બેદરકારી / AMCનો ઢોરવાડો કે જીવતી ગાયોનું કબ્રસ્તાન કાગડા આંખો કોચી ખાય છે, કૂતરા મૃતદેહો ચૂંથે છે

આ તસવીર તમને વિચલિત કરી શકે છે, પણ ગાયોની દારુણ સ્થિતિ જણાવવા માટે અમે આ છાપી રહ્યા છીએ.
આ તસવીર તમને વિચલિત કરી શકે છે, પણ ગાયોની દારુણ સ્થિતિ જણાવવા માટે અમે આ છાપી રહ્યા છીએ.

  • દાણીલીમડાના ઢોરવાડામાં કીચડ અને સડેલા ઘાસચારાને કારણે નર્કાગારની સ્થિતિ

Divyabhaskar.com

Nov 09, 2019, 01:57 AM IST

શાયર રાવલ, અમદાવાદ: કોર્પોરેશનના ઢોરવાડામાં સામાન્ય માણસો માટે પ્રવેશબંધી છે પણ અહીં પૂરવામાં આવેલી ગાયોની દારુણ સ્થિતિનો પર્દાફાશ કરવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે અગિયારસ નિમિત્તે ગાયોને ચારો નાખવાનું કહીને ઢોરવાડામાં પ્રવેશ મેળવ્યો હતો અને તેમણે જે જોયું તે અક્ષરશ: પ્રસ્તુત છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત દાણીલીમડાના ઢોરવાડાનો દરવાજો વટાવી અંદર પ્રવેશો એટલે તીવ્ર દુર્ગંધ તમને ઘેરી વળે છે. ગૌમૂત્રની ગંધ, છાણની ગંધ, સડી રહેલા ઘાસચારાની ગંધ અને મૃત્યુ પામેલી ગાયોની ગંધ....ડાબી તરફ આગળ વધો એટલે સૌથી પહેલી નજર અસ્તવ્યસ્ત પડેલા ગાયોના મૃતદેહ પર પડે છે. આખા ઢોરવાડાની સંભાળ માટે જેટલા મ્યુનિસિપલ કર્મચારીઓ છે તેનાથી વધુ કાગડાઓ દરેક ગાયના મૃતદેહની આસપાસ હતા.
આમ તો ઢોરવાડો અનાથ કે રખડતા સેંકડો ઢોરોને સાચવવા માટે છે. પણ દિવ્ય ભાસ્કરની ટીમે ઢોરવાડાની મુલાકાત લીધી ત્યારે ત્યાં છ ગાયોના મૃતદેહ પડ્યા હતા. એ મૃતદેહો, જેમની આંખો કાગડાઓએ કોચી ખાધી હોવાથી આંખોમાંથી લોહી વહેતું હતું. અને કૂતરાઓએ જયાફત ઉડાવી હોઈ ગાયોના શરીર અર્ધખાધેલી અવસ્થામાં હતા. ગાયોના મૃતદેહો ઉઠાવનાર કોઈ નહોતું. જે જીવિત હતી તે પૈકીની પણ સંખ્યાબંધ ગાયો માત્ર મરવાના વારો આવે એની રાહ જોતી હતી. સંખ્યાબંધ ગાયો ઈજાગ્રસ્ત હતી અને કૂતરાઓએ ભરેલા બચકાના નિશાન તેમના શરીર પર સ્પષ્ટ હતા. જ્યાં હવાડો હતો ત્યાં ગઈ રાત્રે જ મૃત્યુ પામેલા બે વાછરડાના મૃતદેહો પડ્યા હતા. કોર્પોરેશનના કર્મચારીઓને તેમના મૃત્યુ પામવાની ખબર પડે એ પહેલા કાગડાઓને પડી ગઈ હતી. આ વાછરડાની આંખોના સ્થાને બે કાણા હતા અને આંખોમાંથી વહેલું લોહી જમીન પર નાનકડા ખાબોચિયા સ્વરૂપે જમા થયેલું હતું. કોર્પોરેશનના કર્મચારીઓને ઢોરવાડામાં કોઈ અંદર ઘૂસી ન જાય એ જોવામાં જેટલો રસ હતો તેનાથી દસમા ભાગનો રસ પણ ગાયોની સંભાળ લેવામાં નહોતો.
આ ઢોરવાડો એટલે કોઈ વિશાળ જગ્યા નથી. અહીં નાનકડી જગ્યામાં આશરે 1400 જેટલા ઢોરને પૂરી રાખવામાં આવે છે. રોજ કોર્પોરેશનની ઢોરપાર્ટી સવારે નીકળી પડે છે અને શહેરના જુદાજુદા વોર્ડમાંથી ઢોર પકડીને ઢોરવાડે લાવે છે. આમ તો કોર્પોરેશનના ચોપડે ઢોરવાડાના નિભાવ માટે દર વર્ષે પાંચ કરોડ રૂપિયા ઉધારવામાં આવે છે. પણ અહીં ગાયોની જિંદગી મોતના ખાતે ઉધાર છે અને રોજ છથી દસ ગાયો આ ઉધાર સામે મૃતદેહ બનીને ચૂકવાઈ જાય છે.
સડેલું ઘાસ ગાયો ખાઈ શકતી નથી
ઢોરવાડામાં ગાયોની સારસંભાળ માટે એએમસી દ્વારા વર્ષે પાંચ કરોડ રૂપિયા જેટલું માતબર ભંડોળ ફાળવવામાં આવે છે. છતાં સ્થિતિ એ છે કે ઢોરવાડામાં તદ્દન સડેલું ઘાસ નાખવામાં આવે છે જે ગાયો ખાઈ શકતી પણ નથી. ગાયો માટેનું પાણી પણ દુર્ગંધયુક્ત હોય છે.

નરેશ રાજપૂત, કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે થયેલી વાતચીત
સવાલ: શહેરમાંથી ઢોર પકડીને લવાય પછી ઢોરની જવાબદારી કોની?
જવાબ: દસ દિવસ સુધી માલિક ઢોર છોડાવે નહીં તો તેને સરકાર માન્ય પાંજરાપોળમાં મોકલી દેવાય છે.
સવાલ: દસ દિવસ દરમિયાન સીએનસીડી વિભાગની જવાબદારી શું હોય છે?
જવાબ: સમયસર ચારો-પાણી, સાચવણી અને વેટરનરી સારવાર આપવાની વિભાગની જવાબદારી છે.
સવાલ: કેટલા ડૉક્ટરોની ટીમ છે અને તેમનો સમય શું હોય છે?
જવાબ: ચાર ડૉક્ટરોની ટીમ છે તે રાઉન્ડ ધ ક્લોક રહેતી હોય છે.
સવાલ: રોજ કેટલા ઢોરનાં મોત થાય છે અને શું કારણ છે?
જવાબ: રોજે 2-3 ઢોર મરે છે. રખડતા ઢોર પ્લાસ્ટિક ખાતા હોય છે અને અહીં ઘાસ આપીએ એટલે તેને આફરો ચઢે છે અને તેના મોત થાય છે.
સવાલ: ઢોરવાડામાં ગાયોને કુતરા અને કાગડા ફાડી ખાય છે તે વાત સાચી છે?
જવાબ: ઢોરવાડો ઉપરથી કવર કરેલો છે કૂતરા-કાગડા ફાડી ખાતા નથી.
સવાલ: ઢોરવાડા માટે કોર્પોરેશનનું વાર્ષિક બજેટ કેટલું છે?
જવાબ: અંદાજે પાંચ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે.

સંસ્થાઓને 2500 રૂપિયા અને ગાય આપીને તંત્ર છટકી જાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં રાખવામાં આવતી ગાયોને દસ દિવસ સુધી માલિક છોડાવે નહીં તો તે ગાયો સંસ્થાઓને આપી દેવામાં આવે છે. પ્રત્યેક ગાય દીઠ 2500 રૂપિયા પણ આ સંસ્થાઓને ચૂકવવામાં આવે છે. જો કે ગાયોની સોંપણી કરી દીધા બાદ સંસ્થાઓ તેનું શું કરે છે એ વિશે મ્યુનિ. પાસે કોઈ જ જાણકારી હોતી નથી. એક અંદાજ મુજબ ગત વર્ષે આ સંસ્થાઓને ત્રણ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

X
આ તસવીર તમને વિચલિત કરી શકે છે, પણ ગાયોની દારુણ સ્થિતિ જણાવવા માટે અમે આ છાપી રહ્યા છીએ.આ તસવીર તમને વિચલિત કરી શકે છે, પણ ગાયોની દારુણ સ્થિતિ જણાવવા માટે અમે આ છાપી રહ્યા છીએ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી