ઈમરાન, આસારામ, રામ રહીમના નામે ભાજપનાં ઈ-કાર્ડ બનતા ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાહપુરના ગુલામ ફરીદે સોશિયલ મીડિયામાં ઈ-કાર્ડ ફરતાં કર્યા
  • ભાજપના શહેર મંત્રીએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદઃ ભારતીય જનતા પક્ષના સદસ્યતા અભિયાન અંતર્ગત અમદાવાદના શાહપુરમાં રહેતા ગુલામ ફરીદ શેખ નામની વ્યકિતએ ભાજપના સદસ્ય તરીકે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન, ડેરા સચ્ચા સોદાના ગુરમિત રામરહીમ અને બળાત્કારના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા આસારામના નામના ભાજપના ઈ-કાર્ડ બનાવી સોશિયલ મીડિયામાં ફરતા કરી દીધા હતા. આ મામલે જાણ થતા અમદાવાદ ભાજપ એકમના મહામંત્રીએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

ઇ-કાર્ડ ઇશ્યૂ થતાં વિવાદ
ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ ભાજપના મહામંત્રી કમલેશ પટેલ ગઈ 24મીના પોતાની પક્ષના કાર્યકરો સાથે ભદ્ર વસંતચોક મહારાષ્ટ્ર સેવા સમિતિના મકાનમાં કાર્યકરોની મીટિંગમાં હાજર હતા. ત્યારે તેમને પક્ષના કાર્યકરો દ્વારા માહિતી મળી હતી કે, ગુલામ ફરીદ શેખ નામનો મોબાઈલ ફોન ધરાવતી વ્યકિતએ આ સદસ્યતા અભિયાનને અસર થાય તે રીતે આમ જનતામાં પક્ષની છબિ ખરડાય તે રીતે ગુરમીત રામરહીમ કે જે હરિયાણામાં ડેરા સચ્ચા સોદા નામની સંસ્થા ચલાવે છે અને બળાત્કારના કેસમાં જેલમાં છે તેનું તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન અને આસારામ કે જે બળાત્કારના આરોપમાં જેલમાં છે તેવા ક્રિમિનલ રેકોર્ડવાળા અને દેશની બહાર રહેતા વ્યકિતઓના ઈ-કાર્ડ ઈશ્યૂ કર્યા છે. આ ઉપરાંત આ ત્રણે વિવાદિત ઈ-કાર્ડ શાહપુર એકતા શાંતિ સમિતિના તથા શાહપુર શાંતિ સમિતિના વોટસઅપ ગ્રુપમાં વાયરલ કર્યા છે. આ અંગે કમલેશ પટેલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુલામ ફરીદ શેખની સામે ફરિયાદ નોંધાવી છે.

કાર્યકરોમાં રોષ
આસારામ, ઈમરાન ખાન અને રામ રહીમને ભાજપના સભ્ય બતાવાતા કાર્યકરોમાં રોષ વ્યાપ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી જ જોઈએ તેવી માગણી પ્રબળ બની હતી.