આશ્ચર્ય / અમદાવાદના પતિને 33 વર્ષના કાનૂની લડાઇ બાદ 65 વર્ષની ઉંમરે કોર્ટમાંથી છૂટાછેડા મળ્યા

Ahmedabad's man court divorced at age 65 after 33 years of legal battle

  • 1978માં લગ્ન બાદ ધનજીભાઈએ 1986માં છૂટાછેડાની અરજી કરી હતી, છેક 2019માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો
  • પતિના બીજા લગ્નને કાનૂની દરજ્જો મળે તો તેમના સંતાનો માથે અનૌરસનું લેબલ ન લાગેઃ પત્નીની માનવતા

Divyabhaskar.com

Sep 11, 2019, 06:25 PM IST

અમદાવાદઃ ધનજીભાઈ પરમારને 65 વર્ષની ઉંમરે છૂટાછેડા મળ્યા. આ સાંભળીને સ્વાભાવિક છે કે કોઈને પણ એવું લાગે કે આ ઉંમર તો કાંઈ છૂટાછેડા લેવાની છે. પરંતુ અહીં વાત કાંઈક અલગ છે. આ ધનજીભાઈને કોર્ટમાં 33 વર્ષના લાંબા સમયગાળા સુધી ચાલેલા કેસ બાદ છૂટાછેડા મળ્યા છે. એટલું જ નહીં, આ છૂટાછેડા મળતાની સાથે જ હવે ધનજીભાઈના બીજા લગ્ન 28 વર્ષના સમયગાળા બાદ કાયદેસરના થયા છે. સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પરંતુ આ લાંબી કાનૂની લડાઈ ધનજીભાઈના બીજા લગ્ન બાદ વધુ જટિલ બની ગઈ હતી, જ્યારે કોર્ટે તેમના એક્સપાર્ટી ડિવોર્સ મંજૂર રાખ્યા હતા.

'હું નથી ઈચ્છતી કે મારા પતિના બીજી પત્નીના સંતાનોને લોકો અનૌરસ કહે'

ત્રણ દાયકા કરતા વધુ સમય બાદ તેમની પહેલી પત્ની રત્નાબેને (નામ બદલ્યું છે) ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેઓ હવે તેમના પતિ દ્વારા ફાઈલ કરેલા છૂટાછેડાના કેસનો પ્રતિકાર કરવા માગતા નથી. આ માટેનું કારણ પણ અત્યંત સંવેદનશીલ અને માનવીય અભિગમયુક્ત હતું. રત્નાબેને હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેમના પતિને બીજી પત્નીથી ત્રણ સંતાન થયા હતા અને તેઓ નથી ઈચ્છતા કે આ ત્રણેય બાળકોના કપાળે અનૌરસ સંતાન હોવાનું લેબલ લાગે કારણ કે આ છૂટાછેડા ન થાય ત્યાં સુધી તેમની માતા સાથે તેમના પિતાના લગ્ન ગેરકાયદેસર જ ગણાત.

આઠ વર્ષના લગ્નજીવન બાદ તકરાર થતાં ધનજીભાઈએ એક્સપાર્ટી ડિવોર્સ મેળવ્યા

વાત જાણે એમ છે કે, ધનજીભાઈ અને રત્નાબેનના લગ્ન 1978ની સાલમાં થયા હતા. તેમને 1983ની સાલમાં પુત્ર પણ થયો હતો. જો કે, ત્યારબાદ તેમની વચ્ચે તકરારો થવા લાગી અને ધનજીભાઈએ 1986માં સિટી સિવિલ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી. તેમને ફેબ્રુઆરી 1988માં એક્સપાર્ટી ડિવોર્સ મળ્યા જેનો આધાર એ હતો કે તેમની પત્ની તેમને છોડીને ચાલી ગઈ છે. આ ઘટનાના મહિનામાં જ ધનજીભાઈએ પ્રેમિલાબેન (નામ બદલ્યું છે) નામની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા. ધનજીભાઈ અને પ્રેમિલાબેનને આ લગ્નબાદ ત્રણ બાળકો થયા હતા.

કોર્ટે 1991માં છૂટાછેડા અરજી ફગાવતા ધનજીભાઈ હાઈકોર્ટમાં ગયા હતા

જો કે, સિટી સિવિલ કોર્ટે ધનજીભાઈને એક્સપાર્ટી ડિવોર્સ આપ્યા તેના સાત મહિનામાં જ રત્નાબેને અદાલતમાં અરજી કરીને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. રત્નાબેને તેમની અરજીમાં જણાવ્યું હતું કે, તેમને સાસરીમાં ખૂબ દુઃખ પડતું અને સાસરિયા તેમને માનસિક તથા શારીરિક યાતના આપતા હતા. આ કારણે જ તેઓ તેમના પતિ અને સાસરિયાની સાથે રહી શકે તેમ નથી. 1991ની સાલમાં સિવિલ કોર્ટે ધનજીભાઈની છૂટાછેડાની અરજી ફગાવી દેતાં તેમના બીજા લગ્નના કાનૂની દરજ્જામાં ગૂંચવાડો ઊભો થયો હતો. તેમણે તાત્કાલિક આ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે પ્રથમ પત્નીને રૂ. 17 લાખની કાયમી નિર્વાહ રકમ ચૂકવવા આદેશ કર્યો

હાઈકોર્ટમાં 28 વર્ષ સુધી તેમનો કેસ પડતર રહ્યો હતો. ધનજીભાઈનો કેસ સુનાવણી માટે બોર્ડ પર આવ્યો તો હાઈકોર્ટે કહ્યું કે, આ તો વર્ષોના વ્હાણા વીતી ગયા છે અને પક્ષકારો પોતપોતાના જીવનમાં સ્થિર થઈ ગયા છે. આ માટે બંને પક્ષકારોએ ઘરમેળે સમાધાન કરી લેવું જોઈએ કારણ કે આ લગ્નમાં સંધાય નહીં તેવું ભંગાણ થઈ ચૂક્યું છે. રત્નાબેનના વકીલે દલીલ કરી હતી કે ધનજીભાઈએ તેમના અસીલને કદી ખાધાખોરાકી આપી નથી અને તેમની પાસે પોતાનું મકાન પણ નથી માટે તેમને ધનજીભાઈએ ખાધાખોરાકી આપવી જોઈએ. આના પગલે હાઈકોર્ટે ધનજીભાઈની છૂટાછેડાની અરજી માન્ય રાખતા તેમને પ્રથમ પત્ની રત્નાબેનને રૂ. 17 લાખની કાયમી ખાધાખોરાકી ચૂકવવાનો આદેશ કર્યો હતો.

X
Ahmedabad's man court divorced at age 65 after 33 years of legal battle
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી