હોટેલમાં ટ્રમ્પની સુરક્ષા, પ્રેસિડન્ટના રૂમ બહાર થ્રી લેયર સિક્યુરિટી, તમામ બારીઓ પર બૂલેટ પ્રૂફ આવરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોટેલ રૂમના ટીવી, ફ્રીઝ અને ઓવન તથા કોમ્યુનિકેશનના તમામ સાધનો દૂર કરાશે
  • પ્રેસિડન્ટ સાથે લાવવામાં આવેલા ફ્રીઝ, ટીવી અને ફોન હોટેલ રૂમમાં મુકાશે
  • હોટેલના તમામ સ્ટાફ મેમ્બર્સનો ભૂતકાળ અને ક્રાઈમ રેકોર્ડ્સ ચકાસશે

અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઈ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન તેમની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત બનાવવા માટે આજે અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આ સિક્રેટ સર્વિસ એજન્ટ ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા અંગે જાણકારી મેળવશે. તેની સાથે સાથે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્યાં રોકાવાના છે તે વસ્ત્રાપુર સ્થિત હોટેલ હયાતની પણ સુરક્ષા ચકાસણી કરશે. આ હયાત હોટેલમાં પ્રેસિડન્ટના રૂમની બહાર થ્રી લેયર સિક્યુરિટી રહેશે, જેમાં કેમ્પસમાં સ્થાનિક પોલીસ તથા વચ્ચેના ફ્લોર પર સિક્રેટ સર્વિસ એજન્ટ અને પ્રેસિડન્ટના ફ્લોર પર અંગત સુરક્ષા દળ જ હાજર રહેશે. તેમજ તમામ બારીઓ પર બૂલેટ પ્રૂફ આવરણ પણ મુકશે. 

પ્રેસિડન્ટ ફ્લોર પર પ્રેસિડન્ટના ઓળખીતા સિવાય કોઈ આવી કે જઈ શકશે નહીં
જ્યારે હોટેલના મુખ્ય રિવોલ્વિંગ દરવાજાને બદલે સિક્રેટ સર્વિસ એજન્ટ પ્રેસિડન્ટ માટે અલગ દરવાજેથી પ્રવેશ આપશે અને હોટેલના તમામ સ્ટાફ મેમ્બર્સનો ભૂતકાળ અને ક્રાઈમ રેકોર્ડ્સ ચકાસશે. હોટેલના કોરિડોર્સની સાથે જે ફ્લોર પર પ્રેસિડન્ટ રોકાવાના છે તેની ઉપર અને નીચેનો ફ્લોર સિક્રેટ સર્વિસ એજન્ટ્સ ખાલી કરાવશે. આ ફ્લોર પર પ્રેસિડન્ટના ઓળખીતા સિવાય કોઈની રહેવાની કે આવવા જવાની મંજૂરી રહેશે નહીં. પ્રેસિડન્ટના રૂમમાં પહેલેથી જ ચેકિંગ કરશે અને રૂમમાં ફોટો ફ્રેમ અને દિવાલ ઘડિયાલ સહિતની વસ્તુઓ કાઢી નાંખશે, એ સાથે રૂમના ટીવી, ફ્રીઝ અને ઓવન તથા કોમ્યુનિકેશનના હોટલે મુકેલા તમામ સાધનો દૂર કરી દેશે. તેમજ તમામ બારીઓ પર બૂલેટ પ્રૂફ આવરણ મુકશે અને પ્રેસિડન્ટ સાથે લાવવામાં આવેલા ફ્રીઝ, ટીવી અને ફોન ત્યાં મુકાશે. જ્યારે તેમના ભોજન માટે તેમની સાથે પોતાના અંગત રસોયા આવશે. આ રસોયા અલગથી ઉભા કરવામાં આવેલા કિચનમાં રસોઈ બનાવશે.

સંભવિત ખતરાને ક્લાસ-3 નામ આપશે
અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ સ્થાનિક પોલીસ સાથે મળીને પ્રેસિડન્ટની મુલાકાત દરમિયાન સંભવિત ખતરા અંગે પણ જાણકારી મેળવશે. જેને ક્લાસ 3 નામ આપવામાં આવશે. જ્યાં જોખમ હોય ત્યાં અને જેનાથી ખતરો હશે તે જગ્યાએ વધુ એલર્ટ રહેશે અને એ વિસ્તારની ખાસ મુલાકાત લઈ આ જગ્યાઓ પર વધુ ધ્યાન આપવા માટે આદેશ કરશે. ટ્રમ્પના તમામ મુલાકાત સ્થળોની આસપાસની શેરીઓમાં પાર્ક થયેલા કાર અને બાઈક તથા અવાવરી વસ્તુઓ દૂર કરવા પણ આદેશ આપશે. આ તમામ સ્થળોનું ડોગ સ્કવોડ દ્વારા સતત તપાસ ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...