તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • For The First Time Mosquito Breeding Investigation In 70 Temples, Swaminarayan Temple Of Paldi Fined

પહેલી જ વખત 70 મંદિરમાં મચ્છરના બ્રીડિંગની તપાસ, પાલડીના સ્વામિનારાયણ મંદિરને દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાબરમતીના સૃષ્ટિ આર્કેડના બેઝમેન્ટમાં 50 હજાર લારવા, 1 હજાર મચ્છર મળતાં 73 દુકાન સીલ
  • મચ્છરોનો ઉપદ્રવ ધરાવતા મેરેજ હોલ સહિત 12ની એડમિન ઓફિસ સીલ
  • પૂર્વ ઝોનમાં 71 એકમમાં તપાસ કરી 23ને નોટિસ, સૌથી વધુ 42 હજારનો દંડ વસૂલ્યો

અમદાવાદ: મ્યુનિ.હેલ્થ વિભાગે રવિવારે શહેરના 70 મંદિરોમાં મચ્છરોની તપાસ હાથ ધરી હતી. પાલડી ખાતેના સ્વામિનારાયણ મંદિરમાંથી બ્રીડિંગ મળતા રૂા.1 હજારનો દંડ કર્યો હતો. ડેન્ગ્યુ કેવી રીતે થાય છે, તેનાથી બચવા શું કરવું જોઈએ તેવો કેમ્પ યોજયો ત્યાં જ મચ્છરોના બ્રીડિંગ દેખાયા હતા. આ ઉપરાંત બે પેટ્રોલપંપ, મેરેજ હોલની એડમિન ઓફિસ, 73 દુકાનોનું શોપિંગ કોમ્પ્લેકસ સહિત કન્સ્ટ્રંકશન સાઈટ સાથે 12 એકમો સીલ કરી દેવામાં આવ્યા હતા. સાબરમતીમાં સૃષ્ટિ આર્કેડ નામના બિલ્ડિંગમાં બ્રીડિંગ પેદા નહીં થાય તેવી જવાબદારી કોઈએ ન સ્વીકારતા અને કોમ્પ્લેકસની એક પણ એડમિન ઓફિસ ન હોવાથી તમામ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. અહીં બેઝમેન્ટમાં 50000 મચ્છરોના લારવા મળ્યા હતા જયારે 1000 લાઈવ મચ્છરો દેખાયા હતા. અગાઉ પણ આ કોમ્પ્લેકસને ત્રણ વખત નોટિસ આપી હતી. કુલ 386 એકમોમાં મ્યુનિ.એ તપાસ હાથ ધરી 1.29 લાખ દંડ વસૂલવામાં આવ્યો હતો.

બે પેટ્રોલ પંપ પરથી પણ બ્રીડિંગ મળ્યા
1. પ્રિત પેટ્રોલ પંપ, સરસપુર
2. ગણેશ ચિક્કિ, કુબેરનગર
3. શિવકૃપા મેરેજ હોલ, અમરાઈવાડી
4. કહન કોમ્પ્લેકસ, ઓઢવ
5. શક્તિ એકટોલ, થલતેજ
6. અષ્ટમંગલ કોમ્પ્લેકસ, શાહીબાગ
7. એચ.એન.સફલ, પાલડી
8. એસીગન્સ સ્કાય, પાલડી
9. રત્નરાજ કોમ્પ્લેકસ, નવરંગપુરા
10. સૃષ્ટિ આર્કેડ, સાબરમતી
11. રાધેકિશન વીલા એ, ઈસનપુર
12. રાષ્ટ્રીય પેટ્રોલપંપ, બહેરામપુરા

પૂર્વ ઝોનમાં સૌથી વધુ 42 હજાર દંડ વસૂલાયો

ઝોન એકમ નોટિસ દંડ
મધ્ય 36 7 10000
દક્ષિણ 97 3 3000
દક્ષિણ પશ્ચિમ 36 5 31000
ઉત્તર પશ્ચિમ 45 7 17500
પૂર્વ 71 23 42000
ઉત્તર 68 18 23500
પશ્ચિમ 33 33 2500
કુલ 386 96 129500

સ્કૂલની આસપાસ ગંદકી હોય તો ક્લાસના બારી-બારણે મચ્છરજાળી લગાવવા સૂચના
દિવાળી વેકેશન બાદ 14, નવેમ્બરથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થશે. સ્કૂલમાં બાળકોને ડેન્ગ્યુની અસર ન થાય તે માટે શહેર ડીઇઓએ સ્કૂલોને સ્કૂલ શરૂ થતા પહેલા લેવાના પગલા અંગે સૂચના આપતો પરિપત્ર કર્યો છે. જે પ્રમાણે સ્કૂલની આસપાસ ગંદકી હોય તો સ્કૂલના બારી બારણા પર મચ્છરજાળી લગાવવા જણાવાયું છે. સમયે સમયે ડીઇઓ કચેરીના અધિકારીઓ તપાસ કરશે. ડેન્ગ્યુના વધતા કિસ્સાને ધ્યાનમાં રાખીને ડીઇઓએ સ્કૂલોને વિદ્યાર્થી અને વાલીઓને જાગૃત કરવા જણાવ્યું છે.

સ્કૂલોએ આટલું કરવું પડશે
- સ્કૂલમાં પાણીના બધા કન્ટેનર અને ઓવરહેડ ટાંકી ઢાંકીને રાખવી પડશે. 
- વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસાડતા પહેલા ત્યાં મોસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ કરો
- વિદ્યાર્થીઓ આખી બાંયનો યુનિફોર્મ પહેરીને આવે તેની કાળજી લેવી પડશે. 
- નાના બાળકો હોય તો ક્લાસ રૂમના બારી-બારણે મચ્છરજાળીનો ઉપયોગ કરવો.
- ખુલ્લી જગ્યામાં તુટેલું ફર્નિચર અથવા ગંદકી ન ફેલાય તેની ખાતરી કરવી.

અન્ય સમાચારો પણ છે...