EXCLUSIVE / અમે DPS પર ભરોસો કર્યો પણ તેણે એફિલિયેશન માટે બોગસ NOC આપી વિશ્વાસઘાત કર્યોઃ CBSEની કબૂલાત

CBSE confession: we trusted the DPS east ahmedabad but he betrayed with give bogus NOC

  • CBSE સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ Divyabhaskarને કહ્યું, ભવિષ્યમાં એફિલિયેશન પ્રક્રિયા બદલાઈ શકે 
  • 2018 પછી એફિલિયેશન પ્રક્રિયાને સરળ બનાવાઈ, પરંતુ બધી સ્કૂલોના NOCનું તાત્કાલિક વેરિફિકેશન નહીં કરાય

Divyabhaskar.com

Dec 03, 2019, 04:03 PM IST

મયંક વ્યાસ, અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમને ગેરકાયદેસર રીતે જમીનની ફાળવણીના વિવાદ બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની NOC બોગસ હોવાનું ખૂલ્યું છે. આ કારણથી જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) DPSનું એફિલિએશન રદ કરી દીધું છે. આમ DPS-ઈસ્ટનો સિનિયર સેકન્ડરી સ્કૂલ ચલાવવાનો દરજ્જો રદ થઈ ગયો છે. સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે અને વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે. DPSએ કેવી રીતે બોગસ NOC રજૂ કર્યું તે મામલે ભાસ્કર ઈન્વેસ્ટીગેશનમાં CBSEની ક્ષતિયુક્ત એફિલિયેશન પ્રક્રિયાનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે Divyabhaskarએ CBSEના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. આ વાતચીતમાં અનુરાગ ત્રિપાઠીએ કબૂલ્યું હતું કે, DPS જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પર ભરોસો મૂકવાને કારણે આજે આ સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં, ભવિષ્યમાં એફિલિયેશન પ્રક્રિયામાં NOC તથા સંલગ્ન દસ્તાવેજોની ખરાઈ કરવાનો નવો ચીલો પાડવા બાબતે વિચારણા થઈ શકે છે તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.

DPSએ વિશ્વાસઘાત કરીને CBSEનું એફિલિયેશન મેળવ્યું

અનુરાગ ત્રિપાઠીએ કહ્યું હતું કે, DPSએ 2010માં એફિલિયેશન મેળવવા માટે અરજી કરી ત્યારે તેણે ફાયર-બિલ્ડીંગ NOC ઉપરાંત જમીનના કાગળો અને ડીઈઓની NOC મળીને કુલ 10 દસ્તાવેજો રજૂ કર્યા હતા. અમે ત્યારબાદ DPSને એફિલિયેશન આપ્યું હતું અને તેણે સ્કૂલ શરૂ કરી તે પછી 2012માં અમારી આઈસી ટીમે સ્કૂલમાં ઈન્સ્પેક્શન પણ કર્યું હતું. તે સમયે પણ તેણે અમને આ NOCની જ નકલ દેખાડી હતી. અમારી પ્રક્રિયામાં ક્રોસ-વેરિફિકેશનની જોગવાઈ નથી કારણ કે અમે અરજી કરનાર પર ભરોસો કરીએ છીએ. DPSએ અમારો આ ભરોસો તોડીને જ એફિલિયેશન મેળવ્યું હતું.

બોગસ NOCનો DPSનો કિસ્સો આંખ ઉઘાડનારો

CBSEના સેક્રેટરી ત્રિપાઠીએ કબૂલ્યું હતું કે, DPS દ્વારા બોગસ NOC રજૂ કરીને એફિલિયેશન મેળવાયું તે આખો કિસ્સો 'બ્રીચ ઓફ ટ્રસ્ટ' (વિશ્વાસભંગ)નો છે. આ કિસ્સાએ અમારી આંખો ઉઘાડી છે અને અમે પણ ચોક્કસપણે એફિલિયેશન પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવા બાબતે આત્મમંથન અને વિચારણા હાથ ધરીશું. હાલ તો અમારી એફિલિયેશન પ્રક્રિયા અંતર્ગત સ્કૂલોએ આપેલા દસ્તાવેજોનું ક્રોસ-વેરિફિકેશન કરવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ અમે તે બાબતે વિચારણા ચોક્કસ કરીશું.

CBSE ભવિષ્યમાં વેરિફિકેશનની પ્રથા ચાલુ કરવા વિચારી શકે

CBSEની માન્યતા ધરાવતી 15 હજારથી વધુ સ્કૂલો અત્યારે દેશભરમાં ચાલે છે. આ સ્કૂલો દ્વારા જે-તે રાજ્ય સરકારની NOC રજૂ કરવી ફરજિયાત છે. મોટાભાગે આ NOC જેન્યુઈન હોવાનું માનીને જ અમે એફિલિયેશન આપતા હોઈએ છીએ, એમ જણાવી ત્રિપાઠીએ ઉમેર્યું હતું કે, DPSના કિસ્સાએ અમને હચમચાવી દીધા છે. આ કારણથી જ ભવિષ્યમાં આ પ્રકારે રજૂ કરાતી NOCનું ક્રોસ વેરિફિકેશન કરવું કે નહીં તે બાબત ચોક્કસપણે વિચારાધીન આવી શકે છે. પરંતુ અત્યારે તો આવી કોઈ વેરિફિકેશન પ્રક્રિયા CBSE ચાલુ કરી રહી નથી.

એફિલિયેશન માટે દસ્તાવેજોની પ્રક્રિયા CBSEએ સરળ કરી

ત્રિપાઠીએ એ બાબતનો પણ ભારપૂર્વક કર્યો હતો કે, વર્ષ 2018થી CBSEએ એફિલિયેશન મેળવવા ઈચ્છુક શિક્ષણ સંસ્થાઓ માટે દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયા સરળ કરી દીધી છે. અગાઉ ડીઈઓ NOC, ફાયર NOC, બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ, લેન્ડ સર્ટિફિકેટ વગેરે મળીને 10 જેટલા દસ્તાવેજો CBSE સમક્ષ રજૂ કરવાના રહેતા હતા. પરંતુ 2018થી બાકીના બધા દસ્તાવેજો જે-તે ડીઈઓને રજૂ કરવાના રહેશે અને તે પછી ડીઈઓ એક નિર્ધારિત ફોર્મેટમાં પોતાની NOC આપે છે. ડીઈઓને જરૂર લાગે તો તે બાકીના દસ્તાવેજોનું વેરિફિકેશન કરી શકે છે.

ઈ-ફાઈલિંગના અમલ બાદ જરૂર લાગ્યે NOC વેરિફિકેશન કરીશું

હાલ આટલી બધી સ્કૂલોએ રજૂ કરેલા ડીઈઓના NOCના વેરિફિકેશનની કોઈ પ્રક્રિયા નથી. અમે ફક્ત કોઈ સંસ્થા સામે ફરિયાદ આવે ત્યારે જ વેરિફિકેશન કરાવીએ છીએ. પરંતુ હવે ઈ-ફાઈલિંગનો જમાનો છે માટે ઈ-ફાઈલિંગ પ્રણાલિ અમલમાં આવ્યા બાદ અમને જરૂર લાગશે તો તે પ્રમાણે સંલગ્ન ડીઈઓ સમક્ષ અમે જે-તે સ્કૂલનું NOC વેરિફાઈ કરાવવા બાબતે વિચારણા હાથ ધરીશું. પરંતુ હાલ ફરજિયાત વેરિફિકેશનની કોઈ વાત નથી.

DPSની બાકીની બ્રાન્ચનું પણ હાલ વેરિફિકેશન નહીં કરાય

DPS દ્વારા બોગસ NOC રજૂ કરીને એક સ્કૂલ માટે CBSEનું એફિલિયેશન મેળવાયું તો તેનો અર્થ એવો નથી થતો કે તેની બધી બ્રાન્ચોએ આવું કર્યું હોય, એમ જણાવી ત્રિપાઠીએ કહ્યું હતું કે, DPSની બાકીની શિક્ષણ સંસ્થાઓ માટે વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવાની હાલ કોઈ વિચારણા નથી. અમે તો ફક્ત જેની સામે ફરિયાદ અને આધાર-પૂરાવા મળે તે જ સંસ્થાઓ સામે ક્રોસ વેરિફિકેશન કરાવીએ છીએ.

X
CBSE confession: we trusted the DPS east ahmedabad but he betrayed with give bogus NOC

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી