈકો ગાડી દહેગામ જતા રોડ રોડ પર આવેલી કેનાલની બાજુમાં આવેલી અવાવરુ જગ્યામાં પેટ્રોલ છાંટી સળગાવી દીધી.
સીઆઈડી ક્રાઈમને ઈકો ગાડી મળી, લાશની શોધખોળ ચાલુ
સિરિયલ કિલરની આ કબૂલાત બાદ સીઆઈડી ક્રાઈમે સ્થળ પર જઈ તપાસ કરતા દહેગામ જતા રોડ પર આવેલી કેનાલની બાજુમાંથી એક સંપૂર્ણ સળગેલી ઈકો ગાડી મળી આવી. જેની ટેકનિકલ ખરાઈ કરતા તેનો ચેસિસ નંબર વિશાલ પટેલ જે ગાડી સાથે ગુમ થયેલો તેની સાથે મળતા હોવાનું સામે આવ્યું. આમ હવે સીઆઈડી ક્રાઈમ કૃષ્ણનગર પોલીસ સાથે મળીને એફ.એસ.એલ.ની મદદથી મૃતકની લાશ શોધી રહી છે.
મદને ક્યારે કોની હત્યા કરી હતી?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.