અમદાવાદ / ટિમ્બર પોઈન્ટમાં આગ, ચોથા માળે ફસાયેલા 200ને બચાવાયા, એક જીવ બચાવવા બીજા માળેથી કૂદ્યો

ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની તસવીર

  • ફાયરબ્રિગેડ કાચ તોડી બિલ્ડિંગમાં ઘૂસી, સમયસર સ્નોરકેલ મોકલી, આગમાં ફસાયેલા છત પર જતા રહ્યા, ધુમાડાથી બચવા ભીના રૂમાલ નાક  પર રાખ્યા
  • પ્રહલાદનગર રોડ પર આવેલા કોમ્પ્લેક્સના ભોંયરામાં લાગેલી આગમાં 94 બાઈક ખાખ

Divyabhaskar.com

Jun 12, 2019, 11:43 PM IST

અમદાવાદ: પ્રહલાદનગરમાં ટિમ્બર પોઇન્ટ કોમ્પલેક્સના ભોંયરામાં બુધવારે લાગેલી આગના ધુમાડાના કારણે 200 લોકો ફસાયા હતા. ભોંયરામાં પડેલા બાઇકમાં શોર્ટસર્કિટને પગલે આગ લાગી હોવાનું મનાય છે. ભોંયરામાં લાગેલી આગને કારણે 145માંથી 94 બાઇક સળગી ગયા હતા. જ્યારે ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકમાં 200થી વધુ લોકોને ચોથા માળેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્કયુ કર્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ જીવ બચાવવા બીજા માળેથી ભોંયરાના એન્ટ્રસ પર રહેલા શેડ પર કૂદી ગયો હતો. આઈટી કંપનીના માલિક દીપક માણેકને ભાગવા જતા પડી જતા ઈજા થઈ હતી. બિલ્ડિંગના એન્ટ્રી સ્થળે જ આગના ધુમાડાની તીવ્રતા વધુ હતી અને આખું બિલ્ડિંગ બંધિયાર હોવાથી ફાયરની ટીમોએ કાચ તોડી અંદર પ્રવેશ કરી લોકોને રેસ્કયુ કર્યા હતા.

ભોંયરામાં લાગેલી આગ ડકના મારફતે ચોથા માળ સુધી પહોંચી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાના શોરૂમ, પ્રથમ માળે રેસ્ટોરાં, બીજા માળે ફર્નિચરનો શો રૂમ, ત્રીજા માળ ખાલી હતો અને ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની હતી, જેમાં 150 જેટલા કર્મચારી હતા.આગ લાગતાં જ લોકો છતના દરવાજાનું લોક તોડી છત પર દોડી ગયા હતા. ફાયરના 36થી વધુ જવાને હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા મેન્યુઅલ એક્સ્ટેન્શન લેડર (35 ફૂટ ઊંચાઈ ધરાવતી), એમ્બુલન્સ સહિત 15 વાહનોની મદદથી ચારેય માળના મળીને 200થી વધારે લોકોને રેસ્ક્યુ કર્યા હતા. તેમાંથી 8ને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી.

છોકરીઓને હાઈડ્રોલિક પ્લેટફોર્મથી નીચે ઉતારાઈ
બિલ્ડિંગમાં જઇ શકાય તેમ ન હોવોથી ફાયરે કાચ તોડ્યા હતા. અંદર રહેલા કર્મચારીઓએ પણ કાચ તોડવામાં મદદ કરી હતી. ફાયર કાચ તોડી પ્રવેશી હતી. એ બાદ તેમણે યુવતીઓને હાઇડ્રોલિક પ્લેટફોમ અને છોકરાઓને મેન્યુઅલ એક્સટેન્શન લેડરથી કમરે દોરડુ બાંધી ઉતાર્યા હતા. જ્યારે બિલ્ડિંગની સીડી ખૂબ ગરમ હોઇ ફાયરે ઠંડી કરી હતી. ત્યાંથી ઘણા બધા લોકોને ઉતાર્યા હતા.

આગ પર કાબૂ મેળવવા ભોંયરું પાણીથી ભરી દીધું
બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ એક હોવાથી ફાયરે સૌપ્રથમ વેન્ટિલેશનમાંથી ભોંયરાના વેન્ટીલેશનમાં સતત પાણીનો મારી કરી ભોંયરાને સ્વીમિંગ પુલમાં બદલી નાખવામાં આવ્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડે 30 હજાર લિટર પાણીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બચાવ કામગીરીમાં 15થી વધુ વાહનો 3 ફાયર સ્ટેશનના જવાનો તેમજ અધિકારીઓ જોડાયા હતા.

એક વ્યક્તિએ અનેક લોકોના જીવ બચાવ્યા
ધુમાડો ચોથા માળની આઇટી કંપનીની ઓફિસમાં પહોંચતા ઓફિસના માલીકે પાવર સપ્લાય બંધ કરી તમામ લોકોને પેન્ટ્રીમાં ખસેડ્યા હતા. કેટલાક લોકોને લો બીપી થતા સુગર આપ્યુ હતું. 5થી 7 પાણીની ડોલ ભરી તેમાં બધાને રૂમાલ ભીના કરી પ્યોરી ફાય કરી શ્વાસ લેવા કહ્યું હતું. એ બાદ તમામ લોકોે છત તરફ ભાગ્યા હતા પણ દરવાજો લોક હોવાથી તેને તોડી તમામ લોકો છત પર પહોંચ્યા હતા.

એક વખતે તો એક વ્યક્તિ કૂદી જશે એવું લાગ્યું હતું
ફાયરની રેસ્કયૂ કામગીરી દરમિયાન એક વ્યક્તિ ડરી ગયો હતો કે એક સમયે તો એવું લાગ્યું કે તે કૂદી જશે પણ ફાયરે તેને કમરે રસ્સી બાંધી મેન્યુઅલ એક્સટેન્શન લેડરથી ઉતારી લીધો હતો. સાંજે 4 વાગે લાગેલી આગમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મની સૌથી વધારે જરુર હતી. જે સૌથી મોડી આવી હતી. આવીને પણ થોડીવાર ઉભી રહી હતી. - વાઘેશ દ્વિવેદી, નજરે જોનાર

ધુમાડો પેન્ટ્રી સુધી પહોંચ્યો હોત તો સુરતવાળી થાત
ભોંયરામાં લાગેલી આગનો ધુમાડો ડકના મારફતે ચોથા માળ સુધી પહોંચ્યો હતો. ચોથા માળના લોકો બચવા પેન્ટ્રીમાં છુપાયા હતા. જો ધુમાડાની જગ્યાએ ડકમાંથી આગ પેન્ટ્રી સુધી પહોંચી હોત તો સુરતની તક્ષશીલા આર્કેડવાળી ઘટનાનું પુનરાવર્તન થયું હોત.એક રોડ પર આગની ત્રીજી ઘટના : પ્રહલાદનગર રોડ પર ટુકા ગા‌ળામાં લાગેલી આગની ત્રીજી ઘટના. થોડાક મહિના પહેલા ઇશાન -3માં એક ફ્લેટમાં આગ લાગતા દંપતી અને તેની દીકરીનું મોત નિપજ્યુ હતુ. જ્યોર થોડાક મહિના પહેલા દેવઓરમમાં આગ લાગી હતી. એ બાદ બુધવારે ટીમ્બર પોઇન્ટના ભોયરામાં આગ.

લોકોએ કહ્યું, મદદ મોડી મળી, ફાયરનો દાવો, 10 મિનિટમાં જ અમે પહોંચી ગયા
સ્થાનિકોનું કહેવુ છે કે ફાયર 15થી 20 મિનિટ મોડી આવી હતી. તેમજ આવ્યા બાદ પણ તેમની સિડી ઉપર સીધી પહોંચી નહોતી. ત્યારે ફાયર ઓફિસનું કહેવુ છે કે અમને 4 વાગે પહેલો કોલ મળ્યો ત્યારે નજીકના ફાયર સ્ટેશનની ગાડી રવાના કરી હતી જે 4.10 વાગે ફાયર ફાઇટર પહોંચી ગયુ હતુ. તેમાં 35 ફૂટની મેન્યુઅલ એક્સ્ટેન્સર લેડરને 10થી 12 ફુટની ફાયર વાહન પર મુકી પછી કામગીરી ચાલુ કરી હતી. જેથી તેની ઉંચાઇ 45 ફૂટ થઇ ગઇ હતી. ત્યાં સુધીમા બીજા કોલમાં ચોથા માળે લોકો ફસાયાની વાત થતા 2 ફાયટર સાથે હાઇડ્રોલિક પ્લેટફોમ રવાના થયા હતા. જેને 4.17 વાગે પહોચી લોકોની રેસ્ક્યૂ કામગીરી કરી હતી. બીજી બાજુ એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યુ હતું કે આ લો રાઇઝ બિલ્ડિંગ હોવાથી અહીં એનઓસીની જરૂર નથી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી