અમદાવાદ / બોપલમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીના CCTV સામે આવ્યા, 3ના મોત-6ને ઈજા થઈ હતી

  • 12 ઓગસ્ટે 20 વર્ષ જૂની અને 30 ફૂટ ઊંચી પાણીથી છલોછલ ટાંકી ધસી પડી

Divyabhaskar.com

Aug 13, 2019, 10:30 PM IST

અમદાવાદઃ 12 ઓગસ્ટના રોજ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી તેજસ સ્કૂલ પાસે સંસ્કૃતિ ફ્લેટની નજીક 20 વર્ષ જૂની 1 લાખ લિટરની ક્ષમતા ધરાવતી 30 ફૂટ ઊંચી પાણીથી છલોછલ ઓવરહેડ ટાંકી ધસી પડતા ત્રણ યુવકનાં મોત થયાં હતાં, જ્યારે 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આજે(13 ઓગસ્ટ) આ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ, જ્યારે ટાંકી ધસી પડી ત્યારે એક યુવક ભાગવામાં સફળ થાય છે. જ્યારે અન્ય લોકોને ઈજા થાય છે. તેમજ ઘણા લોકો પોતાના બાળકો સાથે ભાગી રહ્યા છે અને ભયનો માહોલ જોવા મળે છે. ત્યાર બાદ ટાંકીની આસપાસ અફડા તફડી જોવા મળે છે અને લોકોનું ટોળું એકઠું થઈ જાય છે. તેમજ ઘટના સ્થળે પડેલા અનેક વાહનોને પણ નુકસાન થાય છે.

શેડ અને ઝાડ નીચે દટાયેલા 4માંથી ત્રણ લોકોના મોત
ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં કેટરિંગના ધંધા માટે બનાવેલા શેડ અને ઝાડ પર આ ટાંકી પડી હતી. શેડ અને ઝાડ નીચે 4 લોકો દટાયા હતા, જેમાંથી ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે એકને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ટાંકી પડી ત્યારે ખુલ્લામાં કામ કરી રહેલા ત્રણ લોકોને ટાંકીનો પડેલો કાટમાળ વાગતા તેઓ 8 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા. ફાયરબ્રિગેડે ઝાડ, શેડ અને ટાંકીનો કાટમાળ જેસીબી વડે તોડ્યો હતો. કેટરિંગનો ધંધો હોવાના કારણે 30 જેટલા ગેસના બાટલા પણ ભરેલા હતા, જે ટાંકીના મુખ્ય ભાગ નીચે હતા, જેથી ચારથી પાંચ કલાક સુધી ટાંકીના કાટમાળને તોડીને ગેસનો બોટલો બ્લાસ્ટ થાય નહીં તે રીતે બહાર કાઢ્યા હતા.

કોણ કોણ છે દુર્ઘટનાના મૃતકો અને ઈજાગ્રસ્તો
આ દુર્ઘટનાના ત્રણ મૃતકોમાં રવિ જાદવ, રામદરી કુશવાહ અને વિક્રમ ભૌમિકનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં સુશીલ દિવાકર, અજય દિવાકર, જયરામ, અણદારામ, કિશોર અને ચેહર ઠાકોરનો સમાવેશ થાય છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી