નવરાત્રીમાં સવારની સ્કૂલો 1 કલાક મોડી શરૂ કરવા માગ, સરકારનો આખરી નિર્ણય શિરોમાન્ય રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાજરી પર અસર ન પડે તે માટે વાલી મંડળની રજૂઆત
  • મોડી રાત સુધી ગરબા રમાવાને કારણે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન પણ નહીં આપી શકે
  • ઓનલાઇન હાજરી હોવાથી સરકારના નિર્ણય મુજબ જ ચાલવાનું રહેશે

અમદાવાદઃ નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન સ્કૂલોમાં સવારની પાળીના વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાના સમયમાં એક કલાકની રાહત આપવા વાલી મંડળે માગ કરી છે. વિદ્યાર્થીઓ રાત્રે ગરબામાં હોવાથી વહેલી સવારે સ્કૂલના સમયે પહોંચી શકતા નથી, ઉપરાંત ઓછી ઊંઘને કારણે અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. સરકાર સવારની પાળીની દરેક સ્કૂલોને સૂચના આપી એક કલાક રાહત આપે તેવી માગ કરાઇ છે.

સરકારની સૂચનાની શિરોમાન્ય રહેશે
નવરાત્રીમાં ગરબા રમવાની અસર અભ્યાસ અને હાજરી પર ન પડે તે માટે વિદ્યાર્થીઓની હિતને ધ્યાને લઇને શિક્ષણ વિભાગે સ્કૂલ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવા વાલીઓની માગ છે. વાલી મંડળના આગેવાન પ્રકાશ કાપડિયાએ જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન વાલીઓ સાથે બાળકો પણ મોડે સુધી નવરાત્રીમાં ગરબા રમવા જતા હોય છે. જેથી તેઓ સવારે વહેલા સ્કૂલે પહોંચી શકતા નથી. ઓનલાઇન હાજરીને કારણે સ્કૂલો હાજરીમાં છૂટછાટ આપી શકતી નથી. સરકાર સૂચના આપે તો જ નવરાત્રી દરમિયાન હાજરીમાં છૂટછાટ મળે. તેથી અમે શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે કે સવારની પાળીની સ્કૂલો એક કલાકની છૂટછાટ આપે.

શિક્ષણ વિભાગ આખરી નિર્ણય લેશે
જો સરકાર મંજૂરી આપે તો સ્કૂલ એક કલાક મોડી શરૂ કરી શકાય છે. જો વિદ્યાર્થી થાકીને સ્કૂલે આવશે તો અભ્યાસમાં પણ ધ્યાન આપી શકશે નહીં. પરંતુ ઓનલાઇન હાજરી હોવાથી સ્કૂલના સમય અંગેનો નિર્ણય શિક્ષણ વિભાગે જ કરવાનો રહેશે. સ્કૂલ પોતાની રીતે નિર્ણય લઇ શકે નહીં.  - અલકેશ પટેલ, મહામંત્રી, શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...