• Gujarati News
  • National
  • Congress Leader Kishan Singh Tomars Daughter Presented A Bogus Certificate In His Fathers School In Ahmedabad

કોંગી આગેવાન કિશનસિંહ તોમરની પુત્રીએ પિતાની સ્કૂલમાં બોગસ સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવી, ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લખનઉ યુનિવર્સિટીના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી 57 મહિના નોકરી કરી
  • રખિયાલની સી.એલ. હિન્દી સ્કૂલના પ્રિન્સિપાલએ કિશનસિંહ તોમરની પુત્રી અને જમાઈ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ: કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનસિંહ તોમરની પુત્રીએ રખિયાલની સી.એલ. હિન્દી સ્કૂલમાં લખનઉ યુનિવર્સિટીના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી 57 મહિના નોકરી કરી હોવાનો ભાંડો ફૂટ્યો છે.  કિશનસિંહ તોમર સી.એલ.હિન્દી સ્કૂલના ટ્રસ્ટી છે. બોગસ સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવવાના કૌભાંડમાં અનેક લોકો સામેલ હોવાની શંકા છે. પ્રિન્સિપાલે કિશનસિંહ તોમરની પુત્રી અને જમાઈ સામે ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2013માં ભરતી થઈ હતી: ગોમતીપુર ચર્ચ પાસે આવેલી સી.એલ.હિન્દી સ્કૂલમાં વર્ષ 2013માં શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાન કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમરે નોકરી માટે અરજી કરી હતી. તેઓને ઇન્ટરવ્યૂ માત્ર બોલાવવામાં આવ્યા હતા ત્યારે સ્કૂલ કમિટીએ ઇન્ટરવ્યૂ લઈ એમ.કોમની ડિગ્રી લખનઉ યુનિવર્સિટીમાંથી કરી હોય વેરિફાઈ કરાવવા પત્ર લખ્યો હતો. આ પત્રની બીજી કોપી માધુરીના પતિ વિજયપ્રતાપસિંહ ક્લહંસને આપી હતી. તેઓએ 6 ફેબ્રુઆરી 2014એ વેરિફિકેશનનું સર્ટિફિકેટ રજૂ કરી દીધું હતું. જેથી માધુરીને હંગામી શિક્ષક તરીકે નોકરીએ રાખવામાં આવ્યા હતા.
કાયમી કરવા ગાંધીનગર મોકલવાની કાર્યવાહીમાં ભાંડો ફૂટ્યો: 5 વર્ષ પૂર્ણ થતાં તેઓને કાયમી કરવા માટે ડિસેમ્બર 2018માં ફાઇલ ગાંધીનગર મોકલવાની હતી ત્યારે સ્કૂલ સત્તાધીશોએ લખનઉ યુનિવર્સિટીમાં વેરિફિકેશન અંગે જાણ કરી ત્યારે જે સીટ નંબર છે તે માધુરી નહીં પરંતુ કોઈ શ્વેતા સિંહના નામે છે. જેથી માધુરીએ આપેલા ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બોગસ જણાઈ આવતા જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી. આ બાબતે 6 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાતા અનેક તર્કવિતર્ક પણ સર્જાયા છે.