અમિત જેઠવા / ફાર્માસિસ્ટમાંથી RTI એક્ટિવિસ્ટ, એક સમયે દીનુ બોઘા અને જેઠવા ગાઢ મિત્રો હતા

પત્ની  અલ્પા અને દીકરી આરોહી તથા દિકરા અર્જુન સાથે અમિત જેઠવાની ફાઈલ તસવીર
પત્ની અલ્પા અને દીકરી આરોહી તથા દિકરા અર્જુન સાથે અમિત જેઠવાની ફાઈલ તસવીર

 

  • જેના(દિનુ બોઘા) બંગલો પર રોકાતા તેણે જ હત્યા કરાવી
  • 1993માં રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજમાંથી ડી-ફાર્મ કર્યું
  • 19 માર્ચ 1996ના રોજ ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે જોડાયા
  • સામુહિક આરોગ્ય કેન્દ્રની નોકરી દરમિયાન અનેક વિવાદો થયા

Divyabhaskar.com

Jul 11, 2019, 02:34 PM IST

અમદાવાદઃ ગીર નેચર યુથ કલબના સ્થાપક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યામાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. અમિત જેઠવા અને દિનુ બોઘા વચ્ચે પહેલી ટક્કર ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રની નોકરી દરમિયાન થઈ હતી. જો કે બાદમાં બન્ને વચ્ચે ખૂબ સારા સંબંધો થઈ ગયા હતા. માત્ર એટલું જ નહીં, એક સમયે અમિત જેઠવા ગાંધીનગરની મુલાકાત વખતે દિનુ બોઘાના બંગલો પર જ રોકાતા હતા.

ડી-ફાર્મ કર્યા બાદ ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહેલી નોકરી
અમિત જેઠવાનો જન્મ અમરેલીના ખાંભામાં ભીખાલાલ કલ્યાણજીના ઘરે થયો હતો. તેમણે 1993માં રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજમાંથી ડીપ્લોમા ઈન ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ 19 માર્ચ 1996ના રોજ ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તેમને જુનિયર ફાર્માસિસ્ટ તરીકે નોકરી મળી હતી. આ દરમિયાન અમિત જેઠવાએ અલ્પા નામની યુવતી સાથે લગ્ન કર્યા અને આરોહી તથા અર્જુન નામના સંતાનોના પિતા બન્યા.

સામુહિક આરોગ્ય કેન્દ્રની નોકરી દરમિયાન વિવાદો થતા સસ્પેન્ડ થયા
ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્રની નોકરી દરમિયાન તેની કામગીરી અંગે અનેક વિવાદો થયા હતા. એક તબક્કે તો તેમની વિરૂધ્ધમાં ખાંભા ગામ બંધ રહ્યું હતું અને તે સમયના કોડીનારના ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીએ ગ્રામજનોને ન્યાયપૂર્ણ તપાસની ખાતરી આપી હતી. ત્યારબાદ 7 ઓક્ટોબર 2000ના રોજ અમિત જેઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સલમાન ખાન અને આમિર ખાન સામે પણ ફરિયાદ કરી
અમિત જેઠવાએ 'લગાન'ના શૂટિંગ દરમિયાન ફિલ્મના એક સીન માટે ચિંકારાનો ઉપયોગ કરવાની પણ વન વિભાગ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ફરિયાદ કરી હતી. જેને પગલે ફિલ્મ નિર્માતા આમિર ખાનને નોટિસ પણ આપવામાં આવી હતી. આ સિવાય ગીર નેચર યુથ ક્લબે 'હમ દિલ દે ચૂકે સનમ' ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને બન્નીના જંગલમાં બે ચિંકારાનો શિકાર કર્યો હોવાની ફરિયાદ પણ કરી હતી.

2004માં સુરતના નઝિરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પુનઃનિયુક્તિ
અમિત જેઠવાએ આ સસ્પેન્સન સામે અપીલ કર્યા બાદ 5 જાન્યુઆરી 2004ના રોજ તેમની સુરત જિલ્લાના નઝિર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પુન: નિયુક્તિ આપવામાં આવી હતી. નઝિરમાં તેમણે 15 દિવસ ફરજ બજાવી હતી અને આ દરમિયાન પણ નઝિર નજીકના માંડવી સામુહિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારી સાથે ઝઘડો થતાં આ મામલો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

ગીર નેચર યુથ કલબની સ્થાપના અને વન્ય સંપદા બચાવવા ઝૂંબેશ
નઝિર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી રજા મુકીને અમિત જેઠવા પુન: ખાંભા આવ્યા અને ત્યાં ગીર નેચર યુથ કલબની સ્થાપના કરી. આ સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે વન્ય જીવ સૃષ્ટી તથા વન્ય સંપદાના રક્ષણ માટે કામગીરી શરૂ કરી. ખાંભા, મહુવા, જાફરાબાદ, દરિયા કાંઠાના વિસ્તારો તથા ગીરના સરહદી વિસ્તારોમાં આ સંસ્થાનો વ્યાપ વધાર્યો અને સંસ્થાનું સંખ્યાબળ 4 હજાર કરતાં પણ વધુ સભ્યોનું થઇ ગયું.

માહિતી અધિકારના કાયદાને હથિયાર બનાવ્યો
બીજી તરફ માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ તેમણે ખાંભા તાલુકા પંચાયત શોપિંગ સેન્ટરમાં માહિતી અધિકાર મંડળની રચના કરી. આ દરમિયાન માહિતી અધિકારના કાયદા હેઠળ અનેક સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષયો અંગે માહિતી પ્રાપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેના પરિણામે તેઓ સતત વિવાદમાં રહેતાં હતા. 26 જાન્યુઆરી 2004ના રોજ તેમની સામે વન ખાતાએ તુલસીશ્યામ રેન્જમાં માલણ-આંબલિયાળા વીડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફોટોગ્રાફી કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં તેઓ જામીન પર મુક્ત થયા હતા. અમિત જેઠવાએ અનેક મોટા માથાઓ સામે પણ કાયદાકીય લડત ચલાવી હતી.

દિલીપ સંઘાણી સહિતના અગ્રણીઓ સામે ફરિયાદ કરી
7 જાન્યુઆરી 2006ના રોજ ખાંભા તાલુકાના હનુમાન ગાળા આશ્રમમાં યોજાયેલી એક શિબિરમાં દિલીપ સંઘાણી ઉપરાંત અનેક અગ્રણીઓ, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન ગાળા આશ્રમ અભ્યારણ્યની હદમાં આવેલ હોવાથી આ શિબિર યોજવાનું પગલું ગેરકાયદે છે તે મુદ્દે તેમણે દિલીપ સંઘાણી સહિતના અગ્રણીઓ સામે ધારી કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ જ રીતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી ચાવડા સામે એક શિક્ષિકાએ કરેલી ફરિયાદ પાછળ અમિત જેઠવાનો હાથ હોવાનું ચર્ચાતુ રહ્યું હતું.

આ સિવાય અમરેલી જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી સ્વ. ડો.કનેરિયા સામે પણ અમિત જેઠવાએ અનેક ફરિયાદો કરી હતી. તેઓ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના લેટરહેડનો દૂરુપયોગ કરતાં હોવાની ફરિયાદ બાદ તેમણે આ મંડળના પદાધિકારીઓ સામે મોરચો માંડયો હતો.

હત્યાના દોઢ વર્ષ પહેલા અમદાવાદમાં સ્થાયી થયા, ગેરકાયદે ખાણો સામે લડત
હત્યા(20 જુલાઈ, 2010)ના દોઢ વર્ષ પહેલા અમિત જેઠવા તેમના પત્ની તથા એક પુત્રી અને પુત્ર સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા.અમદાવાદમાં રહી તેમણે કોડીનાર વિસ્તારની ગેરકાયદે ખાણો અંગે લડત ચાલુ રાખી હતી. એમની રજૂઆત બાદ આલીદર-સનવાવ રોડ પર બેલા સ્ટોન કાપવાની મશીનરી સહિતનો મુદ્દામાલ છોડાવી જનાર શખ્સો સામે ભૂસ્તર વિભાગ અને પોલીસે સંયુકત રીતે રેડ કરી ગુનો નોંધ્યો હતો.

ગિરનારની લીલી પરિક્રમા સામે વિરોધ
દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરક્રિમા ગીર અભ્યારણ્યની હદમાં થાય છે તથા તે વિસ્તારમાં અસંખ્ય ગેરકાયદે દબાણો (જેમાં મોટેભાગે આશ્રમો તથા ધર્મસ્થાનો છે)હોવાની તેમણે રજૂઆત કરી હતી અને આ મુદ્દે જંગલ ખાતુ ભારે ધર્મ સંકટમાં મુકાયું હતું. ગીરનારની પરિક્રમા પહેલાં પણ તેમણે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીમાં અરજી કરી હતી. પર્યાવરણવાદી તરીકેની જબરદસ્ત ઇમેજ તેમણે ઉભી કરી હતી. આ સિવાય કનકાઇમાં ચૈત્રી નવરાત્રિ વખતે જંગલમાં માર્ગ પર ચાલતા લાઉડ સ્પીકરો સહિતની તમામ પ્રવૃત્તિ સામે તેમણે સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ રજૂઆતો કરી હતી. જોકે, તેમની આ લડાઇ જ તેમના મોતનું કારણ બની.

એક સમયે અમિત જેઠવા દિનુ બોઘાના બંગલોમાં રોકાતા
આરટીઆઇ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યા થઇ ત્યારે તેમણે કોડીનારનાં પીછવી તળાવ મામલે આરટીઆઇ કરીને તત્કાલિન ભાજપના સાંસદ દીનુસોલંકીનાં નાકે દમ લાવી દીધો હતો. આ દરમ્યાન અમિત જેઠવા આરટીઆઇ એક્ટિવિસ્ટ બન્યા એ પહેલાં વન્ય પ્રાણીઓ અને પર્યાવરણવાદી તરીકેની ઇમેજ ધરાવતા હતા. ગુજરાત જ નહીં, છેક દિલ્હીનાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાનાં લોકો સાથે તેઓ સીધો સંપર્ક ધરાવતા. મિડીયાનાં લોકોને સિંહ કે ગીર વિશેની કોઇ સ્ટોરી બનાવવી હોય એટલે પહેલો ફોન અમિત જેઠવાને થતો. ત્યાં સુધી કે, ગીર જંગલમાં સિંહ કે દીપડાનો મૃતદેહ મળે તો પહેલાં અમિત જેઠવાને જાણ થાય અને પછી જે તે આરએફઓને જાણ થાય એવું જબરદસ્ત નેટવર્ક તેમણે વનવિભાગમાં ઉભું કર્યું હતું. જોકે, કારકિર્દીની શરૂઆતમાં તેમને તત્કાલીન ધારાસભ્ય દીનુ સોલંકીનો સહયોગ મળ્યો હતો. ગાંધીનગરની મુલાકાત વખતે અમિત જેઠવા દિનુ બોઘાના બંગલે રોકાતા હતા. પરંતુ ખાણ ખનીજને લઇને ચલાવેલી ઝૂંબેશને લીધે દિનુ બોઘા સાથે વાંધો પડી ગયો.

2007માં દિનુ બોઘા સામે વિધાનસભા ચૂંટણી લડ્યા
જોકે, ત્યારપછી 2007ની વિધાનસભા ચૂંટણી સમયે અમિત જેઠવાએ ગ્રીન પાર્ટી બનાવી ભાજપના દીનુ બોઘા સોલંકી સામે ખાંભા-કોડીનાર મત વિસ્તારમાં ધારાસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આ વિધાનસભા ચૂંટણી દરમિયાન અમિત જેઠવાએ ભાજપના ઉમેદવાર દીનુ બોઘા વિરુધ્ધ આચાર સંહિતાની ફરિયાદો કરેલી.

કોડીનારમાં સાળાના લગ્નમાં ગયા ત્યારે હુમલો થતા શિવા સોલંકી સામે ફરિયાદ
ત્યારબાદ 2009માં તેઓ તેમના સાળાના લગ્નમાં કોડીનાર ગયા ત્યારે તેમની ઉપર હુમલો થયો અને આ અંગે તેમણે દિનુ બોઘાના ભત્રીજા શિવા સોલંકી સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગીર અભ્યારણ્યમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો અંગે તેમણે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી. આ માહિતી ન મળતાં તેમણે ઉચ્ચ સ્તરે લડત આપી હતી. તેમની અરજીના પગલે આ વિસ્તારમાં વિજિલન્સની તપાસ થઇ હતી અને તેના પગલે દીનુ સોલંકીને રૂ.40 લાખનો દંડ પણ થયો હતો. આ સિવાય અંબુજા સિમેન્ટની બે શિપને કંડલા બંદરે સીલ કરવામાં આવી તે ઘટનામાં પણ અમિત જેઠવાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિરોધીઓ સામે એટ્રોસિટીને હથિયાર બનાવતા હોવાના આરોપ
અમિત જેઠવા પોતાના વિરોધીઓ સામે એટ્રોસિટીની ફરિયાદો કરાવતાં હોવાની અમરેલી જિલ્લા ભાજપના અગ્રણીઓએ પૂર્વ મંત્રી ફકીરભાઇ વાઘેલા સમક્ષ રજૂઆત કર્યા બાદ સરકારી સ્તરે તે ફરિયાદની તપાસ થઇ હતી અને તેમાં તથ્ય જણાતા તેમના દ્વારા કરાવાતી ફરિયાદોમાં પુરતી તપાસ કર્યા બાદ જ ગુનો નોંધવાની સરકારે લેખિત સુચના આપી હતી.

હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું
અમિત જેઠવાને પોતાની ઉપર હુમલો થવાનો ડર હોવાથી તેમણે જુનાગઢ જિલ્લા કલેકટર પાસે હથિયારનું લાયસન્સ માંગ્યું હતું. પરંતુ તેમની માગણી ન સ્વીકારાતા તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. તેમની દલીલો સાંભળ્યા બાદ તેમને હથિયારનો પરવાનો મળવો જોઇએ તેવો નિર્દેશ આપ્યા બાદ જુનાગઢ જિલ્લા કલેકટરે હથિયારનું લાયસન્સ આપ્યું હતું. અમિત જેઠવા કાયમ પોતાની પાસે રિવોલ્વર રાખતા હતા.

2010 હાઈકોર્ટ સામે જાહેરમાં અમિત જેઠવાની હત્યા થઈ હતી
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યાર બાદ 6 જુલાઈના રોજ સીબીઆઈ કોર્ટે તમામ સાત આરોપીને દોષિત ઠેરવ્યા હતા અને 11 જુલાઈએ તમામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

X
પત્ની  અલ્પા અને દીકરી આરોહી તથા દિકરા અર્જુન સાથે અમિત જેઠવાની ફાઈલ તસવીરપત્ની અલ્પા અને દીકરી આરોહી તથા દિકરા અર્જુન સાથે અમિત જેઠવાની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી