ટેન્શનમાં રહેતા પોલીસ અધિકારી VVIP બંદોબસ્તમાં નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીજીપી શિવાનંદ ઝાની ફાઇલ તસવીર - Divya Bhaskar
ડીજીપી શિવાનંદ ઝાની ફાઇલ તસવીર
  • 5 વર્ષથી ઓછી નોકરીવાળા PSIએ નોકરીના સમય પછી રિવોલ્વર જમા કરાવવી પડશે
  • ત્રણ પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા

અમદાવાદ: કેવડિયા કોલોની ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં તહેનાત નવસારીના પીએસઆઈ એન.સી. ફીણવિયાએ સાથી પીએસઆઈ એમ.બી. કોકણીની સર્વિસ પિસ્ટલ લઇને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. અગાઉ રાજકોટ અને વડોદરામાં જ આ પ્રકારે સર્વિસ રિવોલ્વર - પિસ્ટલથી આત્મહત્યા - હત્યાના બનાવ બન્યા હતા. જેની ગંભીરતાથી નોંધ લઇને ડીજીપી શિવાનંદ ઝાએ 5 વર્ષથી ઓછી નોકરીવાળા પીએસઆઈ અને તેનાથી નીચેના તમામ પોલીસ કર્મચારીને નોકરીનો સમય પૂરો થતા સરકારી હથિયાર પોલીસ સ્ટેશન તેમજ હેડ ક્વાટરમાં જમા કરાવવા આદેશ કર્યો છે. તેમજ માનસિક તણાવમાં રહેતા તમામ પોલીસ અધિકારી - કર્મચારીને વીવીઆઈપી અને સંવેદનશીલ બંદોબસ્તમાં ડ્યૂટી નહીં સોંપવા આદેશ કર્યો છે. પોલીસ સ્ટેશન તેમજ શાખામાં ફરજ બજાવતા પીઆઈ સરકારી રિવોલ્વર સાથે રાખી શકશે. જો કે નોકરીના 5 વર્ષ પૂરા કરનારા પીએસઆઈ અને એએસઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓ નોકરીનો સમય પૂરો થયા પછી પણ સરકારી હથિયાર સાથે રાખી શકશે.

ફાયરિંગની પ્રેક્ટિસમાં 60 ગુણ હશે તેમને જ હથિયાર મળશે
જે પોલીસ અધિકારીએ વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસમાં ઓછામાં ઓછા 60 ગુણ મેળવ્યા હશે તેવા જ પોલીસ અધિકારીને હથિયાર ફાળવવામાં આવશે. તાલીમ લઇ રહેલા કોઇ પણ અધિકારીને સરકારી હથિયાર મળશે નહીં. તેમને પરેડ તેમજ પ્રેકિટસ માટે હથિયાર ફાળવીને પાછું લઇ લેવામાં આવશે. 

સાદા વેશમાં રિવોલ્વર ન રાખી શકે
કોઇ પણ પોલીસ અધિકારીએ રજા ઉપર જતા પહેલા સરકારી પિસ્ટલ - રિવોલ્વર પોલીસ સ્ટેશન તેમજ હેડ કવાર્ટરમાં ફરજિયાત જમા કરાવી દેવું પડશે તેમજ ખાનગી કપડામાં સર્વિસ રિવોલ્વર કે પિસ્ટલ લટકાવતા પહેલા ઉપરી અધિકારીની મંજૂરી લેવી પડશે.

અધિકારીને વીવીઆઈપી બંદોબસ્ત ફાળવવો
માનસિક તણાવમાં હોય તેવા પોલીસ અધિકારી કે કર્મચારીને વીવીઆઈપી કે સંવેદનશીલ બંદોબસ્ત નહીં ફાળાવવ ડીજીપીએ આદેશ કર્યો છે. આટલું જ નહીં માનસિક તણાવમાં ન હોય તેવા જ પોલીસ અધિકારી - કર્મચારીની ખરાઇ કર્યા પછી જ તેમને વીવીઆઈ બંદોબસ્ત તેમજ હથિયાર ફાળવવાનું રહેશે. જોકે કયા પોલીસ અધિકારી કે કર્મચારીને બંદોબસ્તમાં હથિયાર સાથે મોકલવો તેનું ગ્રેડિંગ તેના ઉપરી અધિકારી દ્વારા નક્કી કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...